મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪.જિનપદ્મ સૂરિ-સ્થૂલિભદ્ર ફાગુ


૪.જિનપદ્મ સૂરિ-સ્થૂલિભદ્ર ફાગુ

જિનપદ્મસૂરિ(૧૪મી સદી પૂર્વાર્ધ) આ જૈન સાધુને સંપ્રદાયમાં સૂરિ પદ મળેલું. દુહા-રોળા છંદોમાં ૨૭ કડી ને ૭ ભાસ વાળું એમનું ‘સ્થૂલિભદ્ર ફાગુ’ વર્ષાઋતુ, કોશા ગણિકાનું સૌંદર્ય અને સ્થૂલિભદ્રનો કામ પરનો વિજય આલેખે છે. ગુજરાતીનું એ સૌથી પ્રાચીન ફાગુ કાવ્ય ગણાયું છે.

‘સ્થૂલિભદ્ર ફાગુ’ (સાધુ સ્થૂલિભદ્ર પોતાના પૂર્વાશ્રમની પ્રેયસી કોશા ગણિકાના દ્વારે, ગુરુ-આજ્ઞાથી, ચાતુર્માસ ગાળવા જાય છે. ઉદ્દીપ્ત કરનારી વર્ષાઋતુ છે, સૌંદર્યવાન કોશા આ પૂર્વપ્રેમીને લોભાવવા યત્ન કરે છે. સાધુ નિર્વિકાર રહે છે. કહે છે: મારુચ મન તો હવે સંયમશ્રીમાં લીન છે. સારાનુવાદ મધ્યકાલીન જૈન કવિતાસંચય,સંપા. અભય દોશી-માંથી)

સિરિ-થૂલિભદ્ર ફાગુ
પણમિય પાસ-જિાણિંદ-પય અનુસરસઈ સમરેવી |
થૂલિભદ્ર-મુણિવઈ ભણિસુ ફાગુ-બંધિ ગુણ કે-વી || ૧ ||
પ્રથમ ભાસ
(અહ) સોહગ-સુંદર રૂવવંતુ ગુણ-મણિ ભંડારો
કંદણ જિમ ઝલકંત-કંતિ સંજમ-સિરિ-હારો |
નયરરાય પાડલિય માહિ પહુતઉ વિહરંતઉ || ૨ ||
વરિસાલઈ ચઉમાસ-માહિ સાહૂ ગહગહિયા
લિયઈ અભિગ્ગહ ગુરુહ પાસિ નિય-ગુણ-મહમહિય |
અજ્જ-વિજયસંભુઈ-સૂરિ ગુરુ-વર મોકલાલઈ
તસુ આઈસિ મુણીસ કોસ-વેસા-ધીર આવઈ || ૩ ||
મંદિર-તોરણિ આવિયઉ મુણિવરુ પિક્ખેવી
ચમકિય ચિત્તિહિ દાસડિય વેગિ જાઈ વધાવી ||
વેસા અતિહિ ઊતાવલિય હરિહિ લહકંતી
આવિય મુણિવર-રાય-પાસિ કરયલ જોડતી || ૪ ||
‘ઘમ્મ-લાભુ’ મુણિવઈ ભણવિ ચિત્રસલી મંગેવી |
રહિયઉ સીહ-કિસોર જિમ ધીરિમ હિયઈ ઘરેવી || ૫ ||

