મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/રુક્મિણી વિવાહ મીઠું ૩


મીઠું ૩

વળતા શુકજી તે વણી એમ ઉચર્યા, સાંભળ પરિક્ષિત રાય;
હાવાં ત્યાર પછી કયમ નીપજ્યૂં, તુજને કહું તે ક્થાય;
જેજે બોલો શ્રી રકમણીનાથની.
વર કન્યાં તો આગળ પધારીયાં, પુઠળ સેન્યા બળરામ;
પાછળ શત્રુનું દળ દીઠું આવતું, ઉભા રહ્યા તેણે ઠામ          – જેજે૦ ૨

માનભંગ થયારે સરવે ભૂપતી, તેણે ધારી એ બુદ્ધ;
પાછાં વળતાં તો નાક જાય છે કન્યા લો કરી જાુદ્ધ          – જેજે૦ ૩

આવ્યા બાણના મેહ વરસાવતા, રીસે બળતા સહુ થાય;
જાદવ સેન્યા ઢાંકી લીધી સરવડે, દાંત પીસંતા જાય          – જેજે૦ ૪

વળતા જાદવ જાુદ્ધને વીફર્યાં, વીધ્યાં સહુનાં શરીર;
સેન્યાં મારી સુવાડીરે સાથરે, નાઠા વીર મુકી ધીર          – જેજે૦ ૫

રૂકમૈયો બોલ્યો શિશુપાળસું, સાંભળ માહારૂં પણ એક;
જો હું રૂકમણી પાખે પાછો ફરૂં, પુરમાં પેસું નહિ છેક          – જેજે૦ ૬

બીજે મારગે કૃષ્ણ પુઠે પળ્યો, બકતો બકતો બહુ જોર;
ઊભો રેહ ઊભો રેહ ક્યાંહ જાય છે, માહારી ભગનીના ચોર         – જેજે૦ ૭

એવું કહી ત્રણ બાણ ત્યાંહ મુકીયાં, છબીલે છેદ્યાં તતકાળ;
દેખી પાંચ ફેક્યાં બીજાં પાપીયે, તે પણ ભાગ્યાં શ્રીગોપાળ          – જેજે૦ ૮

પછે શ્રીકૃષ્ણે ત્રણ સર છોડીયાં, છેધૂં સારથીનું શીશ;
રથ ભાંગ્યો ધનુષ ત્રોડી નાખ્યું, એહેવું કીધું શ્રી જગદીશ          – જેજે૦ ૯

બીજાું કોડંડ ગ્રહ્યું તે પણ કાપીયું, ત્રીજાંની પણએ ગત્ય;
વળતો ખડગ ચરમ લઈ દ્રોડિઓ, રિસે દાધ્યો છે અત્ય          – જેજે૦ ૧૦
પ્રભુએ પણ વિદ્યાધર ખડ્ગ કાહાડીયું, સામા ધસ્યા કરી ક્રોધ;
જેહેવે મસ્તક છેદેછે શ્રીહરી, કીધો રૂકમણીએ રોધ          – જેજે૦ ૧૧

એ ના ઘટે નાથ ચતુરશિરોમણિ, અપજશ જગતમાં થાય;
જેવો તેવો પણ ભાઈ એ માહારો, સાળો તમારો કહેવાય          – જેજે૦ ૧૨

પ્રભુએ ધાર્યું જે રાણી રૂસે નહી, ધાર્યું મારૂં પણ થાય;
માર્યા સરીખો કેહેવાય રહે જીવતો, એહેવો રચવો ઉપાય          – જેજે૦ ૧૩

ડાઢી મુછ મુંડીને પટા પાડીયા, શસ્ત્રે કરીને શ્રીનાથ;
રથની સાંગી પુઠળ લટકાવીયો, વસ્ત્રે બાંધ્યો બેહુ હાથ          – જેજે૦ ૧૪

એહેવે બળભદ્ર પુઠળથી આવીયા, જીતીને સહુ રાય;
દીઠો રૂકમૈયાને રથે બાંધીઓ, ઘણું લજવાતો જાય          – જેજે૦ ૧૫

હાં હાં આ શું કર્યું ભાઈ ના ઘટે, આશો કીધો કદ્રુપ;
એહેને મરણથકી અદિકું થયું, એ છે અહંકારી ભૂપ          – જેજે૦ ૧૬

રૂકમણીજીને રૂડું મનાવવા, કીધો વચન વિવેક;
છોડી મુક્યો રૂકમૈયો હળધરે, બંધે ધવ એક          – જેજે૦ ૧૭

પછે લીધાનું ફળ એ પટા પડ્યા જવાયું નહી, વાસ્યું ભુજ કછ શેહેર;
પણ લીધાનું ફળ એ પટા પડ્યા જવાયું નહી, ઘેહેર           – જેજે૦ ૧૮

