મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૫.અનુભવાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૫.અનુભવાનંદ

જ્ઞાનમાર્ગી સાધુકવિ. પૂર્વે ભવાનીદાસ ને નાથ ભવાન, સંન્યસ્ત પછી અનુભવાનંદ. પદો ઉપરાંત શિવગીતા, બ્રહ્મગીતા જેવી ઘણી લાંબી કૃતિઓ લખી છે. અંબા આનનકમળ.... એમનો જાણીતો ગરબો છે. ૩ પદો


ઓલષી લ્યો આ આત્મા છે અદ્વિત અંતરયાંમ રે,
દેહ ઈંદ્રિ મન બુધ્ય પ્રકાસે ભાસે યે રૂપ નાંમ રે.

રૂપનામ એહેનુ નહિ પૂરણ કાંમ રે,
રૂપનામ સહુ એ જ ધરી રહ્યો ઠાલા નહિ કો ઠાંમ રે.

કોય કહે એ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર કોય કહે કૃષ્ણ રામ રે,
કોએ કહે એ ઈંદ્રિ સદાશિવ મારગ દક્ષણ વામ રે.

સૂર્યાદિકનો એ જ પ્રકાશિ સાક્ષિ સહુનુ ધામ રે,
અધ્યસ્ત સહુ એ માહે કલ્પિત દેશ નગર ને ગાંમ રે.

ક્ષુદ્યા પિપાસા એહેને ન વ્યાપે શીત નહિ નહિ ઘાંમ રે,
એ જ અનુભવાનંદ લહિને એહેમા પામા ઉપરાંમેર.


આહિરડા ઓરો આવરે, એક વાત કહું રે તારા કાનમાં;
રસ ભરિયાં નેણ નચાવરે, હં તો સમજીને આવું તોરી સાનમાં;
મારા તનના તાપ સમાવરે, આવો શો રે ભર્યો અભિમાનમાં          આ૦
(અલ્યા) ગિરિધર તે હુંને ઘેલી કીધી, તોયે ન વસિયો વાંક;
ચતુરા તોરી વાંસડીએ, વાળ્યો આડો આંક રે.          આ૦
(અલ્યા) વશિકરણ તારી વાંસલડીમાં, મુખડું મોહનવેલ;
વેણાની વ્યાપકતા ઝાઝી, છેલવમાનો છેલ રે,          આ૦
મારી વાત કહું તે સાંભળીને તું, થાઇશ ચતુરસુજાણ;
મારૂં વાર્યુ જો માનીશ તો, તુજને, સ્વપ્ને ન ધરિયો શોક;
તન મન મારૂં સોંપ્યું, છો લવતા દુરિજન લોક રે.          આ૦
પ્રાણજીવન પ્રભુ પાતળિયા, પૂરો હમારા કોડ;
નાથ ભવાન સ્નેહ વાપ્યો, મળ્યો નંદકિશોર રે.          આ૦

કૃષ્ણલીલા
અતિ ઘણું હસવું સારૂં નહીં શામળીઆ;
શામળીઆરે, શામળીઆ છે થોડામાં સ્વાદ.          અતિ ઘણું૦

આસપાસ દેખે લોકડાં, અલવેશ;
અલવેશેરે અલવેશે, આપશે ઉપહાસ.          અતિ ઘણું૦

મને અળવ ના કરીએ આવડી, પાતળીઆ;
પાતળીઆરે, પાતળીઆ, પરનારીની સાથ.          અતિ ઘણું૦

નેને તે તેલે તેલે કરી, નથી રહેતા;
નથી રહેતારે, નથી રહેતા, તારા સખણારે હાથ.          અતિ ઘણું૦
અલ્યા તેલ ફુલેલે તને મળ્યાં, તે મેં જાણ્યું;
તે મે જાણ્યુંરે, તે મેં જાણ્યું, તારૂં મોટું છે મન.          અતિ ઘણું૦

તું નથી કરતાં ત્રીકમા, એ કરે છે;
એ કરે છેરે એ કરે છે, આહીરડાનું અંન.          અતિ ઘણું૦

તુને હં શી જાણું હોળી તણો, સુખે રમીએ;
સુખે રમીએરે, સુખે રમીએ, પરણ્યાની સાથ.          અતિ ઘણું૦

નખરૂં બીજી કોઇ નહીં ખમ, અધિકાર;
અધિકારરે, અધિકાર, અધિકારે ઉમ.          અતિ ઘણું૦

તને હોળી રમવાની હ ુંશ છે, વેગળો રહે;
વેગળો રહેરે, વેગળો રહે, ન આવીશ મારી પાસ.          અતિ ઘણું૦

રાખી મૂક્યો તો ક્યાં થકી, મારા કરમે;
મારા કમેંરે, મારા કર્મે, આવા વ્રજમાં વાસ.          અતિ ઘણું૦

આવા વાજણ ના થઇએ વીઠલા, કહ્યું માનો;
કહ્યું માનોરે, કહ્યું માનો, અબળાની વાત.          અતિ ઘણું૦

ભક્ત ભોવન પ્રભુ શામળા, વાત વદે;
વાત વદેરે, વાત વદે, વદે વિક્ષાત.          અતિ ઘણું૦