(અનુવાદ પાર્શ્વ જિનેન્દ્રના પદે પ્રણામ કરીને અને સરસ્વતીને સ્મરીને ફાગુ-બંધ રૂપે મુનિપતિ સ્થૂલિભદ્રના કેટલાક ગુણ કહીશ (૧) અથ (એક વાર) સૌભાગ્યસુંદર, રૂપવંત, ગુણ-મણિ-ભંડાર, કાંચન સમાન ઝળકતી કાંતિવાળા, સંયમશ્રીના હારરૂપ, મુનિરાજ સ્થૂલિભદ્ર જ્યારે મહીતલ પર બોધ કરતા (હતા, ત્યારે) વિહરતા (વિરતા તે) નગરરાજ પાટલિ(પુત્ર)માં (આવી) પહોંચ્યા.(૨). નિજગુણે શોભતા સાધુઓ વર્ષાકાલમાં ચાતુર્માસમાં ગદ્ગદિત થઈને ગુરુની પાસે અભિગ્રહ લે છે, (ને) ગુરુવર આર્યસંભૂતિવિજયસૂરિની અનુજ્ઞા લે છે. તેમના આદેશથી મુનીશ (સ્થૂલિભદ્ર) કોશા વેશ્યાને ઘેર આવે છે. (૩) આવાસના તોરણે મુનિવર આવ્યા જોઈને ચિત્તમાં ચમકેલી (અચરજ પામેલી) દાસી વધામણી આપનારી (તરીકે કોશા પાસે) વેગે જાય છે. વેશ્યા હારથી લહેકતી (ઝૂકતી), કરતલ જોડતી અતી ઉતાવળી મુનિવર-રાજ પાસે આવી. ૪). એને ‘ધર્મલાભ’ કહીને પોતાના નિવાસ માટે ચિત્રશાલા માગીને તે મુનિપતિ (મુનિરાજ) સિંહકિશોરની જેમ ધર્મને હૈયે ધરીને રહ્યા. (૫)

દ્વિતીય ભાસ
ઝિરિમિરિ ઝિરિમિરિ ઝિરિમિરિ એ મેહા વરિસંતે
ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહંતે ||
ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજુલિય ઝબ્બુક્કઈ
થરહર થરહર થરહર એ વિરહિણી-મણુ કંપઈ || ૬ ||
મહુર-ગંભીર-સરેણ મેહ જિમ જિમ ગાજંતે
પંચબાણ નિય કુસુમ-બાણ તિમ તિમ સાજંતે
જિમ જિમ કેતકીમહુમહંત પરિમલ વિહસાવઈ તિમતિમ
કામિય ચરણ લગ્ગિ નિયરમણિ મનાવઇ || ૭ ||
જિમ જિમ જલ-ભર-ભરિય મેહ ગયણંગણિ મિલિયા
સિયલ કોમલ સુરહિવાય જિમ જિમ વાયંતે |
માન મડફકર માણણિય તિમતિમ નાસંતે
તિમ તિમ પંથિય-તણા નયણ નીરિહિ ઝલહલિયા || ૮ ||

(ઝરમર ઝરમર ઝરમર મેઘ વરસે છે, ખળખળ ખળ ખળ ખળખળ વહેળા વહે છે, ઝબઝબ ઝબઝબ ઝબઝબ વીજળી ઝબકે છે, (ને) થરથર થરથર રથર વિરહિણીનું મન કંપે છે. (૬). મધુર ગંભીર સ્વરે મેઘો જેમ જેમ ગાજતા, તેમ તેમ પરિમલ પ્રસરાવે છે, તેમ તેમ કામી (જન) નિજ રમણીને ચરણે (પગે) લાગીને મનાવે છે. (૭). શીતળ, કોમળ, સુરભિ વાયુ જેમ જેમ વાતો, તેમ તેમ માનિનીનાં માન ને ગર્વ નાસતા. જેમ જેમ જલભારભર્યા મેઘ ગગનાંગણમાં એકત્રિત થયા, તેમ તેમ પથિકોનાં નયન નીરથી જળહળ્યાં (નયનમાં ઝળહળિયાં આવ્યાં). (૮) અને મેઘના રવથી જેમ જેમ મોર ઊલટભર નાચે છે, તેમ તેમ માનિની, ચોર પકડતાં જેમ ખળભળે (ક્ષુબ્ધ થાય) (તેમ ખળભળે છે). (૯)


