મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૨૭)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૨૭)

દીકરાની ઝંખના
લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!

વાઝિયાં-મેં’ણાં, માતા, દોહ્યલાં.
દળણાં દળીને ઊભી રહી;
પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!

વાઝિયાં-મેં’ણાં, માતા, દોહ્યલાં.
મહીડાં વલોવી ઊભી રહી;
માખણનો માગનાર દ્યોને, રન્નાદે!

વાઝિયાં-મેં’ણાં, માતા, દોહ્યલાં.
પાણી ભરીને ઊભી રહી;
છેડાનો ઝાલનાર દ્યોને, રન્નાદે!

વાઝિયાં-મેં’ણાં, માતા, દોહ્યલાં.
રોટલા ઘડીને ઊભી રહી;
ચાનકીનો માગનાર દ્યોને, રન્નાદે!

વાઝિયાં-મેં’ણાં, માતા, દોહ્યલાં.
ધોયો ધફોયો મારો સાડલો;
ખોળાનો ખૂંદનાર દ્યોને, રન્નાદે!

વાઝિયાં-મેં’ણાં, માતા, દોહ્યલાં.
લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દીધો રન્નાદે!

અનિરુદ્ધ કુંવર મારો લાડકો.
ઘરને પછવાડે રૂડું ઘોડિયું,
પારણાનો પોઢનાર દીધો, રન્નાદે

વાંઝિયાં-મે’ણાં માએ ભાંગિયાં.