મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૧.મેકરણ
મેકરણ (૧૭મી ઉત્તરાર્ધ- ૧૮મી પૂર્વાર્ધ)
કચ્છના આ કવિ મેકરણ ડાડા તરીકે જાણીતા હતા.એમણે ગુજરાતી ને કચ્છીમાં પદરચના કરેલી.
૧ પદ
મારી મેના બોલે રે ગઢને કાંગરે...
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે...
કાયાના કુડા રે ભરોંસા, દેયુંના જૂઠા રે દિલાસા, મેના..
–મારી મેના રે બોલે રે ગઢને કાંગરે...૦
એવી ધરતી ખેડાવો, રાજા રામની રે,
હીરલો છે રે ધરતીની માં ય, હીરલો છે રે ધરતીની માં ય, મેના...
–મારી મેના રે બોલે રે ગઢને કાંગરે...૦
એવી છીપું રે સમદરિયામાં નીપજે રે,
મોતીડાં છે રે છીપની માં ય, મોતીડાં છે રે છીપની માં ય, મેના...
–મારી મેના રે બોલે રે ગઢને કાંગરે...૦
એવો મૃગલો ચરે રે વનમાં એકલો રે,
કસ્તુરી છે રે મૃગલાની માં ય, કસ્તુરી છે રે મૃગલાની માં ય, મેના...
–મારી મેના રે બોલે રે ગઢને કાંગરે...૦
એવી મેના ને મેકરણ બેઉ એક છેરે
એને તમે જુદા રે નવ જાણો, એને તમે જુદા રે નવ જાણો, મેના...
–મારી મેના રે બોલે રે ગઢને કાંગરે...૦