મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૭. ભાણદાસ


૩૭. ભાણદાસ

ભાણદાસ (ઈ. ૧૭મી સદી) આ જ્ઞાનમાર્ગી કવિએ ‘હસ્તામલક’ નામની એમની યશોદાયી કૃતિમાં મૂળ સંસ્કૃત ગ્રંથને આધારે કેવલાદ્વૈતનું સુગમ નિરૂપણ ૧૬ કડવાંના આખ્યાનરૂપે કરેલું છે. ચરિત્રાત્મક હોવા છતાં જ્ઞાનચર્ચા તરફ વધારે ઝૂકતું ‘પ્રહ્લાદ આખ્યાન’ પણ એમની નોંધપાત્ર કૃતિ છે.

પરંતુ આ કવિનું વધુ લોકપ્રિય કવિત્વ તો આદ્ય શક્તિનો મહિમા કરતી તત્ત્વલક્ષી છતાં સુગમ-સુગેય ગરબીઓમાં પ્રગટ્યું છે. આવી સંખ્યાબંધ ગરબીઓમાં ‘ગગનમંડળની ગાગરડી’ નામે વિખ્યાત થયેલો ‘ભવાનીનો રાસ’ મુખ્ય છે. ગરબીમાં તત્ત્વજ્ઞાનના વિનિયોગની બાબતે આ કવિ પહેલા હોવાની સંભાવના છે.

૨ ગરબીઓ

૧. ભવાનીનો રાસ ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે, તેણિ રમિ ભવાની રાસ, ગાઉં ગુણ ગરબી રે; દિનમણિ સૂર્ય દીપક કર્યું, ગુણ ગરબી રે; માંહિ ચંદ્ર તણું પરકાસ, ગુણ ગરબી રે,

પૃથ્વીપાત્ર ત્યાંહાં કોડીઉં, ગુણ ગરબી રે, વાતી પરવત મેર, ગાઉં ગુણ ગરબી રે; સાતિ સાગર તેલ ભર્યું, ગુણ ગરબી રે, માંહિ મુગતાફલ ચુફેર, ગાઉં ગુણ ગરબી રે.

થાવર જંગમ ભસ્મ ભર્યું, ગુણ ગરબી રે, સુંદર સકલ વિભાગ, ગાઉં ગુણ ગરબી રે; સર પરિ ગાદી કછપની, ગુણ ગરબી રે, ઉંઢણી શેષ નાગ, ગાઉં ગુણ ગરબી રે.

ગાગરિ ઉપરિ ઢાંકણું, ગુણ ગરબી રે, અંબર એક અપાર, ગાઉં ગુણ ગરબી રે; તેત્રીસ કોટિ વિવર કર્યાં, ગુણ ગરબી રે, તેજ તણું નહિ પાર, ગાઉં ગુણ ગરબી રે.

ત્ર્યણ્ય ગુણો થઈ ગુણવંતી, ગુણ ગરબી રે, દૂઝિ પરમ નિધાન, ગાઉં ગુણ ગરબી રે; અહર્નિસિં અમૃત ઝરિ ગુણ ગરબી રે, જગત કરિ છિ પાન, ગાઉં ગુણ ગરબી રે.

વિવિધ પિરિં વરસી રહી, ગુણ ગરબી રે, ધર્મ અરથ નિ કામ, ગાઉં ગુણ ગરબી રે; ચ્યાર વેદ પરગટ થયા, ગુણ ગરબી રે, વિશ્વતણું વિશ્રામ, ગાઉં ગુણ ગરબી રે.

ત્રહિણ્ય મૂરત્ય ગાગર મહીં, ગુણ ગરબી રે, હરિ બ્રહ્મા નિ ઇસ, ગાઉં ગુણ ગરબી રે; સદાકાલ સહજિં ધરિ, ગુણ ગરબી રે, ગૌરી ગાગરિ સીસ, ગાઉં ગુણ ગરબી રે.

આદિ સકત્ય અવીગત તાણી, ગુણ ગરબી રે, રમિ રસાલુ રાસ, ગાઉં ગુણ ગરબી રે; ચઉદ લોક મોહ પામીયા, ગુણ ગરબી રે, ઇંમ કહિ છિ ભાણદાસ, ગાઉં ગુણ ગરબી રે.


૨. જોનિં યોગમાયા ગરબુ રમિ

"જોનિં યોગમાયા ગરબુ રમિ, તે તું કરતી અત્ય કલોલ; ત્યાં કુંકુમ કેસર કસ્તૂરી વલી રંગ તણા બહુ રોલ.

જોનિં યોગમાયા

પારજાતનાં પુષ્પ ઘણાં ત્યાંહાં સૂકડે અગર અબીર; વલી ગાન ગાવિ ગોવિંદતણાં, ત્યાંહાં ગાજિ સબદ ગંભીર.

જોનિં યોગમાયા

ત્યાંહાં અઠોતર સુ વારાહી મલી રંગભરિ ખેલી રાસ; ત્યાહાં છપન કોડિ મલી, ચામુંડા જાંણે સૂર્ય કોટિ પ્રકાસ.

જોનિં યોગમાયા

ત્યાંહાં નવ કોટિ મલી કાલિકા, તે મહામોટી મહામાય; ન્યાં બ્રહ્માણી ઇંદ્રાણી આવ્યાં રૂદ્રાંણી ગુણ ગાય.

જોનિં યોગમાયા

પંચરંગ પટુલાં પિહિરણિ ચરણા ચોલી ચીર; ત્યાંહાં શ્વેત પીત નિ રાતડાં, વલી ભાતિ ભાતિનાં હીર.

જોનિં યોગમાયા

ત્યાંહાં વિંછીયડા વાજિ ઘણા વલી ઝાંઝરનું ઝમકાર; ત્યાંહાં ધમધમ વાજિ ઘૂઘરડી તેહનિ મુગતાફલના હાર.

જોનિં યોગમાયા

તેહની ચુહુ કંકણ મુદ્રિકા વલી સીસરાપડી કુલ; તેહની નીલવટિ શોભિ ચાંદલુ, ઝાલિ તણું નહિ મૂલ.

જોનિં યોગમાયા

ત્રણ્યિ ભુવન માંહિ રમિ, તે ગાજી રહ્યું બ્રહ્માંડ; તેણિ સાત દીપ સોભી રહ્યા, વલી સોભી રહ્યા નવખંડ.

જોનિં યોગમાયા

નવ દાઢા નવ રાત્ય રમ્યાં, તેણિ હઈડિ હરષ ન માય; પછિ પોતાની આશ્રમ ગયાં, તેહના ભાંણદાસ ગુણ ગાય.

જોનિં યોગમાયા