મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧

ગંગાસતી

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે
મરને ભાંગી રે પડે ભરમાંડ રે;
વિપદ પડે પણ વણસે નહિ,
ઈ તો હરિજનનાં પરમાણ રે          –મેરુ રે

ભાઈ રે! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને
શીશ તો કર્યાં કુરબાન રે,
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
જેણે મેલ્યાં અંતરનાં માન રે          –મેરુ રે

ભાઈ રે! નિત્ય રેંવું સતસંગમાં ને
જેને આઠે પો’ર આનંદ રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે          –મેરુ રે

ભાઈ રે! ભગતી કરો તો એવી રીતે કરજો પાનબાઈ
રાખજો વચનુંમાં વિશવાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે થાજો સતગુરુજીનાં દાસ રે           –મેરુ રે