હાવાં શિશુપાળની શી શોભા થઈ, થોડી સરખી હું કેહેશ;
ઠાલો ચાલ્યો તે નાક છેદાઈ ગયું, અંગે પીઠી મુખે મેશ          – જેજે૦ ૧૯
નગારાં ને નીશાન સંતાડ્યાં, મુખે પડી ગયા શોશ;
સહુકો સમસાનીઆ સરખા સનમન્યા, જાણે મુએ દમઘોષ          – જેજે૦ ૨૦

જરાસંઘે ત્યાંહાં આસનાવાસના કરી, હું પણ હાર્યો સતરવાર;
તોહે મેં કાંઈ દુખરે નોતું ધર્યું, એહેવો ધારવો વિચાર          – જેજે૦ ૨૧

અરે હાવાં દ્વારામતી પ્રભુ પોહોંચ્યા, સેન્યા સહિત બળરામ;
સામા ઉગ્રસેન આવ્યા સોભા ભર્યા, પધરાવ્યા નિજ ધામ          – જેજે૦ ૨૨

જોશી તેડાવ્યા શ્રી વાસુદેવજી, લગ્ન લીધું શુભ સાર;
લખી સજન સરવને કંકોતરી, તેડાવ્યાં તેણીવાર          – જેજે૦ ૨૩

મોહોટો મંડપ રચ્યોરે સોહામણો, વાજાં વાજે અપાર;
મંગળ ગાનકરે સરવને કંકોતરી,તેડાવ્યાં તેણીવાર          – જેજે૦ ૨૪

વરકન્યાને પીઠી ચોળાય છે, ગોત્રજ દેવ્યા પૂજાય;
વૃદ્ધ શ્રાદ્ધ કીધું છે વાસુદેવજી, દેવકી હરખ ન માય          – જેજે૦ ૨૫

વરવહુને મંડપમાં પધરાવ્યાં, વિપ્ર કરે વેદ ગાન;
કોઈએક કન્યાનાં માત પિતા થયાં, તેણે દીધું કન્યાદાન          – જેજે૦ ૨૬

હસ્ત મેલાપ થયો નેમંગળ ફેરા ફર્યા, કીધા સર્વ પ્રકાર;
લાડકોડ રીતેભાતે શ્રી હરી, આરોગ્યા છે કંસાર          – જેજે૦ ૨૭

સહુને કંસાર ભોજન કરાવ્યાં, સંતોખ્યા સહુ જન;
બેહેન ભાણેજ પુજ્યને પોખ્યાં, હરખ્યું સહુકોનું મન          – જેજે૦ ૨૮
કુળની રીતે પછી છોડ્યા દોરડા; આનંદ વરત્યો અપાર;
રાણી રૂકમણી પરણ્યાં શ્રીકૃષ્ણને, થઈ રહ્યો જે જે કાર          – જેજે૦ ૨૯

કવિજનને કૃપા કરી શ્રી હરી, કીધાં દુખ સહુ ભંગ;
અંગ સહિત આપી પ્રેમલક્ષણા, ભક્તી નીત સતસંગ          – જેજે૦ ૩૦

ગુર્જરદેશમાં શ્રી નર્મદાજી તટ, ચંદીપુર ચારૂ ગ્રામ;
ત્યાંહાં શ્રી શેષશાઈ પ્રભુ વસે, ત્યાંહાં કવિનો વિશ્રામ          – જેજે૦ ૩૧

જ્ઞાતિ વિપ્ર નાગરરે સાઠોદરો, ભટ દયાશંકર નામ;
વૈષ્ણવ વલ્લભી શ્રી ગુરૂ પ્રતાપથી, ગાયા ગુણ ઘનશ્યામ          – જેજે૦ ૩૨

ત્રણ મીઠે શ્રીરૂકમણીહરણ કથ્યું, એક સો પંદર પદ સાર;
શ્રી ભાગવત અનુસારે સંક્ષેપે કહ્યું, જે મહિમા એનો અપાર          – જેજે૦ ૩૩

જે કો ગાએ શિખે ને સાંભળે, પુરે મન વાંછિત કામ;
પ્રેમે પાઠ કરતાં મળે શ્રીહરી, એમકહે દયારામ          – જેજે૦ ૩૪

વલણ
દયાશંકર કહે કથારે, સુંદર શાર ચરીત્ર;
શ્રવણથી સુખ હોય સહુને, પતિત થાય પવિત્ર.          ૧

કરતા હરતા શ્રી મહા પ્રભુરે,હું તો કેહવાઉં માત્ર;
સુણજો ભણજો ભાવ ધરીને, થાશો સહુ સુખ પાત્ર.          ૨