મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦૬.અમરસંગ


૧૦૬.અમરસંગ

અમરસંગ (૧૯મી પૂર્વાર્ધ)
ધ્રંગધ્રા રાજ્યના રાજા આ કવિ લોકોમાં ભક્તરાજ તરીકે ઓળખાતા હતા..એમનાં પદો લોકપ્રિય છે.
૨ પદો

દયા દિલમાં ધાર,
દયા દિલમાં ધાર, તારી બેડલી ઉતરે પાર,
એ મન દયા દિનમાં ધાર જી...

દયા સમોવડ નથી બીજો, ધરમ અવનિ મોજાર જી,
દયા દીનતા અંગ જેને, એનો સફળ છે અવતાર...          એ મન દયા...

જપ તજ સાધન કોટિ કરે જન, દર્શન કરે કેદાર જી,
પ્રતિ દિન વાણી વ્યાસની, શું વાંચ્યેથિ વળનાર!...          એ મન દયા...

શાણો થઈને શાસ્ર શીખ્યો, શીખ્યો વિવિધ વેવાર જી,
અંતે એ નથી કામ ના, તારી દયા કરશે કામ...          એ મન દયા...
સંત રૂડા જગતમાં, કોઈ સમજે તેનો સાર જી,

રાજ અમર કે એવો સંતો, માર પ્રાણના આધાર...          એ મન દયા...


જાવું છે નીરવાણી
જાવું છે નીરવાણી આતમાની કરી લેને ઓળખાણી
રામ, ચેતનહાર ચેતીને ચાલો, જીવ!          જાવું છે નીરવાણી...
હરીશ્ચંદ્ર રાજા પૂરા સતવાદી, જેને ઘેર તારામતી રાણી રે,
સત્યને કારણે ત્રણે વેચાણા, ને ભર્યા નીચ ઘેર પાણી...
–રામ, ચેતનહારા ચેતીને ચાલો, જીવ!          જાવું છે નીરવાણી...

રાવણ સરીખા રાજીઆ, જેને ઘેર મંદોદરી રાણી રે,
જેને હુકમે સૂરજ ચાલે એની લંકા રે લુંટાણી...
–રામ, ચેતનહારા ચેતીને ચાલો, જીવ!          જાવું છે નીરવાણી...

કુંભા સરખો રાજીઓ, જેને ઘેર પંદરસો રાણી રે,
ઉત્તર ખંડથી આવ્યો ચારણ, માંગી કુંભા કેરી રાણી...
–રામ, ચેતનહારા ચેતીને ચાલો, જીવ!          જાવું છે નીરવાણી...

રાજા રે જાશે, પરજા રે જાશે, જાશે રૂપાળી રાણી રે,
ઇન્દ્ર ને ઇન્દ્રાણી જાશે, જાશે બ્રહ્મા ને બ્રહ્માણી,
–રામ, ચેતનહારા ચેતીને ચાલો, જીવ!          જાવું છે નીરવાણી...

માટી રે ભેળી માટી રે થાશે, પાણી ભેળાં પાણી રે,
કંચન વરણી કાયા તારી રામ, થાશે ધુળ ને ધાણી...
–રામ, ચેતનહારા ચેતીને ચાલો, જીવ!          જાવું છે નીરવાણી...

અવીચળ પદ તો ધ્રુવને આપ્યું, દાસ પોતાનો જાણી રે,
રાજ અમરસંગ એમ જ બોલ્યા, અમર રહી ગઈ વાણી...
–રામ, ચેતનહારા ચેતીને ચાલો, જીવ!          જાવું છે નીરવાણી...