મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ કડવું ૧૯

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કડવું ૧૯

પ્રેમાનંદ

(રાગ મેવાડો)
ઓખા કરતી સાદ, ‘હો રે હઠીલા રાણા!
આ શા સારુ ઉધમાદ? હો રે હઠીલા રાણા!
હું તો લાગું તમારે પાય, હો રે હઠીલા રાણા!
આવી બેસો માળિયા માંહ્ય, હો રે હઠીલા રાણા!

હું બાણને કરું પ્રણામ, હો રે હઠીલા રાણા!
એ છે કાલાવાલાનું કામ, હો રે હઠીલા રાણા!

બહુ બળિયા સાથે બાથ, હો રે હઠીલા રાણા!
જોઈને ભરીએ, નાથ! હો રે હઠીલા રાણા!

તરવું છે સાગરતીર, હો રે હઠીલા રાણા!
બળે ના પામીએ પેલે તીર, હો રે હઠીલા રાણા!

અનેકમાં એક કુણ માત્ર? હો રે હઠીલા રાણા!
સામા દૈત્ય દીસે કુપાત્ર, હો રે હઠીલા રાણા!

મુને થાયે છે માન-શુકન, હો રે હઠીલા રાણા!
મારું જમણું ફરકે લોચન, હો રે હઠીલા રાણા!

રુએ શ્વાન, વાયસ ને ગાય, હો રે હઠીલા રાણા!
એવાં શુકન માઠાં થાય, હો રે હઠીલા રાણા!

આજે ઝાંખો દીસે ભાણ, હો રે હઠીલા રાણા!
દીસે નગર બધું વેરાન, હો રે હઠીલા રાણા!
ઓ ધ્રૂજતી દેખું ધરણ, હો રે હઠીલા રાણા!
દીસે સાગર શોણિતવરણ, હો રે હઠીલા રાણા!
આ આવ્યું દળવાદળ, હો રે હઠીલા રાણા!
ઓ ચળકે ભાલાનાં ફળ, હો રે હઠીલા રાણા!

આ આવ્યા અગણિત અસવાર, હો રે હઠીલા રાણા!
થાયે હોકારા હુંકાર, હો રે હઠીલા રાણા!

વાગે દુંદુભિના ઘાય, હો રે હઠીલા રાણા!
ઓ તમ પર સેના ઘાય, હો રે હઠીલા રાણા!

ઓ ધજા ફરકે વ્યોમ, હો રે હઠીલા રાણા!
સૈન્ય-ભારે કંપે ભોમ, હો રે હઠીલા રાણા!

ઓ વાગે ઘૂઘરમાળ, હો રે હઠીલા રાણા!
અશ્વ આવે દેતા ફાળ, હો રે હઠીલા રાણા!

એ અસુર મહા વિકરાળ, હો રે હઠીલા રાણા!
હવે થાશે શો હેવાલ! હો રે હઠીલા રાણા!

આવ્યો બાણાસુર પ્રલયકાળ, હો રે હઠીલા રાણા!
મેઘાડંબર-છત્ર વિશાળ, હો રે હઠીલા રાણા!

(વલણ)

મેઘાડંબર-છત્ર ધરિયું, ઊલટી નગરી બદ્ધ રે,
અગણિત અસવાર આવિયા, ઘેરી લીધો અનિરુદ્ધ રે.