મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૧૧)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૧૧)

રમણ સોની

થયા મંગળ તેજ પ્રકાશ
થયા મંગળ તેજ પ્રકાશ, એ રૂપ કુણ કળે.
અવનિકારણ શ્રી અવિનાશી, મહારૂપ કુણ કળે.

કિરીટ મુકુટ શિર સાર સાર, એ૦ શોભે દિનકરનો ઝળકાર,          મહા.
શોભે મૃગમદ તિલક લલાટ, એ૦ સુદ અષ્ટમી સોમનો ઘાટ,          મહા
શોભે અંબુજ નેણ વિશાળ, એ૦ ભરી ભ્રૂકટી તે ધનુષ્ય આકાર,          મહા
મકરાકૃત કુંડળ લલકે કાન, એ૦ અંગ ઈદુ હળદરવાન,          મહા
શોભે લાલ પ્રવાળી અધૂર, એ૦ હાસ્ય વદનમાં અમૃત પૂર.          મહા
નાસિકા શુદ્ધ શુકની ચંચ, એ૦ ઝળકે હીરકણીશા દંત.          મહા
ભૃગુલાંછન કૌસ્તુભ હાર, એ૦ ઉર હાર સહિત શણગાર.          મહા
શુદ્ધ શંખ સરીખી કોટ, એ૦ જાણીએ અધર્મ ઉપર દોટ.          મહા
પેટ પોયણી કેસરી લંક, એ૦ કશ્યાં પીતાંબર પીળે રંગ.          મહા
જંઘા કોમળ કદળો પાય, એ૦ જેમાં મુનિઓનાં મન લલચાય,          મહા
કર આનંદકંકણ પાણ, એ૦ શંખ ચક્ર ગદા અંબુજ જાણ.          મહા
ચરણે ચિહ્ન પડ્યું સંજુગ્ત, એ૦ ધજા ચર્મ ને પદ અંકુશ,          મહા
માતા દેખી થયા દિગ્મૂઢ, એ૦ જળ ઓળખ્યા ગરૂડારૂઢ.          મહા
વભુ ભાગીએ મનની ભ્રાંત, એ૦ રઘુલાલ ખેલવાની ખાંત.          મહા
તતક્ષણ થયા પ્રભુ લઘુરૂપ, એ૦ ધણી ભાલણના સુરભૂપ.          મહા