મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧૨

ગંગાસતી

કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ ને,
સમજીને રહીએ ચૂપ રે;
મરને આવીને દ્રવ્યનો ઢગલો કરે ને,
ભલે હોય મોટો ભૂપ રે          ...કુપાત્ર. ૧

ભાઈ રે! ભજની પુરુષને બેપરવા રે’વું ને,
રાખવી ના કોઈની પરવા રે;
મોટાની આગળ નવ ઉચ્ચારવું ને,
બાંધવો સૂરતાનો એકતાર રે..          .કુપાત્ર. ૨

ભાઈ રે! ઉપદેશ દેવો તો પ્રથમ ભગતિ દેખાડવી ને,
ગાળી દેવો તેનો મોહ રે;
દયા કરવી તેની ઉપર રાખવો ને,
ઘણો કરીને સોહ રે..          .કુપાત્ર. ૩

ભાઈ રે! સંશય ટળે ને મનડું ગળે ને,
રાખે નહિ કોઈ પર દ્વેષ રે;
ગંગાસતી એમ બોલિયાં ને,
એવાને દેખાડવો હરિનો દેશ રે...          કુપાત્ર. ૪