મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૯.ગેમલ
ગેમલ (૧૯મી પૂર્વાર્ધ):
ગેમલજી/ગેમલદાસ/ઘેમલસી એવી નામછાપ ધરાવતા આ પદકવિનાં પદો-ગરબીઓ મુખ્યત્વે કૃષ્ણભક્તિની રચનાઓ છે. થોડીક રચનાઓ ભક્તિઉપદેશની પણ છે. આ કવિનાં પદોની ભાષા સરળ ને પ્રાસાદિક છે. ખૂબ લોકપ્રિય નીવડેલું એમનું પદ ‘હરિને ભજતાં...’ ક્યાંક પ્રેમળદાસ એવી નામછાપની પણ મુદ્રિત થયેલું છે.
૧ પદ
હરિને ભજતાં...
હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.
વહાલે ઉગાર્યો પ્રહ્લાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને
વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે;
પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે. હરીને
વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાયે ગેમલ કર જોડ, હેતે દુખ હરિયાં રે. હરીને