મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૫.દ્વારકાદાસ/ દ્વારકો


૫૫.દ્વારકાદાસ/ દ્વારકો

દ્વારકાદાસ /દ્વારકો (૧૮મી સદી પૂ.)
આ કવિએ કૃષ્ણવિષયક પદો ઉપરાંત ‘રાધિકાવિરહના બાર માસ’ પણ લખ્યા છે

૨ પદો

શણગાર.

રાગ ગરબી.
આજ મારે આંગણિયે પેલો, નંદનો કુંવર બેઠો જો;
હું ગઇતી જમુના જળ ભરવા, છાનો ઘરમાં પેઠો જો.          ૧

ઘરમાં પેશી એવું કીધું, માંકડલાં બોલાવ્યાં જો;
મહિ કાઢી મ્હોં આગળ મેલ્યાં, ખાવા સાર- આવ્યાં જો.          ૨

ઓચિંતી મહિયારી આવી, હરિની બાવડી ઝાલી જો;
મોંઢા ઉપર ગોરસ લોહ્યું, ઓચંબા લઈ ચાલી જો.          ૩

સાંભળજે તું જશોદા રાણી, તારો કુંવર લાવી જો;
બાળક તારો બહુ મસ્તાનો, ટેવ શી પાડી આવી જો.          ૪

કહે જશોદા જાૂઠા બોલી, જીભ કરો કાંઇ થોડી જો;
મારો કુંવર કાંઇ ન જાણે, બેઠો બેઉ કર જોડી જો.          ૫

બાળ જાુવે તો પોતા કેરું, જોઇને લજ્જા પામી જો;
સહુ ગોપીનાં માન ઉતાર્યો, એવો અંતર્યામી જો.          ૬

એની અક્કલને કોઇ ન પહોંચે, ગતિએની બહુ ન્યારી જો;
દ્વારકાના સ્વામી સંગે, અબળા રહી છે હારી જો          ૭


નેન ભરી

નેન ભરી ભરી જાુઓ નંદકુમાર;
જશોમતી કુખે ચંદ્રમા પ્રકટ્યો, વ્રજકરવા ઉદ્ધાર.          ટેક.

વનમાં ન જાવું કોઇએ, ગોપી ગોપ કર્યો વિચાર;
રંગ બેરંગ કર્યા વાગા, ધર્યા વિવિધ શણગાર.          નેન૦

હળદર દૂર્વા કુંકુમ, દધિમંડિત કર્યુ દ્વાર;
પૂર્યો ચોક વિવિધ મુક્તાફળ, કરે મંગળ ઉચ્ચાર.          નેન૦

ચાર વેદ ધૂનિ કરે મહામુનિ, કરતા શુભ વિચાર;
થયો પુણ્યનો પુંજ શ્યામળો, સફળ સિદ્ધ દાતાર.          નેન૦

ગોકુળવધૂ નિરખી આનંદિત, નંદકુમાર ઉર હાર;
દાસ દ્વારકો આશિષ દેતો, ચિરંજીવ પ્રાણાધાર.          નેન૦