મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/રુક્મિણી વિવાહ મીઠું ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મીઠું ૨

વળતા શુકજી પછી એમ બોલીઆ, સાંભળ ભ્રુપતીરે;
એહેવું સાંભળી પ્યારીનું પત્ર, વીકળ તયા પતીરે.          ૧

પ્રભુ કેહે શું કહીએ રે ભૂદેવ, અમારી પણ એ ગતીરે;
એ રાજકુમારી માટે, નિદ્રા નથી આવતીરે.          ૨

અમો પણ પત્ર વાટ જોતા હતા, વિલંબ નથી કસીરે;
એહેવું કહી ઉઠ્યા તતખેવ, ચીંતા મન વસીરે.          ૩

કહ્યું સારથીને રથ લાવ, માહરો શીઘ્રે સજ કરીરે;
કેહતામાં લાવ્યો તતકાળ, આરૂઢ થયા હરીરે.          ૪

માંહે બ્રહ્મણને પણ બેસાડ્યો, ચતુરશિરોમણીરે;
તમોપાખે ત્રિયાને કોણ, કેહેશે જઈ વધામણીરે.          ૫

એવું કહી રથ ત્યાંથિ ખેડાવિયો, વાયુવેગે કરીરે;
થોડીવારમાં, પોહોતો તાંહે, જાંહાં છે કુંદનપૂરીરે.          ૬

નગ્ર દીઠું ને બ્રાહ્મણ મોકલ્યો, જઈ કહો વધામણીરે;
હાવાં ત્યાંહાં પણ થાક સુકન, શ્રીઅંગે રૂકમીણીરે.          ૭

વામ ઉરને બાહૂ ફરકી આંખડી, જોઈને વીચારતાંરે;
એહેવામાં દીઠો આવતો વિપ્ર, વિમાસણ ધારતાંરે.          ૮

બોલ્યો ગોરજી બાઈજી વધામણીછે, પ્રભુ આવિયારે;
એહેવું સાંભળી હરખ ના માય, બોલ્યા પ્રાણ લાવિયારે.          ૯

મુનિ કેહે પુર સમીપ પધારયા, પછી મુને મોકલ્યોરે;
કાહવ્યું છે હાવાં રેહેજો પ્રસન્ન દિવસ આવ્યો ભલોરે.          ૧૦

પછે બહુ ધન વિપ્રને આપીઊં, તે પણ કહું કથીરે;
પધારાવ્યા છે પ્રાણજીવન, તે સમ તો કશું નથીરે.          ૧૧

પછે પ્રેમસું કીધો પ્રણામ, શ્રી જગદંબા રૂકમીણીરે;
દીધું આશિષ પ્રસન થઈ ઋષી, ચાલ્યા મંદિર ભણીરે.          ૧૨

હાવાં દ્વારિકામાં કેમ નિપન્યું, તે પણ કહું કથીરે;
બળદેવજી કહે પ્રભુ ક્યાંહાં, પધાર્યા દીસતા નથીરે.          ૧૩

પછે ખબર થઈ જે પોતે તો, પધાર્યા કુંદનપુરીરે;
સુણી હળધર થયા તૈયાર, સેન્યા સહુ સજ કરીરે.          ૧૪

જાણ્યું બંધવ એકલો કુંમકે, પુંઠ પોતે પળ્યારે;
બહુ શીઘ્રતાએ બળભદ્ર, પ્રભુને આવી મળ્યારે.          ૧૫
પછે ખબર પધાર્યાની ભીમક, રાજાએ સાંભળીરે;
સામા આવી કર્યું સનમાન, પ્રીતેથી હળીમળીરે.          ૧૬

પછે પધરાવ્યા પુર માંહે, ઉતાર્યા તે સ્થળેરે;
જાહાં ધાર્યો હુતો જાનીવાસો, થયું તે ઈચ્છાબળેરે.          ૧૭

કીધું પુજન બહુ વીધી કૃષ્ણનું, રામનું પણ કર્યુંરે;
ઘણાં આપ્યાં આભુષણ વસ્ત્ર, રાજાનું મન ઠર્યુંરે.          ૧૮

કીધી આગતા સ્વાગતા બહુ વીધી, ને રાયજી વળ્યારે;
સમાચાર જાણી પુરલોક, સહુ જોવા મળ્યારે.          ૧૯

જોઈ સ્વરૂપ સુઘડતા શ્રીકૃષ્ણની, મોહ પામ્યું સહુરે;
આતો વર છે શ્રીરૂક્મણી જોડ, જોડું શોભે બહુરે.          ૨૦

