મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૭૪.ભીમસાહેબ


૭૪.ભીમસાહેબ

ભીમસાહેબ(૧૮મી સદી ઉ.)
પૂર્વાશ્રમમાં મેઘવાળ આ સંત કવિ રવિભાણ સંપ્રદાયના ત્રિકમદાસના શિષ્ય અને દાસી જીવણના ગુરુ હતા. એમનાં જ્ઞાનલક્ષી પદોમાં યોગસાધનાની પરિભાષા ગૂંથાયેલી છે.
૩ પદો


સંદેશડો આ સત તણો
જીવણ જીવને જ્યાં રાખીયે, વાગે અનહદ તુરા,
જ્યોતિ અખંડ ત્યાં જળહળે, વરસે નરમર નુરા.          ..જીવણ

પાંચ તત્ત્વ ત્રણ ગુણસે, પચ્ચીસ જોજો વિચારી,
મથન કરો એના મૂળનું તત્ત્વ લેજો તારી.          ..જીવણ

તખત ત્રિવેણી અલોપ છે, ગંગાજમનાને ઘાટે,
સુષુમણામાં જીવણ સાધજો, વળી જાજો ઈ વાટે.          ..જીવણ

અખંડ રણુકાર હોઈ રહ્યા, કર બીન વાજાં વાગે,
સુરતા રાખી જીવણ સાંભળો, ધૂન ગગનમાં ગાજે.          ..જીવણ

અણી અગર પર એક છે, રમતા રહેશે રામા,
નિત નિત નિરખો તનડામાં, સતગુરુ ઉભા છે સામા.          ..જીવણ

નુરતસુરતની સાધના, પ્રેમ વિના નહિ પાવે,
અંધારું ટળે અંતરનું તો, નુર નજરુંમાં આવે.          ..જીવણ

સંદેશડો આ સત તણો ‘ભીમસાહેબ’ ભેજ્યો,
પત્ર લખીયો પ્રેમનો, વિધિયે લગનડાં લેજો.
જીવણ જીવને ત્યાં રાખીયે.
 

 

વેણુ વગાડે વિઠલો
વેણુ વગાડે વિઠલો જી, અણી અગર પર આપ રે,
સાસ-ઉસાસે સમરિયે જી, જપીએ અજપા જાપ રે...
તખત ત્રિવેણીના તીરમાં જી, નેનું આગે નાથ રે,
રાસ રચ્યો રંગમોલમાં જી, સોળસે ગોપી સાથ રે...
ગંગા-જમુના વચમાં રે જી, સુખમણા સેજે નાર રે,
સઉ મળી ત્યાં સુંદરી જી, થઈ રિયો થેઈ થેઈ કાર રે...
સહુ સરીખી રેશું હરિને, સહુના સરખા થોક રે,
પિયુની પ્યારી પ્રેમદા જી, એવી કોટિ મધ્યે કોક રે...
શોભા રૂડી મારા રામની, જીભે કહી નવ જાયે રે,
ગૂંગી સમસ્યા રે ગુંજની, ગૂંગા હોય તે પાયે રે...
નરત લાગી નિરાધારમાં જી, તિયાં નહીં ચંદ ને સૂર રે,
નૂરી મળ્યા નિજ નામમાં, નજરે નીરખ્યું નૂર રે...
સતગુરુ સાહેબ એક છે, ત્રિકમ છે તન માંય રે,
અંતરજામી આપમાં જી, ગુપત ગેબી ગાય રે...
કાયા ગોપી કામિની જી, તેનો મોહન વર મોરાર રે,
ભીમદાસ સખી ભાવસે જી, કરે રસબસ રંગ પ્યાર રે...


અકળ ભોમ પર
અકળ ભોમ પર સકળ શામ હે, ગજ ગુણિકા ઉદ્ધારી,
ગરજે ગગના પ્રેમ તત્ત્વ સું, પ્રેમ હેત કર જારી...
–સુન લે સુખમણા નારી! મેં તો અજબ નામ પર વારી...૦
ધ્યાન ધરીને સતગુરુ શબ્દે, હદ બેહદ વિચારી,
સુરતી કર લે ચૌદ લોકમેં, આરંપાર ધનુ ન્યારી...
–સુન લે સુખમણા નારી! મેં તો અજબ નામ પર વારી...૦
સહજ સુન્નમેં ત્રિકુટી ધૂનમેં, અખંડ જ્યોત ઉજીયારી,
ભીમદાસ ત્રિકમ કે ચરણે, તેજ તેજ બલિહારી...
–સુન લે સુખમણા નારી! મેં તો અજબ નામ પર વારી...૦