મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧.હેમચંદ્રકાલીન કવિતા-૬ દુહા


૧.હેમચંદ્રકાલીન કવિતા -૬ દુહા

Madhyakalin-Kavya-Sampada.jpg

‘કલિકાલસર્વજ્ઞ’ ગણાયેલા જૈન સાધુ, ઉત્તમ કવિ અને પંડિત હેમચંદ્રાચાર્યે સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ભાષાનું વ્યાકરણ ‘સિદ્ધહૈમ-શબ્દાનુશાસન’ નામે લખેલું એમાં ઉદાહરણો તરીકે, તે વખતે બોલાતી ભાષાના લોકપ્રચલિત દુહા ટાંકેલા. એ દુહા આરંભકાળની ગુજરાતી ભાષાનું રૂપ કેવું હતું એ બતાવે છે. શૃંગાર અને વીર રસની તથા નીતિ-ગૌરવની પહેલી કવિતા એમાં સરસ ઊઘડેલી છે.

દુહા: ૧,૨ શૃંગાર રસ; ૩,૪ વીર રસ; ૫,૬નીતિ અને ગૌરવ-બોધ

૧. વાયસુ ઉડ્ડાવત્તિઅએ પિઉ દિઠ્ઠઉ સહસત્તિ; અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા ફુટ્ટ તડત્તિ. [ઘર પર કાગડો આવીને બેસે એટલે હવે કોઈ આવશે – એવી લોકમાન્યતા હતી. એવે ટાણે, પરદેશ ગયેલા પ્રિયતમ પતિની વાટ જોતી, ને દૂબળી પડી ગયેલી પત્ની, રોજ કાગડો (વાયસ) ઘર પર બેસે પણ પતિ તો આવે નહીં! એટલે ખિજાયેલી પત્ની એક વાર રોષથી કાગડાને ઉડાડવા જતી હતી, એ જ ઘડીએ એણે સામે પતિને આવતો જોયો – એથી, ઊંચકેલા હાથપરનાં અરધાં બલોયાં (એના હાથ પાતળા થઈ ગયા હોવાથી) નીકળીને જમીન(મહી) ઉપર પડ્યાં બાકીનાં અરધાં બલોયાં તડ દઈને તૂટી ગયાં!–કેમ કે પતિને જોતાં જ એ આનંદથી પુષ્ટથઈ ગઈ હતી!

અતિશયોક્તિ અલંકાર કેવો સરસ છે – બે જ ક્ષણ, એક વિયોગિની કૃશ પ્રિયતમાની ક્ષણ, બીજી પતિ-દર્શનથી (એકાએક!) પુષ્ટ થયેલી પ્રસન્ન પ્રિયતમાની ક્ષણ!]

૨. હિઅઈ ખુડુક્કઈ ગોરડી, ગયણિ ધુડુક્કઈ મેહુ; વાસારત્તિ પવાસુઅહં, વિસમા સંકડુ એહુ.

[હૈયામાં ખળભળે છે ગોરી, ને ગગનમાં ગડગડે છે મેઘ; વરસાદમાં પ્રવાસ કરનારને એ વિષમ સ્થિતિ સંકટરૂપ બને છે.

વરસને આરંભે, કમાવા બહાર (પર-દેશ) ગયેલો પુરુષ વર્ષા શરૂ થતાં જ ઘરે પાછો ફરે છે – એક તરફ ગોરી (પ્રિય પત્ની)ને મળવાની અધિરાઈ અને ઉચાટ (ખળભળાટ) છે ને બીજી બાજુ પ્રચંડ મેઘગર્જના ને વરસાદ – રસ્તો કાપવો મુશ્કેલ પણ છે ને થોભી જવાય એવી ધીરજ પણ નથી. વાસ્તવિક વિઘ્ન ને તીવ્ર મિલનેચ્છાનું સરસ શૃંગારિક આલેખન]

૩. પાઈ વિલગ્ગિ અંત્રડી, સિહુ લ્હસિઉ ખન્ધસ્સુ; તો વિ કટારઇ હત્થડઉ, બલિ કિજ્જઉ કન્તસ્સુ.

[પગે વીંટળાયાં છે આંતરડાં ને મસ્તક ઢળી પડ્યું છે ખભે – છતાં પણ કટારી તો (એ જ વીરત્વથી) હાથમાં પકડી રાખી છે. – એવા (વીર યોદ્ધા) મારા કંથ પર હું વારી જાઉં છું.

ઉદ્ગાર એક વીર નારીનો છે. પતિ કાયર નથી એનું એને ગૌરવ છે – ભલે (દુશ્મનની કટારીથી) એનાં આંતરડાં નીકળીને પગમાં વીંટાયાં છે, ભલે કપાયેલું માથું ખભે લટકી ગયું છે પણ એના વીરત્વનો જુસ્સો એવો જ છે]

૪. ભલ્લા હુઆ જુ મારિઆ બહિણી મહારા કન્તુ; લજ્જેજં તુ વયસિ અહુ, જઈ ભગ્ગા ઘરુ એન્તુ.

[ભલે ને (યુદ્ધમાં) મરાયો મારો કંથ, ઓ બહેન, હું તો લાજી મરત સૌ સખીઓ વચ્ચે, જો એ (યુદ્ધથી ડરીને) ભાગી જઈને ઘરે આવ્યો હોત!

પ્રિય પતિ(કંથ)નું મૃત્યુ દારૂણ હોવા છતાં, વીર ક્ષત્રિયાણી, પતિના શૌર્યભર્યા મૃત્યુમાં સાચું ગૌરવ અનુભવે છે– કાયર થઈ ભાગી આવ્યો હોત તો સૌને શું મોં બતાવત!]

૫. પુત્તે જાયે કવણુ ગુણુ, અવગુણુ કવણુ મૂએણ; જા બપ્પી કી ભૂંહડી, ચમ્પિજ્જઈ અવરેણ.

[એવો પુત્ર જન્મ્યો એથી કયો લાભ (ગુણ), અને કયો ગેરલાભ એના મરવાથી – જો બાપીકી જમીન ચંપાઈ જાય (છિનવાઈ જાય) બીજાઓ દ્વારા.

જે પોતાની પૈતૃક સંપત્તિનું (જમીન વગેરેનું) રક્ષણ કરી શકે એટલો સક્ષમ પણ ન હોય એવો પુત્ર હોય તોય શું, ન હોય તોય શું – એમ કહેવામાં વીરત્વ અને ખુમારી છે]

૬. જો ગુણ ગોવાઈ અપ્પણા, પવડા કરઈ પરસ્સુ; તસુ હઉ કલિ-જુણિ દુલ્લહો, બલિ કિજ્જઉં સુઅણસ્સુ.

[જે પોતાના ગુણ ઢાંકી(ગોવાઈ=ગોપવી) રાખે છે અને પ્રગટ કરે છે બીજાના ગુણ – તેવા (માણસ) કળિ-યુગમાં દુર્લભ હોય છે એટલે એવા સજ્જનો પર વારી જાઉ છું– પ્રસન્ન થાઉં છું. (બલિકિજ્જઉં)
અહીં માનવીય ગૌરવની, નમ્રતા અને નૈતિકતાની પ્રશંસા છે]