મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૧૫.લખમો માળી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૧૫.લખમો માળી

૧ પદ
જેને દીઠે નેણલાં ઠરે
જેને દીઠે નેણલાં ઠરે
બાયું! અમને એડા એડા સંત મળે
ઉદરમાંથી એક બુંદ પડે નૈ,
ભગત નામ નવ ધરે.
નરક છોડાવીને ન્યારા રે’વે,
અમર લોકને વરે          –બાયું

ચાલતાં નર ધરતી ન દુવે.
પાપ થકી બહુ ડરે;
શબ્દે વિવેકી ને ચાલે સુલક્ષણા,
પૂછી પૂછીને પાઉં ધરે          –બાયું

ત્રિગુણ પૂતળી રમે સૂનમાં
અનઘડ ઘાટ જ ઘડે;
ગુરુજીના શબ્દો એવા છે ભાઈ,
ખોજે તેને ખબરું પડે           –બાયું

કાયાવાડીનો એક ભમરલો,
સંધ્યાએ ઓથ ધરે;
આ રે સંસારમાં સંત સુહાગી,
બેઠા બેઠા ભજન કરે.          –બાયું

વર્ષાઋતુનો એક હિમ–પોપટો,
નીર ભેળાં નીર ભળે;
લખમાના સ્વામીની સંગે રમતા
સ્વાતિનાં બિન્દુ ઠરે,
બાયું! અમને એડા એડા સંત મળે.