મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦.પદ્મનાભ-કાન્હડદે પ્રબંધ


૧૦.પદ્મનાભ-કાન્હડદે પ્રબંધ

પદ્મનાભ (૧૫મી સદી ઉત્તરાર્ધ) જાલોરના નાગર કવિ. એ ત્યાંના રાજા અખેરાજના દરબારી કવિ હતા. એ અખેરાજની પાંચમી પેઢીના પૂર્વજ વીર કાન્હડદેના અલાઉદ્દીન ખીલજી સાથેના સંઘર્ષને આલેખતું આ કવિનું ૪ ખંડ અને ૧૦૦૦ ઉપરાંત કડીઓનું કાન્હડદે પ્રબંધ વીર અને અદ્‌ભુત રસ-યુક્ત પ્રભાવક કાવ્ય છે. આ કવિની બીજી કોઈ કૃતિ મળતી નથી.

કાન્હડદે પ્રબંધ -માંથી [અલાઉદ્દીન ખીલજીની જાલોર પર ચડાઈ, કાન્હડદે અને એના પુત્ર વીરમદેનો સૈન્ય સાથે સબળ પ્રતિકાર, અંદરના કપટથી આ ચૌહાણ રાજાની હાર છતાં એમનું અપ્રતિમ વીરત્વ, શસ્ત્રો આદિના વર્ણન-સમેત તે સમયની ઐતિહાસિક વિગતોનું વર્ણન –એ બધું વીર રસના આ કાવ્યને નોંધપાત્ર ઠેરવે છે. અલાઉદ્દીનની પુત્રી પીરોજાના વીરમદે પ્રત્યે, પૂર્વજન્મ-સ્મૃતિથી જાગતા પ્રેમનું નિરૂપણ કાવ્યમાં શૃંગાર અને અદ્‌ભુતના રંગ પણ ઉમેરે છે. કાવ્યના કેટલાક અંશો સમજૂતી સાથે અહીં મૂક્યા છે.]

પ્રથમ ખંડ દુહા

ગૌરીનંદન વીનવૂં, બ્રહ્મસુતા સરસત્તિ
          સરસ બંધ પ્રાકૃત કવૂં, દ્યઉ મુઝ નિર્મલ મત્તિ          ૧

         આદિપુરુષ અવતાર ધુરિ યાદવજુલિ જયવંત
        અસુરવંશ નિકંદિઉ, તે પ્રણમૂં શ્રીકંત          ૨
જિણિ યમુનાજલ ગાહિઉં, જિણિ નાથીઉ ભૂયંગ
વાસુદેવ ધુરિ વીનવૂં, જિમ પામૂં શ્રીકંત          ૩

પદ્મનાભ પંડિત સુકવિ, વાણી વચન સરંગ
કીરતિ સોનિગિરા તણી તિણિ ઉચ્ચરી સુચંગ          ૪

જાલહુરઉ જગિ જાણીઈ સામતસી-સુત જેઉ
તાસ તણા ગુણ વર્ણવૂં, કીરતિ કાન્હડદેઉ          ૫

[સાર : કાન્હડદે પ્રબંધ, સંપા. કાન્તિલાલ બ. વ્યાસ-માંથી]
(પ્રબન્ધને આરંભે મંગલાચરણમાં કવિ સિદ્ધિદાતા ગણેશ અને બુદ્ધિપ્રદા સરસ્વતીનું સ્તવન કરે છે, વળી આદિપુરુષ વાસુદેવને પ્રણામ કરીને પંડિત કવિ પદ્મનાભ સોનગિરા ચૌહાણ સામંતસી-સુત કાન્હડદેની કીર્તિગાથાનો પ્રારંભ કરે છે, (ખંડ-૧ શ્લોક ૧-૫)



ચઉપઈ
તિણિ અવસરિ ગૂજરધર રાય સારંગદે નામઈ બોલાઈ
તિણિ અવગુણીઉ માધવ બંભ તહી લગઈ વિગ્રહ આરંભ          ૧૩

રિસાવ્યુ મૂલગુ પ્રધાન, કરી પ્રતન્યા નીમ્યઉં ધાન
ગૂજરાતિ તઉ ભોજન કરું જઉ તુરકાંણઉ આણૂં અરહૂં          ૧૪

