મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૯)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૧૯)

મીરાં

ઓ રાણા! જીવનો સંગાથી
ઓ રાણા! જીવનો સંગાથિ હરિ વિણ કોઈ નથી.
પ્રભુ ભજવાની હામ રે મારે, હરિ ભજવાની હામ રે. જીવનો

ઓ રાણા! એક રે ગાય ને દો દો વાછડા,
તોય એના જુદા રે જુદા લેખ;
એક રે શિવજી-ઘેર પોઠિયો, બીજો ફરે ઘાંચીડાને ઘેર. જીવનો

આો રાણા! એક રે માટીનાં દો દો માટલાં,
તોયે એના જુદા રે જુદા લેખ;
એક રે માટલું જસોદા માતાનું, બીજું દીસે કલાલને ઘેર. જીવનો

ઓ રાણા! એક રે વેલાને બે બે તૂંબડાં,
તોયે એના જુદા રે જુદા લેખ;
એક રે તૂંબડું સાધુના હાથમાં, બીજું રાવળિયાને ઘેર. જીવનો

ઓ રાણા! એક રે માતાને દો દો બેટડા,
તોયે એના જુદા રે જુદા લેખ;
એક રે બેટો ચોરાસી ધૂણી તપે, બીજો ઘૂમે લખચોરાશી ફેર.જીવનો

એક રાણા! એક રે વાંસની દો દો વાંસળી,
તોય એના જુદા રે જુદા લેખ;
એક રે વાંસળિ કા’નકુંવરની, બીજી વાગે વાદીડાને ઘેર. જીવનો

ઓ રાણા! ગુરુને પ્રતાપે મીરાં બોલિયાં,
દેજો અમને સંતોનાં ચરણોમાં વાસ.