મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૯.માધવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૯.માધવ

માધવ (૧૭મી ઉત્તરાર્ધ)
આ બ્રાહ્મણ કવિની પદ્યવાર્તા ‘રૂપસુંદર-કથા’ સમાસપ્રચુર, આલંકારિક શૈલીમાં અને વિવિધ સંસ્કૃત છંદોમાં લખાયેલી ૧૯૨ કડીઓની શૃંગાર-રસિક કૃતિ ઘણી જાણીતી ને મહત્ત્વની છે.


રૂપસુંદર-કથા -માંથી

ભવાનીશપાદારવિન્દે હિ ભક્ત્યા
ઈમા વ્યાકરોભ્દાષયા પદ્યયુક્તામ્ |
સુ-ધી માધવાખ્યૌ રસૈ: સ્થાયિભાવૈ-
ર્યુતાં યાં કથાં કામદેવપ્રભાવૈ: ||

(ભુજંગપ્રયાત)
મહાદર્પ કન્દર્પનો ત્રાસ જાણી
ધરી શંકરે વામભાગે ભવાની,
વલી શું કહું એ થકી હું વિશેષે,
જિણે જીતિયું વિશ્વ નારી નિમેષે.          ૧

મહારાજ ઇન્દ્રે અહલ્યા વગોઈ,
ધરી ગૌતમે શ્રાપિયો પત્ય જોઈ,
વલી વાલિ તાર વિષે જેહ વર્ત્યો,
જીવે એકલો રામબાણે નિવર્ત્યો.          ૨

મહા સાધવી સુન્દરી રામકાન્તા
ધરીને ગયો દુષ્ટ દેત્યારિહન્તા,
વછોહા કરી રામસીતા વગોયા,
જિણે રાવણે આપ નિર્મૂલ ખોયા.          ૩

જિણે જીતિયું વિશ્વ તે પ્રાણહારી
વછોહા કરી સાંચર્યો શંબરારિ.           ૪
 
(શાર્દૂલવિક્રીડિત)
વિદ્યારંભ કર્યા પછી અતિરસે રૂપાં ભણે વાણિએ,
પાઠે નિર્મલ નીતિશાસ્ર સઘલું છે આવડ્યું જાણિએ
તે પૂંઠે વલી અન્ય શાસ્ર ભણતિ થૈ ગોમને મન્દિરે,
કીધી વશ્ય જ વિશ્વનાથતનયે વિદ્યાર્ણવે સુન્દરે.          ૧૭

(શાલિની)
‘મેં તો વાવી પ્રીત્યની વેલ સારી,
વામે પીયૂષે કરી તે વધારી
તારે સંયોગે જ સાફલ્ય થાશે,
નાહી તો એ તારુણી વ્યર્થ જાશે.          ૨૪

રૂપાં તારા રૂપને ભૂપ મોહે,
રૂપે ગર્વી માનની માન નોહે
યોગી તુંને દેખતાં યોગ નાંખે,
તો મેં રહેવું કેમ તે તુજઝ પાખે?          ૨૫

(દ્રુતવિલમ્બિત)
અતિ મનોહર ભોગ ઘણા હતા,
પણ કહું વિપરીત થઈ કથા;
અમૃત ભોજન વિષ થયાં યથા,
નવિ લહે મનની પણ કો વ્યથા.          ૭૭

મુજ તણી સુખ સેજ ચિતા થઈ
વિરહ આગ્ય વડે પ્રગટી રહી.
કુસુમહાર જ કાલ રહ્યો ગ્રહી,
મન તણું પણ કો ન લહે સહી.          ૭૮

દિવસ રાત્રિ થઈ યુગ જેવડી,
તુજ વિના મુજને ન ગમે ઘડી,
વિરહસર્પિણી કાલ જશી નડી;
મુજ હૃદયે પણ વીજ ન શે પડી?          ૭૯

મલયચન્દનલેપ મુને દહે
અતિ મનોહરતાયુત તે સહે.
કુસુમ સર્વ જે વૃશ્ચિક થૈ ડસે,
મદન દુષ્ટ ખરો મુજને કસે.          ૮૦

અમૃતશીતલ સૌ શશિને કહે,
મુજ વિખે પ્રગટ્યો દવ થૈ રહે,
ભુવન તો વન થૈ મુજને દહે
મન તણી સખિ, પીડ્ય ન કો’લહે.          ૮૧


(વસન્તતિલકા)
અદ્યાપિ તું વિસરતી નથી મુઝને તે,
શું શું કહું અનુભવ્યાં સખી તુઝને તે?
ચોરી કર્યું અધરપાન હસ્યાં રમ્યાં જે
સર્વે વિયોગ પડતાં વિપરીત થયાં તે.          ૧૦૨

(શાલિની)
કાચે કેરી રેખ ભાગે પગે જે
તેની પીડા થાય માથા લગે તે.
તો જે ખૂતું માનવી મંન માહે
તેની પીડા તે સહી ક્યમ જાએ?          ૧૦૩

ઊડી જે તે કાકરી નેત્ર માહે
પીડા થાયે જે ન હોયે મપાયે
તો જે પેઠું માનવી મંન માહે
તેની પીડા તે કહી ક્યમ જાએ?          ૧૦૪

