મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧.સોગઠાનો ગરબો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧.સોગઠાનો ગરબો

નાકર

અંબકાલાલ આવો ની અલબેલા રમીએ શોકટે રે
બેસીએ સાંહામસાંહાંમાં સહીઆરીની પઠે રે          (૧)
હોડિ બદીયે હારે તેહને શું કરવું ઘટે રે
પુઠિ પુઠે ઉઠીએ તો જંજાલ મિટે રે          (૨)
ચોર્યા ચીપ્યાના તો સમ ખાઈએ આકરા રે
લજ્જા રમતા રાખવી નહી જો ઠાકરા          (૩)
મહારી રાતી નીલી કાલી પીલી તમ તણી રે
પાસા ખલભલાવી નાખવા ભીરુ ભણી રે          (૪)
આઠ કાચી યે હરાવું દા તો હું ખરી રે
પાસા ચીપી નાખો તો દા નંખાવું ફરી રે          (૫)
સારી ઘોડે છકેં ચોકેં તો મુકું નહીં રે
ઘાત છપગડી ત્રપગડી જાલવું સહી રે          (૬)
રોઈ ખાઓ તો તમ સાથે હું રમું નહીં રે
પાસો હેઠો પડશે તેહનો તે દા ગ્યો સહી રે          (૭)
મા તારે મંચકથી સારી ઉતરવા નહીં દેયુ રે
તહ્મારી પાકવા આવે તો જાણું સર્વે ગયું રે          (૮)
જાડ કરીશ તો માહારી રાતી નીલી નહીં મરે રે
છૂટી રાખીશ તો કાલી પીલી પુઠે ફરે રે          (૯)
રમતાં પાણી પીવા માહારે ઉઠવું નહીં રે
કુંભ ઘીનો ઢલતો હોય તો ન જાવું સહી રે          (૧૦)
રમતાં જીતીએ જો એક ચીત રાખીયે રે
જોઈએ દા તે પ્રાર્થી પાસાને નાંખીએ રે          (૧૧)
રમીએ ત્યાંહાં સુધી આપણ ચાકર પાસા તણાં રે
રમતાં નુના દ્યૂત કો નહીં શરખા બે જણાં રે          (૧૨)
હારશો ત્યવ્હારે મોહ એહવું તો નહીં રહે રે
હારે તે તો પાટ શોકઠાં શીશે વહે રે          (૧૩)
હારશો તિવારાં તો હઈઊ ભઈ આવશે રે
તિવારાં હાર્યા કહીને લોક ટાલોટા પાડશે રે          (૧૪)
હારશો ત્યવ્હારાં હશું આવશે નહીં રે
અબલા સાથે તે શું હાર્યા સહુ કહેશે સહી રે          (૧૫)
હૉડ હાર્યાની લેતાં તો શર્મ નહીં ગણું રે
રમતાં હાર્યાનાથી દુ:ખ બીજું નહીં ઘણું રે          (૧૬)
પ્રાંણે પ્રાંણે હસું આવે હાર્યા જન્નને રે
પણ હૈયામા હોલી શરખું લાગે મનને રે          (૧૭)
રમતાં રાજા ને રાંક એક હારિમાં રે
અભીમાન ખેલમાં નહીં એહ વેવ્હારમાં રે          (૧૮)
પર્ઠ એહવો પરઠીને ચાલ માંડીઓ રે
સારી કૃષ્ણની રાધાએ સઘલી ખાંડીઓ ર          (૧૯)
કૃષ્ણ શોકઠી મરાવે જાણી જોઈને રે
જાણું પ્રેમ એહના શરખો નથી કોઈને રે          (૨૦)
જાંણી જોઈને હાર્યા તો હરજી ખરા રે
રાધા હાર્યો તમ સાથે કહે છે ધરણીધરા રે          (૨૧)
હું ને તાહારા સરખુ રમતાં આવડતું નથી રે
હોડી હાર્યાની હું આપું જે તમ્હો કહો કથી રે          (૨૨)
કોહો તો ચાકર થૈ ને ચાકરી કરું ઘણી રે
કહો તો લ્યખી આપું તનમનના તહ્મો ધણી રે          (૨૩)
હાર્યો તમ સાથ તો તે માહારે માન્ય શું રે
તહ્મને સર્વ સમરપણ કરતાં માહારે જાંન શું રે          (૨૪)
 વચન કૃષ્ણનાં શુંણી તે રાધાજી હશાં રે
મીઠાં લાગાં તે ચીતમાં અમી જશાં રે          (૨૫)
વેણ્ય આકરાં કહ્યાં મેં તહ્મને ખેલતાં રે
ચીતમાં છે તે શર્મ થાએ મેલતાં રે          (૨૬)
હવે હું હારી ને દાશી થાઊં તમ તણી રે
હોડિ આપું મોહ માગો તે થકી ઘણી રે          (૨૭)
માહારા સાહબ છો તે હાર્યો તહ્મને કિમ કહું રે
હું અલબેલાલાલ આગળ ઊભી થૈ રહું રે          (૨૮)
એમ રાધા ને રઘુનાથ શોકઠે રમ્યાં રે
નેન અમીઆં ભરી યે માહામાં રમ્યાં રે          (૨૯)
નાકર કર જોડીને કહે છે સાધુસંતને રે
ભાવે ભજીયે નીત્યે રુક્મણીના કંથને રે          (૩૦)
ગરબો ગાઈએ તો ક્યેહીએ હારીએ નહીં રે
રાધાકૃષ્ણજીને ચર્ણે તો રહીએ સહી રે          (૩૧)