મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૩.કર્પૂરશેખર


૬૩.કર્પૂરશેખર

કર્પૂરશેખર(૧૮મી સદી ) અંચલગચ્છના રત્નશેખરના શિષ્ય આ જૈન સાધુ કવિએ ‘નેમ-રાજુલ બારમાસા’ અને ‘ગોડી પાર્શ્વનાથ છંદ’ની રચના કરેલી છે. ‘નેમ-રાજુલ બારમાસ’ માંથી આ કાવ્યમાં રાજુલની વિરહવ્યથા બાર માસના સ્વરૂપમાં સુંદર રીતે આલેખાઈ છે. અહીં મહા, ફાગણ અને ચૈત્ર (વસંત ઋતુના માસ)નું આલેખન પ્રસ્તુત છે.


ટાઢ પડે મહા માસમાં, વાલા, હિમ ઠરે પરભાત,
સૂરજતેજે બેસીયે, વાલા, વિકસે સુંદર ગાત રે,
પ્રભુ, માનો મોરી વાત રે, હુંતો અરજ કરું દિનરાત રે,
તુજ નેહ નહીં તિલમાત રે, મેં જાણી તુમારી ઘાત રે,
ઘરે આવો, નેમીસર સાહેબા.          ૧૫

માછલડી પાણી વિના, વાલા, તડફડી જીવિત દેત,
તિમ વિછડવે હું તાહરે, વાલા મન આણો તેહ સંકેત રે,
તુજ સાથે ફિરે મુજ ચિત્તરે, પીયુ, સંભાલો નિજ ખેત રે,
ભવ આઠ તણી જે પ્રીત રે, કેમ ત્યાગ કરો, મિત રે.          ઘરે.૧૬

ફાગુણના દિન ફુટરા, વાલા, વન કુંપલ વિકસંત,
કેશર પિચકારી ભરી, વાલા, ખલત કામિની કંત રે,
અબીર ગુલાલ ઉડંત રે, મધુરે સ્વરે ગાવે વસંત રે,
નરનારી મલી ગાવંત રે, સુણી ઉપજે વિરહ અનંત રે.          ઘરે.૧૭

ઇણી રતે પીયુડો (પરદેશ) વસે, વાલા કેહશું ખેલું ફાગ,
કાલજડે કોરૂ બે, વાલા, લાગો પ્રેમનો દાઘ રે,
વિરહાનલ મોહોટી આગ રે, એહથી તાપ તનુ અથાગ રે,
સાહેબ શું નવલો રાગ રે, પ્રીતમ હવે મલવા લાગ રે.          ઘરે.૧૮

ચૈત્રે તરુવર મોરીયાં, વાલા, સુહ ફૂલી વનરાય,
પરિમલ મહકે ફુલના, વાલા સુરભી શીતલ વાય રે,
કોકીલા પંચમસ્વર ગાય રે, ગુંજારવ ભમરના થાય રે,
મન માલિની-શું લલચાય રે, ભમરા રહ્યા લપટાય રે.          ઘરે.૧૯