મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૧૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧૧

અખાજી

શાં શાં રૂપ વખાણું, સંતો રે! શાં શાં રૂપ વખાણું?
ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.          સંતો૦

ને જા રોપ્યા નિજધામમાં, વાજાં અનહદ વાજે;
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.          સંતો૦

નૂરત-સૂરતની શેરીએ અનભે ઘર જોયું;
ઝળમળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.          સંતો૦

વિના રે વાદળ, વિના વીજળી, જળ સાગરભરિયું;
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું.          સંતો૦

માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે;
તેને તીરે વસે નાગણી, જાળવજે, નહિ તો ખાશે.          સંતો૦

ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી;
અખો આનંદ-શું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.          સંતો૦