મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/રુક્મિણી વિવાહ મીઠું ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મીઠું ૧

પ્રથમ શ્રી ગરૂપદ પરણમૂં પ્રીતે, શ્રીકૃષ્ણરૂપ હૃદે ધરૂંરે;
શ્રી રૂકમણીજીનો વિવાહ સંક્ષેપે, પદબંધ પ્રેમ ધરી કરૂં રે.          ૧

શ્રી ભાગવતદશમસ્કંધ મધ્યે, ત્રેપનમાં અધ્યા વિષેરે;
શુકજી કહે સુણો રાય રૂક્મિણીજીનું, હરણ કર્યું દ્વારિકાધીશેરે.          ૨

વૈદ્રભ દેશ વિક્ષતરે રાજાજી, કુંદનપુર ત્યાં કોડામણૂંરે;
રાજા રૂડું ભીમકરાય ભૂપતજી, ભાગ્ય શું વર્ણવું તેતણૂંરે.          ૩

પુત્ર પાંચ તેમાં જ્યેષ્ટ રૂકમૈયો, પુત્રી છે એક શ્રી રૂકમણીરે;
પ્રગટ્યાં છે શ્રી મહાલક્ષ્મીજી પોતે, ગુણ શા શકું હું તેના ભણીરે.          ૪

કન્યાકાળ કુંવરીજીને આવ્યો, માત પિતા બંધુ ધારિયુંરે;
રૂપ ગુણે સમોવડ સહૂ રીતે, શ્રી કૃષ્ણ વર એ વિચારિયું રે.          ૫

કુટુંબ સહોદર સહુકો ભાવ્યું, એક રૂકમૈયાને ના ગમ્યુંરે;
અરે ગોવાળ કેમ વરે મારી ભગની, કન્યા દીધી ત્યાં ઠરૂં ન હુંરે.          ૬

દમધોષનો સુત શીશુપાળ રાજા, કુળવંત છે જગ નામનારે;
તેની સંગે મારી બેન પરણાવું, સમરથ કો સમે કામનારે.          ૭

એમ કહીને તતકાળજ ઊઠ્યો, વેગે કહાવ્યું શીશુપાળને રે;
લગન ઉપર જાન લઈ વેહેલા આવે, લાવે સંગે બહુ ભૂપાળનેરે.          ૮

સુણી એમ સનમાના થઈ સહુ ઊઠ્યા, ઉદ્યમ માંડ્યો વેહેવાતણોરે;
સુણી રૂકમણીજીને તો ઝેર લાગ્યું, ઉર પરિતાપ થયો ઘણોરે.          ૯

જે જે દેશથી જે દ્વિજ આવે, સહુને પુછીને નિશ્ચે કર્યુંરે;
સરવે કહ્યું નહીં કો કૃષ્ણ તોલે, સાંભળીને ચિત ત્યાં ઠર્યુંરે.          ૧૦

નારદે કહ્યું પણ સહુ ગુણ પૂરણ, એક શ્રી કૃષ્ણ નિશ્ચે કરીરે;
એમ સુણીને દેહ આત્મા પોતાનો, મનથકી અરપ્યો શ્રીહરીરે.          ૧૧
અંન્ન ના ભાવે ને નિદ્રા નાવે, કેહેવાય નહિં દુ:ખ કોઈનેરે;
નાથ સંભારે ને નિશ્વાસ મુકે, રાત દિવસ કાહાડે રોઈનેરે.          ૧૨

એવામાં જાન લઈ શીશુપાળ આવ્યો, સાથે છે રાજા બિજા બહુરે;
કાસીરાજ દંતવક્ર જરાસન, શાલ્વ સહિત સેન્યા સહુરે.          ૧૩

સામા જઈને ભુપે સનમાન કરીને, લાવિ ઉતાર્યા છે બાગમાંરે;
આવ્યો છે કોડે પણ જશે માથે બોડે, ધિક્કાર ફટ એના ભાગ્યમાંરે.          ૧૪

દુષ્ટ આવ્યો સુણીને કુંવરીજીને, તાલાવેલી લાગી તનમાંરે;
ક્યમ કરૂં કોહોની સંગે હું કહાવૂં, ધારે વિચારે છે મનમાંરે.          ૧૫

એવામાં એક આશ્રિત દ્વિજ ઘરનો, આવ્યો દેખી ધાર્યૂં ચિત્તમાંરે.
સાન કરી તેડ્યો સકૂમારી, આવો ગુરૂજી એકાંતમાંરે.          ૧૬

તેડી બેસાડીને કર્યો મનસૂબો, પત્ર લખીને એક આપિયુંરે;
દ્વારામતીપતીને જઈ આપો, કેહેજો દુ:ખ જેહેવ્યું વ્યાપીયુંરે.          ૧૭

ત્રણ દિવસમાં છે લગન તે કેહેજો, વેહેલા વળજો પેખૂં પંથનેરે;
અંબીકા પૂજી પાછી વળૂં ત્યાંથી, મુજને હરે કેહેજો કંથનેરે.          ૧૮

શિખવી સંદેશો ને વિપ્ર વળાવ્યો, વાડવ ચાલ્યો વેગે કરીરે;
વાત છે ગમતી તે એક દિવસમાં, દ્વારિકાં દેખાડી શ્રી હરીરે.          ૧૯