તૃતીય ભાસ
મેહા રવ-ભર-ઉલટિ જિમ જિમ નાચઈ મોર |
તિમ તિમ માણિણિ ઝલભલઈ સાહિતા જિમ ચોર || ૯ ||
અહ સિંગારુ કરેઈ વેસ મોટઈ મન-ઊલટિ
રઈય (?) અંગિ બહુ-રંગિ ચંગિ ચંદણ-રસ-ઊગટિ ||
ચંપક-કેતકિ-જાઈ-કુસુમ સિરિ ખુંપ ભરેઈ
અતિ-અચ્છઉ સુકુમાલ ચીરુ પહિરણિ પહિરેઈ || ૧૦ ||
લહલહ-લહલહ-લહલહએ ઉરિ મોતિય-હારો
રણરણ-રણરણ-રનરણએ પગિ નેઉર-સારો ||
ઝગમગ-ઝગમગ-ઝગમગ એ કાનિહિ વર-કુંડલ
ઝલહલ-ઝલહલ-ઝલહલ આભરણહં મંડલ || ૧૧ ||
મયણ-ખગ્ગુ જિમ જહલહએ જસુ વેણી-દંડો
સરલઉ તરલઉ સામલઉ (?) રોમાવલિ-દંડો ||
તુંગ પયોહર ઉલ્લસઈ (જિમ) સિંગાર-થવક્કા
કુસુમ-બાણિ નિય અમિય-કુભ કિર થાપણિ મુક્કા || ૧૨ ||
કજ્જલિ અંજાવિ નયણ-જુય સિરિ સઇંથઉ ફાડેઈ |
બોરિયૉવડિ-કંચુલિય પુણ ઉર-મંડલિ તાડેઈ || ૧૩ ||

(એટલે વેશ્યા નની મોટી ઊલટથી શણગાર કરે (સજે) છે. અંગ પર સુંદર, બહુરંગિ ચંદનરસનું વિલેપન કરે છે. (?) શિર પર ચંપક, કેતકી (ને) જાઈના કુસુમનો ખૂંપ ભરે છે. પહેરવામાં અતિ આછું સુંવાળું ચીર પહેરે છે. (૧૦). ઉર પર મોતીહાર લહલહલહલહ લહલહ થાય છે. પગમાં ઉત્તમ નૂપુર રુમઝુમ રુમઝુમ રુમઝુમ થાય છે. કાનમાં ઉત્તમ કુડંળ ઝગમગ ઝગમગ ઝગમગ થાય છે. (તેના) આભરણોનું મંડળ (સમૂહ) ઝળહળ ઝળહળ ઝળહળ થાય છે. (૧૧). જેનો વેણીદંડ મદનના ખડર્ગની જેમ લહલહે છ. જેનો રોમાવલિદંડ સરળ, તરલ ને શ્યામલ (છે). શૃંગાર-રતબક (શા) તુંગ પયોધર ઉલ્લસે છે -જાણે કે કુસુમબાણે (કામદેવે) નિજ અમૃતકુંભ થાપણ (તરીકે) મૂક્યા (છે). (૧૨). નયનયુગલ કાજળે આંજીને શિર પર સેંથો ફાડે (પાડે) છે. વળી ઉરમંડળ પર બોરીયાવાળી કાંચળી બાંધે છે. (૧૩).