માધવ મહુતઈ કરયઉ અધર્મ, નવિ છૂટિયઈ આગિલાં કર્મ
જિહાં પૂજિજ્યઈ સાલિગ્રામ, જિહાં જપિજ્યઈ હરિનઉં નામ          ૧૫

જિણિ દેસઈ કરાયઈ જ્યાગ, જિહાં વિપ્રનઈ દીજ્યઈ ત્યાગ
જિહાં તુલસી પીપલ પૂજીયઈ, વેદ પુરાણ ધર્મ બૂઝીયઈ          ૧૬

જિણિ દેસઈ સહૂ તીરથિ જાઈ, સ્મૃતિ પુરાણ માનીયઈ ગાઈ
નવ ષંડે અપકીરતિ હૂઈ, માધવિ મ્લેચ્છ આણીયા સહી          ૧૭

(એ સમયે ગુર્જરધરા ઉપર સારંગદે નામે રાજા રાજ્ય કરતો હતો. એણે (પોતાના અમાત્ય) માધવ બ્રાહ્મણની અવમાનના કરી, જેમાંથી વિગ્રહનો આરંભ થયો. એ મહાઅમાત્ય રિસાયો. એણે પ્રતિજ્ઞા કરી કે ‘હવે ગુુજરાતમાં તો હું ત્યારે જ ભોજન કરું કે જ્યારે તુર્કાને અહીં લઈ આવું.’ માધવ મહેતે આ મહાન અધર્મ કર્યો. જે ભૂમિમાં શાલિગ્રામની પૂજા થતી હતી. હરિનું નામ લેવાતું હતું, યજ્ઞયાગાદિક થતા હતા, અને બ્રહ્મણોને દાનો દેવાતાં; જ્યાં તુલસીપીપળાની પૂજા થતી, વેદપુરાણોકત ધર્મનું પાલન થતું, જ્યાં લોકો તીર્થયાત્રાએ જતાં; જ્યાં સ્મૃતિપુરાણો અને ગાયની પૂજા થતી — એવી અતિ પવિત્ર ભૂમિમાં માધવ મ્લેચ્છોને લઈ આવ્યો! માધવને કપાળે આ કાળી ટીલી લાગી! પૂર્વસંચિત કર્મ કદી મિથ્યાં થતાં કથી. (૧૩-૧૭)



ચઉપઈ
ભણી જાલહુર સીષામણ દ્યઈ, ચહૂઆણાનઇ પૂછઉ જઈ
તૂં તાહરઉ ભોગવિ પાટ, લસકર ચાલઈ સૂધી વાટ          ૨૯

સુરતાણની વાણી સુણી ગ્યા પ્રધાન કાન્હડદે ભણી
પાતિસાહની પહિરામણી ઉગરાહઈ સિંભરિનઉ ધણી          ૩૦

કહઈ પ્રધાન, અવધારઉ રાય, સોરઠ ભણી તુરકાંણઉજાઈ
બીજી ભૂમિ દોહિલા ઘાટ, પાતસાહ માગઈ એ વાટ          ૩૧

સભા સિદ્ધ રા બોલઈ મર્મ, એ તાં નહી અહ્નારઉ ધર્મ
જિહાં ભાજઈ ગામ જાલિયઈ બાન, અબલા તણા ત્રોડિયઈ કાન          ૩૨

જિહાં પીડીઈ વિપ્ર નઈ ગાય, તિહાં વાટ નવિ આપઈ રાય
વલ્યા પ્રધાન, ન સીધઉં કાજ, હિયઈ ઘણી ઉપની લાજ          ૩૩

વીનવીયા જઈનઇ સુરતાણ, કાન્હડદે નવિ માનઇ આણ
ચડી વાત ઘણેરઈ પ્રાણિ, નીસાસઉ મેહલુ સુરતાણિ          ૩૪

