મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦૭.હોથી


૧૦૭.હોથી

હોથી (૧૯મી પૂર્વાર્ધ)
રવિભાણ સંપ્રદાયના આ મુસ્લિમ કવિ મોરાર-શિષ્ય હતા.એમનાં પદોની વાણી નિરાડંબરી છે.
૩ પદો


ભે ભાગી
વૃત્તિ મારી સંતચરણમાં લાગી રે,
સુરતા મારી સાધુ ચરણમાં લાગી રે;
તેણે મારી ભે ભાગી ભે ભાગી.

સતગુરુએ મને શબદ સુણાવ્યો,
રણંકાર રઢ લાગી;
તખત ત્રિવેણીના તીર ઉપર,
મોહન મોરલી વાગી રે.          – તેણે મારી૦

ઘણા દિવસ મન મસ્તાનું ફરતું,
દિલડે ન જોયું જાગી;
પુરુષ મળ્યા મને અખર અજિતા,
ત્યારે સુરતા સૂનમાં લાગી રે.          – તેણે મારી૦

દયા કરીને મન ડોલતું રાખ્યું,
તૃષ્ણા મેલાવી ત્યાગી;
સતગુરુ આગળ શિષ નમાવ્યું,
ત્યારે બાવડી પકડી આગી રે.          – તેણે મારી૦
સતગુરુએ મને કરુણા કીધી,
અંતર પ્રેમ પ્રકાશી;
દાસ હોથી ને ગુરુ મોરાર મળિયા,
ત્યારે તૂટી જનમ કેરી ફાંસી રે.          – તેણે મારી૦


શીદને સંતાપો રે!
અવળાં શીદને સંતાપો રે, શીદને રંઝાડો રે,
સઘળું કુટુંબ મળીને.

મારે છે કાંઈ હાં...સાંઈને સમર્યાનું રે હેત,
મારે છે કાંઈ હાં...હરિને ભજ્યાનું રે હેત.          – અવળાં૦

ઘરણાં વગોણાં રે મારે મન અતિ ઘણાં રે,
તેમાં તમો કડવા મ બોલોને વેણ.          – અવળાં૦

કાચી છે હે કાયા રે કુંપો વીરા કાચનો રે,
તેને તો કાંઈ ફૂટતાં નહીં લાગે વાર.          – અવળાં૦

ઝેરના પિયાલા રે સિકંદર સુમરો મોકલે રે,
પી લે પી લે હેતેથી તું એલા દાસ.          – અવળાં૦

ઝેરના પિયાલા રે હોથી સુમરો પી ગયા રે,
આવ્યા છે કાંઈ અમી તણા ઓડકાર.          – અવળાં૦


મોરારને વચને રે હોથી સુમરો બોલિયા રે,
દેજો દેજો સંતુના ચરણુંમાં વાસ.          – અવળાં૦



હાલો મારા હરિજનની હાટડિયે..
વેરાગ તો લાગ્યો રે ગુરુની વાતડીએ,
હાલો મારા હરિજનની હાટડીએ...

હીરલ્જાની વણજું તમે કરોને વેપારી રે,
ખોટ નહીં આવે તારે ગાંઠડીએ...
–હાલો મારા હરિજનની હાટડીએ...

પ્રેમના પાલવડા તમે પેરોને સોહાગણ,
ભાત પડી જાય બીજી ભાતડીએ...
–હાલો મારા હરિજનની હાટડીએ..

નાથજીને મેં તો મારા નેણેથી નીરખિયા,
અનુભવ કીધો મારી આંખડીએ...
–હાલો મારા હરિજનની હાટડીએ...

દાસ રે હોથીને ગુરુ મોરાર મળિયા,
તાળી લાગી ગુરુ તમ વડીએ...
–હાલો મારા હરિજનની હાટડીએ...