ચતુર્થ ભાસ
કઝ-જુયલ જસુ લહલંહત કિર મયણ-હિંડોલા
ચંચલ ચપલ તરંગ-ચંગ જસુ નયણ-કચોલા ||
સોહઈ જાસુ કપોલ-પાલિ જણુ ગાલિમસૂરા
કોમલ વિમલુ સુકંઠુ જાસુ બાજઈ સંખ-તૂરા || ૧૪ ||
લવણિમ-રસ-ભર-કૂવડિય જસુ નાહિય રેહઈ
મયણ-રાય કિર વિજય-ખંભ જસુ ઊરુ સોહઈ
જસુ નહ-પલ્લવ કામદેવ-અંકુસ જિમ રાજઈ
રિમિઝિમિ રિમિઝિમિ પાય-કમલિ ઘાધારે યસુ વાજઈ || ૧૫ ||
નવ-જોબણ-વિલસંત-દેહ નવનેહ-નહિલ્લી
પરિમલ-લહરિહિ મહમહંત રઈ-કેલિ બહિલ્લી ||
અહર-બિંબ પરવાલ-ખંડ વર-ચંપા-વન્ની
નયણ-સલૂણીય હાવ-ભાવ-બહુરસ-સંપુન્ની || ૧૬ ||
ઈય સિંગાર કરેવિ વર જઉ આવી મુણિ-પાસિ |
જોએવા કઉતિગિ મિલિય સુર-કિન્નર આકસિ || ૧૭ ||

(જેનું કર્ણયુગલ જાણે કે મદનહિંડોળા (હોય તેમ) લહલહે છે, જેનાં નયનકચોળાં ચંચળ, ચપળ અને તરંગ-સુંદર છે, જેના કપાલ-તલ જાણે કે ગાલમસૂરિયાં (હોય તેમ) શોભે છે, જેનો કોમળ, વિમળ સકુંઠ (જાણે કે) (શંખમાંથી) તૂરિય વાગતું હોય (તેવો છે.) (૧૪) જેની નાભિ લાવણ્યરસે ભરેલી કૂપિકા (કૂઈ) (જેવી) શોભે છે. જેના ઉરુ જાણે કે મદનરાજન વિજયસ્તંભ (હોય તેમ) શોભે છે. જેના નખપલ્લવ કામદેવના અંકુશની જેમ વિરાજે છે. જેના પાદકમળમાં ઘૂઘરી રુમઝુમ રુમઝુમ વાગે છે. (૧૫). નવયૌવને વિલસતા દેહવાળી, અભિનવ સ્નેહથી ઘેલી, પરિમલ-લહરીથી મઘમઘતી પહેલી રતિકેલિ (સમા), પ્રવાલ-ખંડ સમા અધરાબિંબવાળી, ઉત્તમ ચંપકના વર્ણવાળી, હાવભાવ ને બહુ રસથી પૂર્ણ, નયનસલૂણી (તે શોભતી હતી). (૧૬). આ પ્રમાણે ઉત્તમ શણગાર કરીને (સજીને) જ્યારે (તે મુનિ પાસે આવી, (ત્યારે) આકાશમાંથી સુરો (તથા) કિન્નરો કૌતુકથી જોવા મળ્યા (એકત્રિત થયા). (૧૭)

પંચમ ભાસ
(અહ) નયણ-કડક્બિહિં આહણએ વાંકઉ જોવંતી
હાવ-ભાવ-સિલંગર-ભંગિ નવ-નવિય કરંતિ ||
તહ વિ ન ભીજઈ મુણિ-પવરો તઉ વેસ બોલાવઈ
‘તવણ-તુલ્લુ તુહ વિરહ, નાહ! મહ તું સંતાવઈ || ૧૮ ||
બારહ વરિસહં તણઉ નેહુ કિણિ કારણિ છંડિઉ
એવડુ નિટ્ઠુરપણઉં કાંઈ મૂ-સિઉં તુમ્હિ મંડિઉ ||
થુલિમદ્ર પભણેઈ ‘વેસ! અઈ-ખેતુ ન કીજઈ
લોહિહિ ઘડિયઉ હિયઉ મજ્ઝ, તુહ વયણિ ન ભીંજઈ || ૧૯ ||
‘મહ વિલવંતિય-ઉવરિ, નાહ! અણુરાગ ધરીજઈ
એરિસુ પાવસ-કાલુ સયલુ મૂ-સિઉં માણીજઈ ||
મુણિવઈ જંપઈ ‘વેસ! સિદ્ધિ-રમણી પરિણેવા
મણુ લીણઉ સંજમ-સિરીહિં સિઉં ભોગ રમેવા || ૨૦ ||
ભણઈ કોસ ‘સાચઉં કિયઉં નવલઈ રાજઈ લોઉ’|
મૂં મિલ્હિવિ સંજય-સિરિહિં જઉ રાતઉ મુણિ-રાઉ’ || ૨૧ ||

