મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧૪

ગંગાસતી

ભક્તિ કરવી તેને રાંક થઈ ને રે’વું ને,
મેલવું અંતરનું અભિમાન રે,
સદ્ગુરુ ચરણમાં શીશ નમાવી,
કર જોડી લાગવું પાય...          ભક્તિ. ૧

જાતિપણું છોડીને અજાતિ થાવું ને,
કાઢવો વરણ વિકાર;
જાતિભાતિ નહિ હરિના દેશમાં ને,
એવી રીતે રે’વું નિર્માન રે...          ભક્તિ. ૨

પારકા અવગુણ કોઈના જુએ નહિ ને,
એને કહીએ હરિના દાસ રે;
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં,
એને દૃઢ કરવો વિશ્વાસ...          ભક્તિ. ૩

ભક્તિ કરો તો એવી રીતે કરજો,
કે રાખજો વચનમાં વિશ્વાસ રે;
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ,
એમ કહીને હરિના દાસ...          ભક્તિ. ૪