મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૬.ગવરીબાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૬.ગવરીબાઈ

ગવરીબાઈ (૧૮મી સદી):
આ જ્ઞાનમાર્ગી સ્રીકવિનાં ૬૦૦ ઉપરાંત પદો મુદ્રિત છે. ગરબી, તિથિ, બારમાસી, વાર એવા પ્રકારો ધરાવતાં તથા ગુજરાતી સાથે હિંદી-રાજસ્થાનની ભાષામાં પણ રચાયેલાં એમનાં પદોમાં નિર્ગુણ ભક્તિઉપાસના ઉપરાંત સગુણઉપાસના તથા રામ-કૃષ્ણભક્તિનો સમન્વય થયેલો છે. વિવિધ રાગઢાળો અને તળપદી ભાષાછટા એમનાં પદોની વિશેષતા છે. ‘ગુરુશિષ્ય-પ્રશ્નોત્તરી’ નામની એક ગદ્યકૃતિ પણ એમણે રચેલી છે.

૩ પદો

૧.
પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો...

પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો અખંડ એક સ્વામી

ચૌદ ભોવન વ્યાપી, રહ્યો હરિ ત્યાંહી,
બાહિર ભીતર જ્યાંહી, તુંહી મોહ નમી;          પૂર્ણ

ચંદમેં તું ચૈતન્ય તું, સૂરજ મેં તું તેજ,
નાહક ભજે, તું વિના દશોદિશ જામી;          પૂર્ણ

રૂપ નહીં, રંગ નહીં, વર્ણ નહીં વિભુ,
નિરંજન નિરાકાર, નહીં માયા કામી;          પૂર્ણ

ગવરી ગુરુ જ્ઞાન પ્રકાશ, તિમિર ભયો રી નાશ,
ભાગ્યો બ્રહ્મ ચિદ્વિલાસ, પૂર્ણ પદ પામી;          પૂર્ણ

૨.
સોહં સોહં બ્રહ્મ એ ભજ, સોહં સોહં બ્રહ્મ એ ભજ
પંચકોસકો તું સાખી રે, ચૈતન્ય સમજી લે એ ભ્રમ;          સોહં૦
જન્મ જરા મૃત્યુ નહીં તોકું, નહીં તો એ કાલની ક્રમ,          સોહં૦
નહીં તું શ્વેત, પીતળ ને રક્ત, નહીં તું શીતળ ગ્રમ;          સોહં૦
નહીં તું બંધ્ય, નહીં તું મુક્ત, નહીં તું એ દેહનો ધર્મ;          સોહં૦
નહીં તું દીર્ધ, નહીં તું સૂક્ષ્મ, ગવરી સ્વતંત્ર બ્રહ્મ;          સોહં૦



બ્રહ્મનો ભેદ...
બ્રહ્મનો ભેદ જાણ્યો જને અનુભવી, ભેદ જાણ્યા વિના ભ્રમ ન જાવે;
ભર્મ ભાગ્યા વિના કર્મ કહો ક્યમ ગળે? કર્મ ગળ્યા વિના મર્મ ન પાવે...
મરમ લહ્યા વિના સંશય નવ ટળે, સંશય ટળ્યા વિના સર્વ કાચું;
કથણી કથે અને અર્થ બહુ અનુભવે, રહેણી વિના કયમ પામે સાચું?
સાચા સિદ્ધાંતનું હિરદ સમજે નહીં, સમજીને અરથ ના કાંઈ સરતો;
આત્મા–શું આત્મા, બુદ્ધિ થકી જોય તો, તેણે કરી વાસનાલિંગ ન ગળતો...
અણલિંગી તમે અનુભવી જાણજો, તેજ તત્ત્વદર્શી રહે રે જોઈ;
ગવરી આત્મા–પરમાત્ત્મા એક જ ભયે, દ્વૈત ભાવ નવ ભાસે કોઈ...