મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૩૦)
Jump to navigation
Jump to search
પદ (૩૦)
ઘરે આવોને!
શેરી વળાવી સજ કરું, ઘરે આવો ને!
આંગણીએ વેરું ફૂલ, મારે ઘરે આવો ને!
ઉતારા આપીશ ઓરડા, ઘરે આવો ને!
મેડીના મો’લ જ દૈશ, મારે ઘરે આવો ને! – શેરી વળાવી
દાતણ આપીશ દાડમી, ઘરે આવો ને!
કણેરીની કાંબ જ દૈશ, મારે ઘરે આવો ને! – શેરી વળાવી
નાવણ આપીશ કૂંડિયું, ઘરે આવો ને!
ઝીલણિયાં તળાવ દૈશ, મારે ઘરે આવો ને! – શેરી વળાવી
ભોજન આપીશ લાપશી, ઘરે આવો ને!
સાકરિયો કંસાર દૈશ, મારે ઘરે આવો ને! – શેરી વળાવી
મુખવાસ આપીશ એલચી, ઘરે આવો ને!
પાન બીડલાં દૈશ પચાસ, મારે ઘરે આવો ને! – શેરી વળાવી
પોઢણ આપીશ ઢોલિયા, ઘરે આવો ને!
હીંડોળા ખાટ જ દૈશ, મારે ઘરે આવો ને! – શેરી વળાવી