ગુજરાત ઉપર ચઢાઈ લઈ જતાં વચ્ચે જતાં જાલોર આવે. એથી સુલતાને પોતાના પ્રધાનોને ભેટસોગાદો સાથે જાલોર કાન્હડદે પાસે મોકલાવ્યા. પ્રધાનોએ કહ્યું કે "સુલતાનનું મુસલમાન લશ્કર ચડાઈ લઈ ને સોરઠ તરફ જાય છે. બીજે બધે રસ્તો વિકટ છે, માટે પાદશાહે પોતાના લશ્કરને તમારા રાજ્યમાં થઈને જવા દેવાની માગણી કરી છે. તમે તમારું રાજ્ય નિરંકુશપણે ભોગવો; પાદશાહી લશ્કર સીધે સીધું ચાલ્યું જશે, તમારા પ્રદેશને એ કશી રંજાડ કરશે નહીં."
રાજા કાન્હડદેએ સભા સાથે મંત્રણા કરીને સુલતાનના પ્રધાનોની માગણીનો અસ્વીકાર કર્યો. એણે કહ્યું કે "મુસલમાન લશ્કર જ્યાં જશે ત્યાં ગામો ભાંગશે, લોકોને બાન પકડશે, સ્ત્રીઓને રંજાડશે, ગોબ્રાહ્નણને પીડા કરશે. એ કારણથી એને વાટ આપવીએ અમારો ધર્મ નથી." પ્રધાનો પાછા વળ્યા, અને સુલતાનને જઈને જણાવ્યું કે કાન્હડદે પાદશાહની આજ્ઞા માનતો નથી. આમ વાત મમત ઉપર ચડી. સુલતાને ભાવીનો વિચાર કરીને નિસાસો મૂક્યો. (શ્લોક ૨૯-૩૪)


ખંડ ૩
ચઉપઈ
જાસ તણઉ સીતાઈ નામ, આગલિ ઊભી કરઇ સિલામ;
"જાતિસમરણ કાકરુત લહૂં, શુકન સરુપ વિમાસી કહૂં.

નવિ અવતારિ દેવ અવતર્યા, જીણઇ અસુર સર્વે સંહર્યા;
ચાહૂઆણકુલિ દસમી વાર, આદિ પુરુષ લીધઉ અવતાર.

પંખ સહિત બાલઇ નિજ અંગ, જઉ દીવઇ જઇ પડઇ પતંગ;
જઉ ચાલી જાઇસિ સુરતાણ, સહી કાન્હડદે લેસ્યઇ પ્રાણ."

બોલ ન માંન્યઉ અસપતિ રાઇ, ગઢ જાલહુર ભણી દલ જાઇ;
તિણિ અવસરિ બઇઠી ઉછંગિ, કુંયરી વાત કરઇ મનરંગિઃ

"આમ તાત, સાંભલિ અરદાસ, વીરમદે છઇ લીલવિલાસ;
રુપ વેષ વય સરીષઇ ભાવિ, કાન્હકુંયર મુઝનિ પરણાવિ."

બોલ્યઉ પાતિસાહ પરિ કરી," ગહિલી વાત મ કરિ કુંઅરી;
તાહરઇ મનિ કૂડઉ ઉછાહ, હીંદૂ તુરક નહી વિવાહ.

નયરિ યોગની મુસલમાન, જે સાહજાદા મોટા ખાન;
તાહરઇ ચિત્તિ ગમઇ વર જેહ, કરઉં વિવાહ, અણાવઉં તેહ."

કુંયરી ભણઇઃ "તાત તુમ્હે સુણઉ, હીંદૂ તુરક આંતરઉ ઘણઉ;
ભોગ પુરંદર હીંદૂ એક, હીંદૂ જાણઇ વચન વિવેક.
હીંદૂ ભોજન ભાવ અઢાર, હીંદૂ તણા ભલા સિણગાર;
તુરક કોઈ વર નવિ સાંસહૂં, વરિ હૂં તાત કુંઆરી રહૂં.

કઇ કુંવર વીરમદે વરું, આમ તાત, કઇ નિશ્ચઇ મરું."
કુંવરી બોલ કહિઉ એ જિસઇ, ગૌલ્હણ સાહ તેડાવિઉ તિસઇ.

પાતિસાહ બોલઇ પરિ ઘણી, "વેગિ જાઉ કાન્હડદે ભણી;
કુંઅરી અમ્હારી વર તાહરઉ, કાન્હ વિછેદઇ વિવાહ જ કરઉ.

