મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમરસ ગીતા પદ ૨૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૨૧

ગોપી કહે સુણો ઓધવ ભ્રાતજી, કહેજો હમારી સહુ પ્રભૂને વાતજી; ફરી ફરી વીનતી એ કહેજો હમારીજી, જ્યમ ત્યમ વ્હેલા આવે વૃજમાં વિહારીજી.૧ પ્રાન ટક્યો છે કહેજો એક તમ આશેજી, કહેજો કહાવ્યૂં છે તમારી દાસેજી; નંદ યશોદા સહુ એમ કહાવેજી, ઓધવજી કહેજો હરી વૃજ વ્હાવેજી.         ૨

ઢાળ.

આવે વૃજ એમ કહી સરવે, ભેટ સામગરી ઘણી;
મોકલી હરીને લઈ ઓધવ, પધાર્યાં મથુરાભણી.          ૧

મળ્યા આવી મથૂરાનાથને, પ્રણામ કીધો પ્રીતશું;
સમાચાર કહ્યા સરવે જેમ, ભક્તે કાહાવ્યા રીતશું.          ૨

માહારાજ વૃજવાસીતણો, સ્નેહ કેમ કહું મુખેકથી;
તેમાં ગોપીકાનો પ્રેમ તે તો, કહેવા કોઈ સમ્રથ નથી.          ૩

ફરી ફરી એમ કહ્યૂં છે જે, વ્હેલા વૃજ પ્રભૂ આવિયે;
કૃપા કરી શ્રીકૃષ્ણજી એ, અરજ મનમાં લાવિયે.          ૪

ઘણું વખાણે વૃજનારને ઓધવ, મન ગયૂં છે ગળી;
દયાના પ્રભૂ પ્રાણવલ્લભ, પ્રત્યે કહે છે વળી વળી.          ૫