મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/સતભામાનું રૂસણું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સતભામાનું રૂસણું

મીરાં

"જાણ્યું જાણ્યું હેત તમારું જાદવા રે લોલ,
હેત જ હોય તો હૈડામાં વરતાય જો;
અમે તમારી આંખડિયે અળખામણાં રે લોલ,
વા’લ હોય તો નયણામાં ઝબકાય જો;
જાણ્યું જાણ્યું૦
પારિજાતકનું ફુલ રે નારદ લાવિયા રે લોલ,
જૈ સોંપ્યું રાણી રુક્મિણીને દરબાર જો;

એકે પાંખલડી મારે મંદિર ન મોકલી રે લોલ,
કીધી મુજથી એ અદકેરી નાર જો;
જાણ્યું જાણ્યું૦
અચરત પામ્યાં ને આનંદ ઊતર્યો રે લોલ,
જાઓ જાઓ નહિ બોલું સુંદર શ્યામ જો;
રુક્મિણીને મંદિર જૈને રંગે રમો રે લોલ,
હવે તમારે અમ સાથે શું કામ જો;
જાણ્યું જાણ્યું૦
અળગા રહો અલબેલા મને અડશો નહિ રે લોલ,
તમ સાથે નહિ બોલું નંદકુમાર જો;
મોલે તો પધારો માનીતી તણે રે લોલ,
આજ પછી નવ આવશો મારે દ્વાર જો;
જાણ્યું જાણ્યું૦
નારદે કહ્યું સતભામા સાંભળો રે લોલ,
એ નિર્લજને નથી તમારું કામ જો;
કાલા ને વાલા કરતો ને આવશે રે લોલ,
મોટા કુળની મૂકશો માં તમે માંમ જો;
જાણ્યું જાણ્યું૦
ઉતાર્યાં આભ્રણ રે સર્વે અંગ થકી રે લોલ,
લો શામળિયા તમારો શણગાર જો;
મારા રે મૈયરની ઓઢું ઓઢણી રે લોલ,
બીજું આપો માનીતીને દરબાર જો;
જાણ્યું જાણ્યું૦
ચરણા ચીર ઉતારી ચોળી ચુંદડી રે લોલ,
 ઉર થકી ઉતાર્યો નવસર હાર જો;
કાંબી ને કડલાં રે ત્રોટી દામણી રે લોલ,
સર્વ સંભાળી લેજો નંદકુમાર જો;
જાણ્યું જાણ્યું૦
આગળથી નવ જાણ્યું મેં તો એવડું રે લોલ,
ધરથી ન જાણ્યો ધુતારાનો ઢંગ જો;
બાળપણાની પ્રીત અમારી પાલટી રે લોલ,
એ નિર્લજને શાનો દીજે રંગ જો;
જાણ્યું જાણ્યું૦
ધીરજથી વાતો ધરથી જાણી નહિ રે લોલ,
 પ્રીત કરીને પરવશ કીધા પ્રાણ જો;
કાળજાડાં કોરીને ભીતર ભેદિયાં રે લોલ,
મીટડલીમાં માર્યા મોહનાં બાણ જો;
જાણ્યું જાણ્યું૦
પ્રીત કરી પરહરવું નો’તું પાધરું રે લોલ,
 થોડા દિવસમાં શું દીધાં મને સુખ જો;
સ્વપ્નાનાં સુખડાં રે સ્વપ્ને વહી ગયાં રે લોલ,
દેહલડીમાં પ્રગટ્યાં દારુણ દુ:ખ જો;
જાણ્યું જાણ્યું૦

પૂરણ પાપ મળ્યાં રે એ અબળા તણાં રે લોલ,
જેનો પરણ્યો પરઘેર રમવા જાય જો;
અબોલડા લીધા રે બાળે વેશથી રે લોલ,
તે નારીનું જોબન ઝોલાં ખાય જો;
જાણ્યું જાણ્યું૦
પાણીડાં પીને રે ઘર શું પૂછિયે રે લોલ,
 વેરી પિતાએ પૂરણ સાધ્યાં વેર જો;

ઉછેરી આપી રે એન હાથમાં રે લોલ,
ગળથૂથીમાં ધોળી ન પાયાં ઝેર જો.
જાણ્યું જાણ્યું૦
શોકલડીનાં વેણ મને બહુ સાંભરે લોલ,
નાયણાંમાંથી છૂટ જળની ધાર જો;
હૈડું ન ફાટ્યું રે હજાુયે અમતણું રે લોલ,
ઉર ઉપર કાંઈ ઊઠ્યા મેઘ મલાર જો;"
જાણ્યું જાણ્યું૦
"એવાં તે મેણાં શું બોલો મુખ થકી રે લોલ,
ભોળાં મનની શું આણો છો ભ્રાંત જો;
નારી મત શું રાખો નારદને કહ્યે રે લોલ,
કુળવંતી તમે કેમ કરો કલ્પાંત જો;
જાણ્યું જાણ્યું૦
પટરાણી તમથી બીજી પ્યારી નથી રે લોલ,
શું સતભામા, કૂડો આવ્યો ક્રોધ જો;
કપટી નારદિયાનાં કેહેણ ન માનિયે રે લોલ,
 ઘણો વધારે ઘેર ઘેર જઈ વિરોધ જો;
જાણ્યું જાણ્યું૦
સાચું જો કહું તો તમે નવ સાંભળો રે લોલ,
કહો સતભામા, ખાઉં તમ આગળ સમ જો;
કાળુડા નાગને આપું આંગળી રે લોલ,
તોયે તમારું મન નવ માને ક્યમ જો;
જાણ્યું જાણ્યું૦
મોહનજી કહે રે સતી તમે સાંભળો રે લોલ,
કહો તો મંગાવું પારિજાતકનું ઝાડ જો;
આણીને રોપાવું તમારે આંગણે રે લોલ,
રાણી રોષ તજીને મૂકો રાડ જો;"
જાણ્યું જાણ્યું૦
હરખીને બોલ્યાં હરિથી હેતશું રે લોલ,
સતભામાને સૌકો લાગ્યાં પાય જો;
વાજાં ને વાગે રે વાંસળી રે લોલ,
ગીત ગાન ને નૌતમ ઉચ્છવ થાય જો;
જાણ્યું જાણ્યું૦
કુમકુમ ને કસ્તૂરી બેહેકે કેવડો રે લોલ, ચ્
ાૂવા ચંદન ઊડે અબીલ ગુલાલ જો;
આનંદ-ઓછવ રે થાય અતિ ઘણો રે લોલ,
ભેર ભૂંગળ ને વાગે મૃદંગ તાલ જો;
જાણ્યું જાણ્યું૦
રૂશણું ગાયું રે રૂડી રીતશું રે લોલ,
સતભામાનાં મનાવ્યાં છે મન જો;
મીરાંનો સ્વામી રે મોલ પધારિયા રે લોલ,
સતભામાનાં જીવન કીધાં ધન્ય જો;
જાણ્યું જાણ્યું૦