(દ્રુતવિલમ્બિત)
મૃગતણું પણ રૂપ મને ગ્રહ્યું,
યુવતીને કુચપર્વત જૈ રહ્યું
મદનના જ શરે તનુ વીંધિયુ,
ગતિ રહી, દિગમૂઢ થઈ ગયુું.          ૧૦૫

મદનબાણ તણા બહુધા કલે
ટલવલું, પણ વૈદ્ય ન કો’ મલે,
હૃદય વિષે કુચપીડ્ય કરી ગલે
ભુજ તો દૃઢ બંધ કરે, ટલે.          ૧૦૬

(શાર્દૂલવિક્રીડિત)
એવું દુ:ખ ઘણું જ સુન્દર તણું ફૂલે સૂણીને કહ્યું;
‘અન્યોન્યે વિરહે હવે પરિહરો જે હું કહું તે કરો,
રૂપાંકામ સરોવરે અનુસરો તે વાત ચિત્તે ધરો.’          ૧૧૦

આવો અજ અમો જ્યહાં કહું ત્યહાં કાલી છ રાત્રી ખરી,
ચિત્તે ધૈર્ય ધરી જ, ભો પરહરી, યામર્ધ ટાલી કરી,
રાણીવાસ તણી પછીત અતિ છે ઊંચી જ મેડી તણી,
વારીમધ્યનિબદ્ધ રજ્જુ ચડવા મૂકીશ સૂત્રે વણી.’          ૧૧૧

ફૂલાં એમ કહી વળી ઘરભણી આવી જ રૂપાં કને,
થૈ વાર્તા કહી, ‘આજ સુન્દર નિશાયે આવશે તું કને.’
એવું રૂપ સુણી કહે, ‘સખિ ખરો તેં જીવ દીધો મને,
વેગે સુન્દર જો મલે તો સખી સુઉત્તીર્ણ થાઉં તને.          ૧૧૨

રૂપાં હર્ષભરી પ્રફુલ્લિત થઈ સર્વાંગ તે સુન્દરી,
જેવી ફૂલ તણી કલી સ્વસમયે નંદે વિકાસે ખરી,
અંગે કુંચુકી ગાઢી થૈ ચરચરી, ચૂડો જ બેઠો ભરી,
વીંટી અંગુલિની તથા નીસરે, નીવી (વ)છૂટી ખરી.          ૧૧૩

નાના દિવ્ય સુગન્ધવાસિત જલે નાહી ઊભી સૂકવે
લાંબા કુન્તલ, તે સ્તનાદ્રિશિખરે મેઘામ્બુધારા સ્રવે,


શોભી બાહુલતા કશી ઝટકતાં વિદ્યુલ્લતાના જશી,
ગર્જતી કરકંકણધ્વનિ સુણી કન્દર્પ ઉઠે હશી.          ૧૧૪

શય્યા સોજકરી પરે ભરે તલાઈ દિવ્ય તે પાથરી,
નાના ભોગ સુગન્ધ તત્પર કરી બેઠી સ્વયે સુન્દરી,
શૃંગારે સકલાંગ ભ્રમિત કરી, હાથે અરીસો ધરી
રૂપાં રૂપ ફરી ફરી નિરખતા કન્દર્પપૂરે ભરી.          ૧૧૫

(શાર્દુલવિક્રીડિત)
આવ્યો ભૂપતિ મન્દિરે મન વિષે જોયું વિમાસી કરી:
‘જો મારું દ્વિજ તો મરે મુજ સુતા, બે થાય હત્યા ખરી,
લોકે (તો જ) મહાયકીર્તિ કરતા સત્કીર્તિ જાશે વહી
જે વાતો નવ ગોપ્ય માંહિ ગણિજે તે ક્યંમ કીજે ફરી?          ૧૫૧

તે માટે દ્વિજ, વાણિયો, મુજ સુતા: એ ત્રણ્યનું સત્ય હું
કન્યાદાનસમે વળી મુજ તણું રાજ્યર્ધ તે આપવું;’
એવો નિશ્ચય તાં કર્યો દૃઢ નૃપે, જે પાપ તે કાપવું.          ૧૫૨

(રથોદ્ધતા)
સાંભલો ચતુર સર્વ કો તમો
રૂપસુન્દર કથા કરી અમો.
ગૂઢ અર્થ ચતુરને સેહજે
મૂઢ (શું) સમઝશે જ દોહલો          ૧૯૦


(મન્દાક્રાન્તા)
કામી જે કો રસગુણકથા પ્રીછશે રીઝશે તે
ભૂંડા મુંડા, વૃષભ સરખા વાગરી ખીજશે તે,
જેને એનો અનુભવ નથી તે પશુ કે વનાન્તે,
યોગી તે શું લહે વિષયનો સ્વાદ જે છે સ્તનાન્તે.          ૧૯૧

(શાર્દૂલવિક્રીડિત)
સંવત્ (સ)ત્તરસેં છ ઊપર નૃપ શ્રીવિક્રમાદિત્યનો,
આષાઢાધિક શુદ્ધ વિષ્ણુ દિવસે છે વાર આદિત્યનો,
તે દા’ડે થઈ રૂપસુન્દર કથા પીયૂષની એ ઝરી,
ઊદિચ્યે દ્વિજ માધવે ઘનરસે ભાષાકવિત્ત્વે કરી.          ૧૯૨