અમારા કાંઈ સુકૃત હોય તે, આવિને આંહા ફળોરે;
તેથકી પણ આ વર રૂકમણીને, નિશ્ચે મળોરે.          ૨૧

હાવાં નગરીમાં ઘેર ઘેર તોરણ, કદળી સ્તંભ છેરે.
પરુ શોભા કહિ નવ જાય, વેવા આરંભ છેરે.          ૨૨

હાવાં કન્યાને પિઠિ ચોળાય છે, મંગળ ગવાય છેરે,
પેલે શિશુપાળે ચોળી છે રાખ, પીઠી કેહેવાય છેરે.          ૨૩

હાવા અંબિકા પુજવા કન્યા ચાલ્યાં, ત્યાં શોભા બણીરે;
મધ્ય ચરણ ચાલે છે આપ, વીટી વળી સ્ત્રી ઘણીરે.          ૨૪
દેશ દેશના ભુપ આવ્યા તે સરવે, સાથે સજ થયારે;
ઉઘાડાં ધર્યાં છે ખડ્ગ, શસ્ત્ર પાંકી રહ્યાંરે.          ૨૫

કન્યા પારવતીજી પુજ્યાં, ગોરાણી પુજાવિયાંરે;
કર્યું ધુપદિપ નૈવેદ, તંબોળ ધરાવિયાંરે.          ૨૬

પુષ્પમાળા ધરિ કરિ આરતીને, પાએ લાગિયાંરે;
મુજને મળજો શ્રીકૃષ્ણ ભરથાર, એ ફળ માંગિયાંરે.          ૨૭

ગુરૂ પત્નીને મુખદ્વારે બોલિને, ઉમયાયે એમ કહ્યુંરે;
તુને ઈચ્છાવર મળશે તે, કારણ જાણે સિદ્ધ થયું રે.          ૨૮

સુણી એવું વળ્યાં સુકુમારી, સખીકર કરગ્રહીરે;
તે સમે નથી શોભાનો પાર, તે કેમ શકું કહીરે.          ૨૯

લાંબી વાસુકી સરખી છે વેણ, સચિકણ સામળીરે;
અર્ધચંદ્રાકારે છે કપોળ, નાસા જાણે શુક વળીરે.          ૩૦

કોટી સસી ને સુરજ ઝાંખા પડ્યા, મુખ એનું નિરખતાંરે;
દંત પંગત કુદ કળી પુષ્પ, વરખે છે હરખતાંરે;          ૩૧

મોહોટી અણિઆળી ચંચળ આંખડી, ત્રાજડું શોભીએરે;
રદેકર કટી સીંહ સમાન, હરીમન લોભીએરે.          ૩૨

ચાલે મંદગતી ગજ સરખડી, નૂતન વસ્ત્ર છેરે;
શોભે નખશિખ આભ્રણ, અત્યદુષ્ટ ઉર સહસ્ર છેરે.          ૩૩
હાવાં પ્રાણપતી દીઠા સનમુખ, નીરખવા કારણેરે;
વામ હસ્તે ઊંચા કીધા કેશ તે, લટકાને વારણેરે.          ૩૪

એવી શોભા જોઈને મુરછિત, થયા સહુ જન ભૂપતીરે;
પ્રભુ જોતાં સહુ સ્ત્રી જનની, પણ થઈ એ ગતીરે.          ૩૫

પછી તે સમે તારૂણી નેત્ર વડે, નાથ તેડીઆરે;
પ્રભુજી કેહે સમો છે હાંક, કેહેતાં અશ્વ ખેડીયા રે.          ૩૬

નીજ રથ દંડ ગ્રહી ઉભાં રૂકમણી, રથ ત્યાંહાં આણ્યો સહીરે;
પ્રભુએ પોતાના રથ માંહે, ખેંચી લીધાં કર ગ્રહી રે.          ૩૭

પાસે બેસાડીને રથ હાંક્યો, આનંદ અતિ થયો રે;
જે જે શબ્દ કરે સુરીજંન, રૂકમણીકર હરી ગ્રહ્યો રે.          ૩૮
વલણ
હરી ગ્રહ્યો કર જાણીનેરે, હરખ્યાં સરવ સ્વજંન રે;
પેલા રાજાઓની મુરછા વળી, થઈ ગયાં શ્યામ વદંન રે.          ૧

એરે આ શું થયું કૃષ્ણે, કર્યું કન્યા હરણ રે;
શું મોહોડું કોઈને દેખાડીશું, આ થકી સારૂં મરણરે.          ૨