મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૯

અખાજી

નટ વપુ નીરખીને નાર થઈ વ્યાકુળી, આકુળી અંગના એમ ભાખે:
‘શોભા-સિંધુમાંહાં પ્રાણ મોરા, સખી! શીઘ્ર થૈને આજ તું જ રાખે.          ૧

કોટિ કંદર્પ સુભગ શ્યામલવરણ, નૃપ નંદલાલ નીરખો જ નેણે;
ચિત્તતણું ચિત્ત ચાલ્યું ચિદાનંદમાં, વલ્લભ વક્ર ન થાય વેણે.’          ૨

નેત્રને નીરખીને નાર સમરથ નથી, માનિની થઈને કો માન કરવા;
નેણ ને વેણ વાર્યું કોઈ નવ કરે, એક એક આગળે જાય વરવા.          ૩

મસમસતો મોડે ભર્યો મહાવજી, મરકલાં કરતો સુરતવંતો;
મનોજની ફોજ જીતીને પાછો ફર્યો, મહાસતી કેરડાં મંન હરતો.          ૪

સખીએ સંયોગ કર્યો શ્રીનાથનો, રસભર્યાં રેણ, રસ વાધ્યો રંગે;
સુરત-સાગર માંહાં બેહુ ઝીલતાં હવાં, અખા અવલોકતાં આવ્યાં અંગે.         ૫