જઉ કાન્હડદે બોલ માનસઇ, તઉ દેસ્યું જે મુષિ માગસ્યઇ."
ગૌલ્હણ સાહ જાલ્હુરિ ગયઉ, જઇ વેગિ રાઉલ ભેટીઉ.

સભા માંહિ સહૂ કો સુણઇ, ગોલ્હણ સાહ ઇણી પરિ ભણઇ;
"પાતિસાહની બેટી જેઉ, તે વર માગઇ વીરમદેઉ.

જાસઇ કટક આપણઇ ઠામિ, ગૂજરાતિ આપસઇ અનામિ;
કરિ વિવાહ મનિ આણિ રુલી, છપન કોટિ ધન દેસઇ વલી."

બોલિઉ વીરમદે મનિ હસી, પાતિસાહિ પરિ માંડી ઇસી;
પાતિસાહનઉ ઇસ્યઉ નિવેસ, ઇણિ પરિ માંડી લીજઇ દેસ.

નવિ દેસ્યું વેવાહી માન, નહી આવઈ તુરકાંણઈ જાન;
મેરુસિષર જઉ ત્રૂટી પડઇ, ચાહૂઆણ ચઉરી નવિ ચડઇ.

હાથવાલઇ હાથ નવિ ધરું, નહી બઇસૂં જિમણ માહિરું;
ચાહૂઆણનઉં કુલ નિકલંક, જિસ્યઉ પૂનિમ તણઉ મયંક.
સૂરિજ તણઇ વંસિ હું આજ, વડા પુરુષનિ નાંણૂં લાજ;
ગોલ્હણ, તું મનિ ઝંષિસિ આલ, હિવ લાજઇ માહરું મુહુસાલ.

(કુંયર ઘણી મનિ આણઇ રીસ), લાજઇ રાજકુલિ છત્રીસ;
એકવીસ જે પૃથવી રાજ, તિહાં નીર ઊતરઈ આજ.

લાજઇ રાજગોત્ર અહિઠાણ, લાજઇ ચારિગદે ચહૂઆણ;
હૂં તાં નહીં વિટાલૂં આપ, હિવ લાજઇ કાન્હડદે બાપ.

ગોલ્હણ, તું મનિ નિશ્ચઉ જાણિ, ઇસી વાત નવિ સુણી પુરાણિ;
(કૂંઅરિ વાત વિમાસી કહી,) આગઇ હૂઇ ન હોસઇ નહીં.

પાદશાહે હવે જાલોર તરફ કૂચ આદરી ત્યારે સીતાઈ કે પીરોજા નામની એની કુંવરી, જ ેને શકુનાદિનું જ્ઞાન હતું અને પૂર્વ-જન્મનું સ્મરણ હતું, એ પાદશાહને કહેવા લાગી, કે "કાન્હડદે વિષ્ણુનો અવતાર છે; તમે સામે ચાલીને જાલોર જશો તો કાન્હડદેને હાથે હણાશો." પાદશાહે એનું કહેવું ગણકાર્યું નહીં. અને આગેકૂચ કરી. ત્યારે એક દિવસ સુલતાનના ખોળામાં બેસીને એણે પોતાના મનની વાત કહી, કે "મને કાન્હડદેના પુત્ર વીરમદે સાથે પરણાવો; એના રૂપગુણ ઉપર હું મોહિત થઈ છું." પાદશાહે એને સમજાવીઃ "આવી ઘેલી વાત ન કર; હિંદુ-તુરક વચ્ચે વિવાહ થાય નહીં. તને ગમે તે દિલ્હીના મુસલમાન શાહજાદા કે મોટા ખાન સાથે પરણાવું." કુંવરીએ હઠ પકડી કે "પરણું તો વીરમને જ, નહીં તો હું કુંવારી રહીશ કે મરીશ." પાદશાહે ગોલ્હણશાહ નામના કંચુકીને બોલાવીને કાન્હડદે પાસે વીરમ માટે માગું મોકલ્યું. ગોલ્હણશાહે વીરમને જાતજાતનાં પ્રલોભનો આપ્યાં, પણ વીરમે ઘસીને ના કહી. ગોલ્હણશાહ હારીને પાછો ગયો, અને પાદશાહને બધી વસ્તુસ્થિતિ જણાવી.