મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/સાખીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાખીઓ

ગોપાળદાસ

સતગુરૂ સ્વામી જે કહે, તે વચન ચડાવે શીશ;
થોડે દહાડે સેહેજમાં, પામે પદ જગદીશ.

સતગુરૂ ચૈતન દેવતા, જ્ઞાન તણો ભંડાર;
તેહના ચરણ ઉપાસીએ, મેહેલી માન વિકાર.

કછું સમજ કછું સેહેજમાં, કછું એક જાણ અજાણ;
ડગુ વેલે નીજ તસુ, તે જ્ઞાની વેદ પ્રમાણ.

વૈકુઠની ઈચ્છા નહીં, નહીં નરકનો ત્રાસ;
સ્વર્ગ નર્ક વૈકુંઠથી, દુર વસે હરીદાસ.

દેહ દેવ હૃદયે વસે, તે સર્વ દેવનો દેવ;
મનસા વાચા કર્મણા, જગકર્તાની સેવ.

દુ:ખ દીધું જેણે જેહને, તે પંડિત ગુમાર;
નાવનો ડાંડો ચીરીએ, તો કેમ ઉતરે પાર.

હરી દરીઓ દશ દીશ ભર્યો, જળ થંભ્યાં બીન પાળ;
નાવ કરે નીજ જ્ઞાનની, તુર્ત દેખે ગોપાળ.

પરચ્યાવણ પંડિત થયા, તે શું બોલે કુડ;
તેલે ભરેલા તાવડા, ચરખે માહા સ્વરૂપ.

સપ્તધાતુ સઉ એક છે, જીવ સકળનો એક;
ઉત્તમ મધ્યમ કોણ છે, જ્ઞાનચક્ષુએ દેખ.

ઉત્તમ તું હુંએ નહીં, મધ્યમ તું હું નાહી;
પંચભૂતનાં પુતળાં, કોઈ ગેબી બોલે માંહી.

ગેબી બોલે ગેબથી, તેહેનું રૂપ નરેષ;
ખેલ બીચે કરી ના મીળે, તું જ્ઞાનચક્ષુએ દેખ.

ધરણી અંબર દેહરા, મધ્યે નીરંજન દેવ;
પહેલાં તેને સમજીને, પછી કરવી સેવ.

જ્ઞાન ભાણ જ્યારે ઉગે, ત્યારે શો કરવો ભેખ;
મન થયું જળ ઉન્મતા, તવ મુક્તા ચારૂ દેશ.

સાયર જેવા સાધુ છે, સદા રહે ગંભીર;
નદી નિશ દિન આવે છતે, જરા ન છાંડે તીર.
જેની કથા તું સાંભળે, તે તુજમાંહે રામ;
ઓળખ એને અનુભવે, કાં ભટકે ઠામોઠામ.

વિઘન ખેદ બીચ નાવટી, વહ્યો સર્વ સંસાર;
અજ્ઞાને ઉરમાં વહ્યો, શ્વાન સકટ જેમ ભાર.

વિઘન ખેદ મુરખ મતી, તજી કરે સાધનો સંગ;
જ્ઞાની ગુરૂને સેવતાં, લાગે હરીશું રંગ.

વિઘન ખેદ સાંકળ વડે, જડીઓ સર્વ અવિનાશ;
તે બેડી તુજ નિકળે, જો મળે સાદરણ આશ.

ખટદરશન ખટપટ કરે, મુક્તી પામવા લોક;
જ્ઞાન વિના ગોવીંદના, સાધન સર્વે ફોક.

હરીજનની હીકમત વડી, ભરમ ભુલાવે લોક;
એવો પ્રપંચ કર ઘર્યો, જ્યાં ત્યાં દેખે દોષ.

કથા સુણાવે કરમની, દુર કરાવે બ્રહ્મ;
લોક બીચારા શું કરે, જે ભટકી બનીયો ભ્રમ.

જેહેવા ગુરૂ જેને મળ્યા, તેહેને તેહેવું જ્ઞાન;
પીવા માંહાં પટંતરૂ, કો પીએ મદ પાન.

અહંકાર ઉન્મત થયો, બડે પડે જ્યાં દુર;
ઉલટ ગત ગોવિંદકી, રંકને રામ હજાુર.
ગોવીંદ પોતાના દાસના, નવ દેખે કુળ આચાર;
સબરી સેવા નામકી, તારે તરવું ચામાર.

વૈષ્ણવ થાવું કઠણ છે, વેશ કરે શું જોય;
વાઘ ચીતરીને મુકે, તે પડ્યો રહે નવ બીહે કોય.

અનુભવ વિદ્યા ચાહીએ, નહીં પાખંડનું કામ;
જ્યાં પંડીત બેઠા પારખું, નવે ચળે ચામ કે દામ.

કો કાશી કો દ્વારકા, કો જાએ જગનાથ;
સાધ સંત સત ગુરૂ વીના, હરી ન આવે હાથ.

હરી હીરાની કોટડી, તાળાં શબ્દ અપાર;
સત ગુરૂ કુંચી પામીએ, તો ઉઘડે સર્વ ભંડાર.

સુણી વાત સૌ કો કરે, દીવે દીવો થાય;
ચકમક પાડે ગેબથિ, અજબ તમાશો ભાય.

ચકમક બાહુ થેલીએ, જબ ચાહે તબ આગ;
એવા જેને ગુરૂ મળે, તે રહેતો કાંહી લાગ.

દાતા કોઈ દીસે નહીં, નહીં જાચક સંસાર;
હરી દાતા હરી ભોગતા, મૂરખ તજ અહંકાર.

નહીં સંસારી ઊંચ નીચ, નહીં રાય નવ રંક;
સંસારી તેને જાણવો, જેને વિઘન ખેદની ઝંખ.
કછું સમજો તેને જાણીએ, જેહેને હરીનું જ્ઞાન;
ડગુ શું કીજીએ, જે ફુકે છે રે કાન.

કાન ફુંકીને છોડીઆ, હરીનો નહીં નીરધાર;
તે ગુરૂએ એવું કર્યું, જેમ પરણી છોડી નાર.

ગુરૂ બીચારા શું કરે,જે ચાલે મુનહી સાન;
વ્યાપક રામ પ્રીછે નહીં, લાગે ફુંકાવવા કાન.

પૂજાની પરવા નહીં, નહીં મેવાની આશ;
ગુપ્તરામ પ્રગટ કર્યા, તો તે ગોપાળ દાસ.