મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૮.નરહરિ


૨૮.નરહરિ

નરહરિ (૧૭મી સદી પૂર્વાર્ધ): આ જ્ઞાનમાર્ગી ધારાના કવિ અખાના નિકટના પુરોગામી હતા. ‘હસ્તામલક’ કે ‘શિવગીતા’ એમની સૌથી લાંબી (૫૦૧ કડીઓની) કૃતિ છે. પણ એમની સર્વોત્તમ કૃતિ તો જ્ઞાનવિચારને પ્રૌઢિ અને પક્વતાથી આલેખતી ‘જ્ઞાન-ગીતા’ છે. ‘હરિલીલામૃત’ જેવાં બીજાં લાંબાં કાવ્યો પણ એમણે લખ્યાં છે. ‘કક્કો’, ‘માસ’ આદિ લઘુકૃતિઓ ઉપરંાત વૈષ્ણવસંસ્કારોને વ્યક્ત કરતાં થોડાંક ‘કીર્તનો’ પણ એમણે રચ્યાં છે, એમાં અધ્યાત્મજ્ઞાન ઉપરાંત ભક્તિભાવનું આકર્ષક મિશ્રણ થયેલું છે.

૧.
ભાઈઓ, ભરમ ન ભૂલીયિ
ભાઈઓ ભરમ ન ભૂલીયિ માયા મૃગજલ રૂપ રે
સંસાર સ્વપ્ન સમતુલ્ય છે સત્ય બ્રહ્મસ્વરૂપ રે.

રૂપનાંમ સ્થિરતા નહી યમ નહી રજૂ ભૂજંગ રે,
શૂક્તિ રજત વર્ણશ્રમ તેહશૂં કીશો પ્રસંગ રે
.
ભૂત ભવિશ્ય ને વર્તમાંન એ પદારથ જ ચ્યાર રે,
વ્યોમ કુસુમવત જાંણયો જે જન્મમરણ અવતાર રે.

મન કલ્પી યે યે કહ્યું નાંમમાત્ર તાં તેહ રે,
શશકશ્રૃંગ વંધ્યાસુત તેહ શું કીશો સનેહ રે.

અણકલ્પ્યૂં અવીનાશ છે તે તો પદનીર્વાણ રે,
આપિ આપ લ્યો ઓલષી એ અનૂંભવ પ્રમાણ રે.

જાંણનહાર તે જાંણયો જાંણે જાંણવૂં છે એહ રે,
કહિ નરહરિ એ ઓલષી ટલિ સર્વ સંદેહ રે.

‘જ્ઞાનગીતા’ -માંથી

  પરબ્રહ્મનો પ્રકાશ
બુધ્ય સંસારી ટલે, પ્રકાશ હોયે પ્રબ્રહ્મનો;
ગ્રંથિ ગલે, સંશે ટલે, ક્ષય હોયે સર્વ કર્મનો.

પરબ્રહ્મ હસ્તામલક હોયે, અને ટલે સકલ વિકાર;
એ આત્મવિદ્યાને અનુભવે, ભાસે નહી સંસાર.

જ્યમ એક જ્યોત્ય દીપક બહુ, અને એક નીર બહુ કૂપ;
કનક એમ ભૂષણ બહુ, ઈમ એક આત્મા બહુ રૂપ.

રત્નકુંભવત્ આત્મા, સ્વયં બાહ્ય મધ્ય પ્રકાશ;
ઈમ નિરંતર નિર્મલ નિશ્ચલ, અખંડિત અવિનાશ.

દ્વૈતબુધ્ય હોયે જ્યહાં લગે, ભાઈ! ત્યહાં લગે અજ્ઞાન;
દ્વૈતબુધ્ય ત્યારે ટલે, જ્યારે આવે બ્રહ્મજ્ઞાન.

બ્રહ્મજ્ઞાને ભરમ ભાજે, નિરંતર બ્રહ્મ જોય;
બ્રહ્મજ્ઞાન તો પ્રગટે, જો સંત-સંગત હોય.
સતસંગે ટલે સંશે, હોય દૃષ્ટિ સમાન;
વિશ્વ બ્રહ્માકાર ભાસે, ઈમ કહે શ્રીભગવાન.

જ્યમ પાણીથી પાલો હોયે, પાલો તે પાણીરૂપ;
ઈમ નિર્ગુણ સગુણ પરમાત્મા, સઘલે તે સત્યસ્વરૂપ.

એહ લક્ષણ જ્ઞાનનું, જે ભિન્ન ભાવ ન હોય;
વિશ્વ આત્મસ્વરૂપ જાણે, બ્રહ્મવેત્તા (તે) સોય.

રૂપ માંહે અરૂપ વ્યાપક, અરૂપ માંહે રૂપ;
આકાશવત્ પરમાત્મા, ચૈતન્ય બ્રહ્મસ્વરૂપ.

જ્યમ અમ્રિત પામી અમર હોયે, એમ બ્રહ્મભાવે હોયે બ્રહ્મ;
એ અનુભવ રુદે રાખો, છાંડો હું-તું ભર્મ.

સમાન દૃષ્ટિ સઘલે કરો, પરહરો રાગ ને દ્વેષ;
ત્યહાં લગે તત્ત્વ ન જાણીયે, જ્યહાં લગે હું-તું શેષ.

હું-તું ટળતાં જે રહે, ભાઈ! તત્ત્વ કૈવલ્ય તેહ,
તત્ત્વે તત્ત્વ તે જાણીયે, એ માંહે નહીં સંદેહ.

જ્યમ ચંદ્રકાંતે ચંદ્ર દીસે, અર્કે (તે) અર્ક પ્રકાશ;
રત્નતેજે રત્ન દીસે, ઈમ વસ્તેં વસ્તુ સમાસ.

વસ્તુ માંહે વિશ્વ વરતે, વિશ્વ માંહે વસ્ત;
વસ્તુ તેહ તહ્નો જાણજ્યો, જે રહિત ઉદે ને અસ્ત.