(પછી, વક્ર (દૃષ્ટિએ) જોતી, હાવ ભાવ (તથા) નવીનવી શ્રૃંગારભંગી કરતી (તે મુનિને) નયનકટાક્ષો વડે પ્રહાર કરે છે. તો પણ (તે) મુનિપ્રવર ભેદાતા નથી. એટલે પછી વેશ્યા (તેને) બોલાવે છે: ‘હે નાથ, તારો વિરહ તપન (સૂર્ય) સમો માર મનને સંતપ્ત કરે છે. (૧૮). બાર વરસનો સ્નેહ (તમે) કયા કારણે છાંડ્યો? મારી સાથે તમે એવડું નિષ્ઠુરપણું કાં માંડ્યું?’ એટલે સ્થૂલિભદ્ર કહે, ‘વેશ્યા, (નકામો) અતિશય શ્રમ ન લઈએ. લોહથી ઘડાયેલું મારું હૈયું તારા વચને નહીં ભેદાય.’(૧૯) (કોશા કહે) ‘નાથ વિલાપ કરતી (એવી) મારી ઉપર અનુરાગ ધરીએ (ધરો), આવો પ્રાવૃષ-કાળ (વર્ષાકાળ) આખો યે મારી સાથે માણીએ (માણો). મુનિપતિ (મુનિરાજ) કહે, ‘વેશ્યા, (મારું) મન સિદ્ધિરમણીને પરણવા(માં), (તથા) સંયમશ્રી સાથે ભોગ રમવા (ભોગવવા)(માં) લીન થઈ ગયું (છે.)’ (૨૦) કોશા કહે, ‘જે મને મેલીને (મૂકીને) મુનિરાજ સંયશ્રીમાં અનુરક્ત (થયા) છે. (તેથી), "નવલે રાચે લોક" (એ લોકવચન તમે) સાચું કર્યું (પાડ્યું) (છે).’ (૨૧)

ષષ્ઠં ભાસ
ઉવસમ-રસ-ભર-પૂરિય યઉ (?) રિસિ-રાઉ મણેઇ
‘ચિંતામનિ પરિહરવિ કવણુ પત્થરુ ગિહેઈ ||
તિમ સંજમ-સિરિ પરિજયએવિ બહુ-ધમ્મ-સમુજ્જલ
આલિંગહ તુહ, કોસ! કવણુ પસરંત-મહાબલ || ૨૨ ||
‘પહિલઉ હિવડાં’ કોસ કહઈ ‘જુવ્વણ-ફલુ લીજઈ
તયણંતરુ સંજમ-સિરિહિં સિઉં સુહિણ રમીજઈ’ ||
મુણિ બોલઈ ‘જં મંઈ લિયઉ તં લિંયઉ જ હોઈ (?)
કવણુ સુ અચ્છઈ ભુવણ-તલે જો મહ મણુ મોહઈ || ૨૩ ||
ઈણિ પરિ કોસા અવગણિય થૂલિભદ્ર-મુણિરાઈ |
તસુ ધીરિમ અવધરિ-કરિ ચિત્તિ સુહાઈ || ૨૪ ||

