મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૦.પુરીબાઈ


૫૦.પુરીબાઈ

પુરીબાઈ (૧૭મી ઉત્તરાર્ધ- ૧૮મી પૂર્વાર્ધ)
રામભક્ત કવયિત્રી. ૬ કડવાંનું ‘સીતામંગળ’ એમની સારી કૃતિ છે.

સીતામંગળ કડવાં ૧,૪,૫

કડવું ૧લું-રાગ ધોળ.

સતી સીતાને ચરણે લાંગુજી, નિર્મળ વાણીને શુદ્ધ બુદ્ધ માગુંજી;
ઢાળ
માગું છુંરે શુદ્ધ બુધ્ધ મનોહર, સ્વામી સારંગપાણ;
ગુણ વરણવુંરે હું તાહરા, મને આપ અવિચળ વાણ.

સિવરા - મંડપ રચ્યો જ્યારે ને, તેડાવ્યા ભૂપ;
ઋષી સાથે રાઘવ આવ્યા એનું, મહા મનોહર રૂપ.

પાતાળનારે પન્નગ તેડ્યા ને, આવ્યા ગગન મુની દેવ;
રાવણ કહે હું ધનુષ ભાંગું ને, કન્યા વરૂં તતખેવ.

સતિ જાનકિયે સામું જોયું ને, દીઠા શ્રી મહારાજ;
સ્વામિ ભવોભવ હું પદસેવક, કેમ વિસારી આજ.

સતિ તે કેરાં વચન સુણીને, હસ્યા શ્રી રઘુવીર;
ક્ષણમાં રે વરૂં હું જાનકી, તું રાખ મનમાં ધીર.
કરજોડી પૂરી ભણે જેનો, અમરાપુરીમાં વાસ;
સ્વામિ સૌ સંતની દાસ છું, રઘુનાથ રાખો પાસ.

ક. ૪
ચંચળ અશ્વ ચઢયા રઘુનંદન, ઢોલ દદામાં ગાજેજી;
સીતાનો વર શોભે તોરણ, જોઇ કોટી કામ લાજેજી.

કટી કોમળ ત્યાં મેખલા સોહિયે, પાયે નેપૂર વાજેજી;
બાંહે બાજાુબંધ બાંધ્યા છે, કોટે કૌસ્તુભમણિ છાજેજી.

જાનરડી વરની માડી સંગાતે, ગીત મધુરાં ગાયેજી;
સાસૂ પ્રેમે પનોતી ઘાઇ, વરને પોંખવા જાયેજી.

ક. ૫
નાક સાહિને નિર્ખ્યા અંતરજામી, મારી લાડકવાઇ રૂડો વર પામી;
એની ચોરિયે ચોતરફ હિરની દોરી, રાજા જનક કહે સીતા રામથી ગોરી.
ત્યારે મધુરી શી વાણી કૌશલ્યા બોલે, ત્રિલોકમાં નહિ મારા રામને તોલે.
સીતા પહેલું મંગળ વરત્યું રઘુરાય, ત્યાં તો મધુપર્કકેરાંદાન અપાય.
સીતા બીજું મંગળ વરત્યું રઘુરાય, ત્યાં તો મુદ્રીકા કેરાં દાન અપાય.
સીતા ત્રીજા મંગળ રામની સાથ કીધાં, ત્યારે જનકરાયે મહાદાન દીધાં.
સીતા ચોથુ મંગળ વરત્યું રઘુરાય, ત્યાં તો કન્યા કેરાં દાન અપાય.
ત્યાં બરાનપુરની બાજોઠી મંગાવો, ત્યાં વીસલનગરનિ થાળી અણાવો.
ત્યાં ડુંગરપુરની ઝારીને આણી, કંસાર પીરસે રાજા જનકની રાણી.
કંસાર પીરસ્યો તે રૂડીરે રીતે, સીતા રામ જમ્યાં તે પૂરણ પ્રીતે.
ત્યાં પાન સોપારીની છાબજ છોડી, સીતા રામ રહ્યાં છે બેઉ કર જોડી.
કરજોડી પુરી કહે જે જે રે કીજે, ત્યાં કન્યા સજોડાનાં ભામણાં લીજે.