મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા કડવું ૧


કડવું ૧

અખાજી

(રાગ ધનાશ્રી)
ૐ નમો ત્રિગુણપતિ રાયેજી,
સર્વે પહેલો જે પૂજાયેજી;
અગમ અંગોચર જેને વેદ ગાયેજી,
તેનાં ચર્ણ ચીતવી હું લાગું પાયેજી.          ૧

ઊથલો:
ચર્ણ ચીતવી સ્તુતિ કરું ચિદશક્તિ બ્રહ્માનંદની;
અણછતો અખો અધ્યારોપ કરે તે કથા નિજ આનંદની.          ૨
ગુરુ ગોવિંદ, ગોવિંદ ગુરુ, નામ જુગમ રૂપ એક;
તેને સ્તવું નીચો નમી, કરું બુધ્યમાને હું વિવેક.          ૩

પરાત્પર પરબ્રહ્મ જે, તે મનવાણીને અગમ્ય;
તેનો લક્ષ આપી શકે તે, તે માટે ગુરુ તે બ્રહ્મ.          ૪

શ્વાન સૂકર બિડાલ ખર, તેના ટોળમાંનો જે જંત;
તેને મૂકે હરિ કરી, જેને મળે સદ્ગુરુ સંત.           ૫

ગુરુમહિમા છે અતિ ઘણો, કો સમઝે સંત સુજાણ;
તે ગુરુ ગોવિંદ એકતા ભજે, જેને લાગ્યાં સદ્ગુરુ બાણ.          ૬

જ્યમ રવિ દેખાડે રવિધામને, ત્યમ ગુરુ દેખાડે રામ;
તે માટે હરિ તે ગુરુ, ગુરુગોવિંદ એવું નામ.          ૭

ચાંહીન સમી તે સંતની, જે ગુરુગોવિંદ એકતા ભજે;
જ્યમ બીબામાંહે રસ ભર્યો, વણઘડ્યે રૂપ નીપજે.          ૮

જ્યમ સૌવર્ણ કેરી મોહોર માંહે, અન્ય મુદ્રા છે અતિ ઘણી;
ત્યમ ગુરુભજનમાં સર્વ આવે, જો મન વળે ગુરુ ચર્ણ ભણી.          ૯

જ્યમ બધિર ન જાણે નાદસુખ, સ્વાદ નોહે રસના વિના;
ત્યમ ગુરુ વિના હરિ નવ મળે, જ્યમ ભોગ ન પામે નિર્ધના.          ૧૦

કહે અખો: સહુ કો સુણો, જો ટાળવા હીંડો જંતને;
એ આરતશું ઉરમાં ધરો અને સેવો હરિ-ગુરુ-સંતને.          ૧૧