મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૩.કુશળલાભ-માધવાનલ-કામકંદલા ચોપાઈ


૨૩.કુશળલાભ-માધવાનલ-કામકંદલા ચોપાઈ

જૈન સંપ્રદાયના આ કવિએ સ્તવન,રાસ, ચોપાઈ એવી જૈન ધર્મવિષયોની કૃતિઓ ઉપરાંત ‘માધવાનલ-કામકંદલા ચોપાઈ’ તથા ‘મારુ-ઢોલા ચોપાઈ’ જેવી પ્રેમશૃંગાર-વિષયક કૃતિઓ લખી એ નોંધપાત્ર છે. સંસ્કૃત-ગુજરાતી સુભાષિતોને તથા ગદ્યઅંશોને ગૂંથતી એમની અભિવ્યક્તિ પણ ધ્યાનપાત્ર છે.

‘માધવાનલ–કામકંદલા ચોપાઈ’ -માંથી

(કામકંદલાનો માધવને સંદેશો)
(સોરઠા)
"તે સુખ જાણઇ નીંદ સુપને મિલિઉ, સાજણા!
જઉ આંખિ ન આવઇ નીંદ, કિહાં મિલવઉ? કિહાં બોલવિઉ?

(દૂહા)
માણસ–થકી પંખી ભલા, અલગા ચૂણે ચૂણંતિ;
તરુવર ભમિ સંઝા-સમઇ, માલઇ આવી મિલંતિ.

(સોરઠા)

પ્રીતમ-કેરી વાટ, જોતાં હી દિન નીંગમું;
હીયડું ન પડઇ ફાટ, કહતાં દીસઇ કારિમું.

કીધઇ ઘણું વિલાપ, તન મૂરખ! કાં સુહવઇ?
કાગલ-તણઇ મેલાપ, મન સંતોષ જ માનિઇ.

લિખિવા બઇસું જાણ, કાગલ-મસિ લેઇ કરી.
હીયડઉં ભરાઇ તાણ, નયણિ નીઝરણાં વહઇ.

(દૂહા)

કાગલ કેતા હું લિખું? કેતા કહું મુખ વયણ?
વાલ્હાનઇ મિલવા ભણી, વહિલા આવે સયણ!

પ્રીતમ! પ્રાણ-આધાર તૂં, મનમોહન ભરતાર;
(માધવ! વાંચઇ પ્રેમ ભરિ, સંદેશા સુવિચાર.)

‘કંતા! મંઇ તૂં બાહરી, નયણ ગમાયાં રોઇ;
હત્યાલી છાલાં પડ્યાં, ચીર નિચોઇ નીચોઇ!

(દૂહા)

પંથી! એક સંદેસડઉ, પ્રીતમ લગિ પહુંચાઇ;
જોવન-કલિયાં મઉરિયાં, તું ભમર ન બઇસઇ આઇ!

મત જાણઇ પ્રી! નેહ ગયુ, દૂરિ વિદેસિ ગયાઇં;
બિમણઉ વાધઇ સાજણાં, ઊછઉ હોઇ ખલાઇં.

હું કુમલાણી કંત વિણ, જિમ જલ વિહુણિ વેલિ;
વિણજારા–કી ધાહ જિમ ગયઉ ધખંતી મેહિલ.

જેહ–સિઉં હસિ મુખ બોલતે, ઉરિ ચઢઇ વિશ્વાસ;
લાલ પિયારા સજ્જનાં, કીયઉ દેસાઉર વાસ.

માસ વરસ દિન જો સફલ, ઘડી જિ લેખઇ સોઇ.
સાજણસું મેલાવડઉ, જિણ વેલા મુજ હોઇ.

સજ્જનથી વિસહર ભલો, ડંકી જીવ જ જેહ;
ણેહ વધઇ દૂરઇ રહઇ, પલ પલ સલ્લઇ સ્નેહ.

હીયડા-ભીતરિ પઇસિ કરિ, વિરહ લગાઈ અગ્ગિ;
પ્રીઉ–પાણી વિણ ના બુઝઇ, બલઇ સલગ્ગિ સલગ્ગિ.

વહિલઉ આવિ વલ્લહા! નાગર ચતુર સુજાણ;
તૂં વિણ ધણ ઝાંખી ફિરઇ, (જિમ) ગુણ વિણ લાલ કમાણ.

સુપનંતરિ નિત હૂં મિલી, જદિ પરતિફખ મિલેસિ;
તદિ પ્રી મોતીહાર જિઉ, કંઠાગ્રહણ કરેસિ.

આડા ડુંગર વન ઘણા, આડા ઘણા પલાસ;
તે સાજણ કિમ વીસરઇ, બહુ ગુણ તણા નિવાસ?

આંખડિયાં ડંબર થઈ, નયણ ગમાયાં રોઈ,
તે સાજણ પરદેસડઇ, રહ્યા વિડાણા હોઈ.

પ્રીતમ! એક સંદેસડુ, દિસિ સજ્જણાં સલામ;
જબહી તુમ્હથી વીછડ્યાં, નયણાં નીંદ હરામ.

પંથી! એક સંદેસડુ, પ્રી લગિ લેઈ સિધાઉં;
જોવન-હસ્તી જઉ ગડ્ડિઉ, તુ અંકુસ લે ઘરિ આઉ.

મુખિ નીસાસા મેહલીઇ, નયણે નીર-પ્રવાહ;
સૂલી સરિખી સેજડી, તુઝ-વિણ જાણીઇ નાહ!"