(ઉપશમ રસના પૂર્ણ ઋષિરાજ આમ (?) કહે છે. ‘ચિંતામણિ પરિહરી પત્થર કોણ ગ્રહણ કરે? તેમ (જ), કોશા, બહુએધર્મ-સમુજ્જવલ સંયમશ્રીને તજીને પ્રસરતા મહાન બળવાળો કોણ તને આલિંગે?’ (૨૨) કોશા કહે, ‘પહેલાં હમણાં જોબનનું ફળ લઈએ (લો). તે પછી સંયમશ્રી સાથે સુખેથી રમીએ (રમો).’ મુનિ કહે, ‘મેં જે લીધું, તે લીધું જ છે. (સમગ્ર) ભુવનતલમાં કોણ એવો છે કે જે મારું મન મોહિત કરે?’ (૨૩) આ રીતે મુનિરાજ સ્થૂભદ્રે કોશાને અવગણી. તેની ધીરતાને અવધારી કરી ચિત્તમાં વિસ્મિત થયેલી (તે) સુખ પામે છે (?) (૨૪)

સપ્તમ્ ભાસ
અઈ બલવંતુ સુ મોહ-રાઉ જિાણિ નાણિ નિધડિઉ
ઝાણ-ઘડગ્ગિણ મયણ-સહુડ સમરંસગણિ પડિઉ ||
કુસુમ-વૃટ્ઠિ સુર કરઈ તુટ્ઠ તહ જયજય-કારો
‘ધનુ ધનુ એહુ જુ તુલિભદ્ર જિાણિ જીતઉ મારો’ || ૨૫ ||
પડિવોહિવિ તહ કોસ વેસ ચઉમાસિ અણંતર
પાલિ અભિગ્ગહ લલિય વલિય ગુરુ પાસિ મુણીસડ ||
‘દુક્કર-દુક્કર-કારગુ’ ત્તિ સુરિહં સુ પસંસિડ
સંખ-સમુજ્જલ-જસ-લસંતુ સુર-નરિહિ નમંસિઉ || ૨૬ ||
નંદઉ સો સિરિ-થુલિભદ્ધુ જો જુગહ પહાણો
મલિયઉ જિાણિ જાગિ મલ્લ-સલ્લ રઈવલ્વહ-માણો ||
ખરતર-ગચ્છિ જિણપદમ-સૂરિ-કિઉ ફાગુ રમેવઉ
ખેલા-નાયઈ ચૈત્ર-માસિ રંગિહિ ગાએવઉ || ૨૭ ||

(તે અતિ બળવંત છે, જેણે મોહરાજને જ્ઞાન વડે નષ્ટ કર્યો, સમરાંગણમાં મદનસુભટને ધ્યાન-ખડગ વડે પાડ્યો. તુષ્ટ થયેલ સુર કુસુમવૃષ્ટિ તથા જયજકાર કરે છે, ‘આ જે સ્થૂલિભદ્ર, (તેને) ધન્ય (છે), (કે) જેણે માર (કામદેવ) જીત્યો.’ (૨૫) તે રીતે કેશાવેશ્યાને પ્રતિબોધીને, સુંદર રીતે (?) અભિગ્રહ પાળીને મુનિશ્વર ચાતુર્માસ પછી ગુરુ પાસે પાછા આવ્યા. ‘દુષ્કરમાં દુષ્કરને કરનારો (આ છે) એમ સૂરિએ તેની પ્રશંસા કરી. શંખ સમુજ્જવલ યશથી વિલસતા તેને સુર (તથા) નરે નમન કર્યું. (૨૬) જે (પોતાના) યુગમાં પ્રધાન હતા, જેણે જગતમાં મલ્લોના (પણ) શલ્યરૂપ રતિવલ્લભ (કામદેવ)નું માનમર્દન કર્યું, તે સ્થૂલિભદ્ર નંદો (જયવંત હો)! ખરતરવચ્છમાં (રહેલા) જિનપદ્મસૂરિકૃત (આ) ફાગ રમવો. ચૈત્રમાસમાં ખેલ અને નાચ સાથે (આ) રંગે ગાવો. (૨૭)