મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૫)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૫)

મોરબીની વાણિયાણ
કૂવા કાંઠે ઠીકરી, કાંઈ ઘસી ઊજળી થાય,
મોરબીની વાણિયાણ મછુ પાણી જાય;
આગળ રે જીવોજી ઠાકોર,
વાંસે રે મોરબીનો રાજા,
ઘોડાં પાવં જાય.

કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા બેડલામાં તારા હાથીડા બે ડૂલ. – મોરબીની

કર્ય રે, વાણિયાણી, તારી ઈંઢોણીનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારી ઈંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ. – મોરબીની

કર્ય રે, વાણિયાણી, તારા વાટકાનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા રે વાટકામાં તારું રાજ થાશે ડૂલ. – મોરબીની

કર્ય રે, વાણિયાણી, તારી પાનિયુંનાં મૂલ
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારી પાનિયુંમાં તારી રાણિયું બે ડૂલ. – મોરબીની

કર્ય રે, વાણિયાણી, તારા અંબોડાનાં મૂલ,
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા અંબોડામાં તારું માથું થાશે ડૂલ. – મોરબીની