મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૩.રત્નેશ્વર


૪૩.રત્નેશ્વર

સંસ્કૃતના સારા જાણકાર આ કવિએ ભાગવતનો અનુવાદ કરેલો છે. વિવિધ અક્ષરમેળ છંદોમાં એમણે મૌલિક કૃતિઓ રચેલી છે એમાં માલિની-દોહરામાં લખેલી રાધાવિરહના બારમાસા રસાવહ છે.
(૨) રાધાવિરહ બારમાસા -માંથી ત્રણ માસ


પૌષ

છંદ: માલિની
પ્રકટી મદનવ્યાધિ, મો’હર્યો બાણ સાંધી;
હરિ હરિ કહે રાધા, પ્રેમને પાશ બાંધી;
વિરહ વિકળ રોતી, ચીરશું નીર લ્હો’તી;
અરૂણ નયન દીસે, આશ જોતાં અરીસે.
દોહરો
પૌષ વિષે કહે પ્રેમદા, પતિશું શો રોષ;
મલિનપણું મુખ આપણું, દર્પણનો શો દોષ.
ઉત્તર દિશ આવ્યો રવિ, નર નારી વિલાસ;
વાસ પૂર્યો મથુરાં વિષે, ન આવ્યા અવિનાશ.
દિવસ થયો અતિ દૂબળો, માહરું દુ:ખ દેખી;
શોક્ય સમાણી જામિની, થઈ પ્રૌઢી પેખી.
અરણ્ય થઈ મારી ઓરડી, દોરડી થઈ દેહ;
તે ક્યમ જીવે ગોરડી, પતિ આપે છેહ.
માઘ

માલિની
પરહરિજ પટોળી, પામરી પાન ચોળી;
વિરહ અગન વ્યાપી, પીડતો કામ પાપી;
લખિત વ્રેહની ચીઠી, નીસરે ત્યાં તલાટી;
થઈ ગઈ નિશ કોટી, પ્રાણ જાણે અંગીઠી.
દોહરો
માઘ વિષે મહારે મુખે, દુ:ખે પડિયા દાઘ;
રંગ અધરનો આવર્યો, પ્રકટીઓ રે વ્યાધ.
પાન લવંગ પલંગમાં, સંભોગનો સાજ;
આજ મારે શા કામનું, ન આવ્યા વ્રજરાજ.
યૌવન કુંજર સજ થઈ, શુભ કુંભ આરોગ;
માધવ વિના કોણ મારશે, મન્મથની ફોજ.
હંસ કપોળે બેશી રે, નહિ પોષણહાર;
નાશ થશે બન્ને તણો, જીવાડો આ વાર.


ફાગણ

માલિની
સુરત સુખ વિશાળા, સાંભળો બ્રીજ બાળા;
સુક્તી કુસુમમાળા, શોક નિશ્વાસ જ્વાળા;
નિરખી નયન મીચે, આંસુએ અંગ સીંચે;
દુ:ખ લખી સખી આવે, બાંય સાહી બોલાવે.

દોહરો
ફાગણે ફૂલી એલચી, લચી લૂમે દ્રાક્ષ;
પાંખડિયે પક્ષી રમે, ન ગમે હરિ પાખ.
કેશુ કુસુમની પાંખડિ, તે તો વાંકડી પેર;
જાણે મન્મથ આંકડી, વિરહી શું કેર.
મધુકર ગુંજે કોકિલા, ભર્યા આંબ અંકોર;
સોહર કરે શુક સારિકા, નહિ નંદકિશોર.
અબીલ ગુલાલ ઊડે ઘણું, વાજે ચંગ મૃદંગ;
વિઠ્ઠલ પાખે વસંત શો, દાઝેઊલટું અંગ.