મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧૭

ગંગાસતી

વચનની શક્તિ

સાનમાં સાન એક ગુરુજીની કહું, પાનબાઈ!
જેથી ઊપજે આનંદના ઓઘ રે
સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે;
તેને મટી જાય માયા કેરો ક્ષોભ. – સાનમાં૦
ભાઈ રે! ચૌદ લોકથી વચન છે ન્યારું, પાનબાઈ,
તમે તેની કરી લિયો ઓળખાણ,
જથારથ બોધ વચનનો જોતાં, પાનબાઈ,
મટી જાય મનની તાણાવાણ. –          સાનમાં૦

ભાઈ રે! વચન થકી ચૌદ લોક રચાણા,
વચન થકી ચંદા ને સૂર,
વચન થકી માયા ને મેદની, પાનબાઈ!
વચન થકી વરસે સાચાં નુર. –          સાનમાં૦

વચન જાણ્યું તેણે સરવે જાણ્યું, પાનબાઈ!
તેને કરવું પડે નૈ બીજું કાંઈ,
ગંગા રે સતી એમ બોલિયાં રે
તેને નડે નહીં માયા કેરી છાંઈ. –          સાનમાં૦