નીરખંતો નગ્ર શોભા દ્વિજ ચાલ્યો, જોતાં પ્રસન્ન ઘણૂં થયોરે;
પૂછંતો પૂછંતો હરિ મેહેલે આવ્યો, દ્વારે આવીને ઉભો રહ્યોરે.          ૨૦
પ્રભુજીને કહાવ્યું પ્રતિહાર સાથે, કહો કોઈ બ્રાહ્મણ આવિયોરે;
આજ્ઞા જો હોય તો મેહેલ મધે આવે, પત્ર કોઈએકનું છે લાવિયોરે.          ૨૧

દ્વારપાળે સંભળાવ્યું શ્રી પ્રભુજીને, પત્રની વાત ત્યાં સાંભળીરે;
નાથ કેહે લાવો તે દ્વિજ રખે ખાળો, અંતરજામી પામ્યા રળીરે.          ૨૨

સાંભળી વચનને સેવક દ્રોડ્યા, ભટજીને ભુવનમાં લાવીયારે;
દેખી પ્રભુ સિંહાસનથકી ઉઠ્યા, દ્વિજવર ત્યાં પધરાવીયારે.          ૨૩

અર્ઘપાદ્યસહિત પુજા કરી વિધિયે, વંદન કીધૂં વિશ્વંભરેરે;
ભોજન કરાવીને તંબોળ આપ્યું, પોરાડ્યા ચારૂ સજ્જાપરેરે.          ૨૪

પાસે બેઠા એક શ્રીહરી પોતે, અવર નહિં કો તેણેસમેરે;
હસ્ત જોડી શ્રીહરિ એમ બોલ્યા, ધન ભાએગ પધાર્યા તમેરે.          ૨૫

તમ સરિખા મુનીવર માહા દુરલભ, સંતોષી સંત તપોનીધીરે;
એમ વિનય વીવેક મધુર વચનેથી, આગતા સ્વાગતા બહુ કીધીરે.          ૨૬

કહો ઋષી કારણ પધાર્યાનું, હોવાં કોણ દેશથકી આવિયારે;
વૈદ્રભદેશ વીષે અમો વસીએ, પત્ર આપ્યો એક લાવિયારે.          ૨૭

તે આદર સહિત લીધું પત્ર પ્રભુજીએ, પ્યારીનું છે ઉર ચાંપિયુંરે;
જોતાં અશ્રુનાં બીંદુ માંહે દીઠાં, વિરહમુદ્રા જાણે છાપિયુંરે.          ૨૮

પ્રીત પ્રીયાની દેખી નેત્ર ભરીયાં, ગદગદ કંઠ થયા ઘણુંરે;
પત્ર આપ્યું પાછું ભટજીના કરમાં, વાંચો તમો ને અમો સુણુરે.          ૨૯
વાંચેછે વિપ્ર શામ ધરે શ્રવણે, પ્રથમ લખ્યું એમ પ્રેમદારે;
સ્વસ્તિશ્રી દ્વારીકાનગ્રીના નાયક, રાજરાજેશ્વર છો સદારે.          ૩૦

ત્રીભોવનનાથ અનાથના બંધુ, સમ્રથ ચતુર ચિંતામણીરે;
કુંદનપુરથકી લખીતંગ તમ પદ, પંકજકિંકરી રૂક્મણીરે.          ૩૧

પ્રાણપતી અભીવંદન તેનાં, અગણિત સેવામાં લાવજોરે;
જત અત્ર રાખીછું તેમ રહીછું, કુશળ સહિત વેહેલા આવજોરે.          ૩૨

અપરંચ એજ લખ્યા કારણ છે, સહુ ગુણનીધીમાં સુણ્યા હરી રે;
તેથકી ચિત મ્હારૂં તમમાં લોભાણૂં, મનથકી હૂં તમને વરી રે.          ૩૩

આપ કેહેશો કુળવંત કન્યાને, ના ઘટે કેહેવું સામું કંથને રે;
તે પણ સત્ય લોકીકની રીતે, પણ ના હોય તમ પંથને રે.          ૩૪

હું તો તમારી સદા છું વીચારો, તે માટે મન તમમાં ઠરે રે;
પણ કીરતી સુણી વિશ્વમાં વનીતા, કોણ એવી જે તમને ના વરે રે.          ૩૫

માટે સો વાતની એકજ કહું છું, આહાવે સમે રખે ચૂકતા રે;
ત્રણ દિવસમાં છે લગ્ન પારવતીજી, પુજાું ત્યાંથી રખે મૂક્તા રે.          ૩૬

તેડ્યો રૂકમૈયાનો શિશુપાળ આવ્યો, બિજાં સહુને તમો ભાવતા રે;
એ છે સિંહનો ભાગ શીયાળ ના પામે, જોજો આળસ ઉર લાવતારે.          ૩૭

આળસ કરશો જો જીવન માહારા, તો માહારા પ્રાણ નિશ્ચે જશે રે;
જન્મો જનમ તમને નહિં ભૂલૂં, જ્યારે મળશો સુખ ત્યાંહાં થશે રે.          ૩૮
વલણ
સુખ થશે પ્રીતમજીરે, જ્યારે ગ્રેહેશો હાથ;
દાસી ભણી દયા કરજો, પ્રભુ દીનાનાથ. ૧

તમો સમોવડ હૂં નથીરે, માહારા અંતરજામી;
જેવી તેવી પણ શરણ, આવી હું સ્વામી. ૨