મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૩.બૂટા/બૂટિયોે/બુટાજી


૩૩.બૂટા/બૂટિયોે/બુટાજી

આ જ્ઞાનમાર્ગી સાધુ કવિ બ્રહ્માનંદના શિષ્ય અને અખાના ગુરુભાઈ હોવાની માન્યતા છે. એમનાં થોડાંક પદો મળે છે એમાં શૈલીની સહજતા છે.
૨ પદો
(૧)
એવા કોઈ અનુભવી રે

એવા કોઈ અનુભવી રે, કરે દ્વૈતનો સંહાર જી;
અગ્નિ બાળે જેમ કાષ્ઠને, ટાળે જાત-વરણ-વ્યવહાર. એવા

ધૂઓ જ્યાં લગી નીસરે, જ્યાં લગી કઠણ હોય આપ જી;
ઘટત ઘટત ઘટી ગયું, પછી ન રહ્યું પુણ્ય ને પાપ.           એવા

માખી ત્યાં બેસે નહિ, તેના તાપે તે ટાળી જાય જી;
એકમેક અંતર નહિ, એવે રૂપે જો રહેવાય.           એવા

સમજીને સમી રહ્યા, કોઈ અનુભવી લઈ જ્ઞાન જી;
સત્ય મેળવ બૂટિયા, સમજ્યાની એ તો સાન.          એવા

(૨)
 એવું જેને ઊપજ્યું રે

એવું જેને ઊપજ્યું રે, તેને ન રહ્યું કહેવાનું કાંઈ જી.
કથવું બકવું સુણવું સર્વે સમાવ્યું માંહી.          એવું

સાકર કેરી પૂતળી, વિરાટ રૂપે થાય જી;
સઘળે સોંસરવી રસભરી, તેને ગમે ત્યાંથી ખાય.          એવું

એકાએકી જાહ્નવી, જૂજવાં જ એનાં નામ જી;
પાતક ટાળે પિંડનું, જે ન્હાય જન નિષ્કામ.          એવું

ગોરી-ગરબો એક, પણ બહુ બારણાં તે માંહ્ય જી;
માંહી દીપક એક, પણ તે દ્વારે દ્વારે દેખાય.          એવું

ભક્ત ભગવાન એક છે, સમજે તો સંશય જાય જી;
કહે બુટો એક વાત સહુ, એમાં ઘણું કહ્યે શું થાય?          એવું