મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧૮

ગંગાસતી

મરજીવા થઈને
અસળ વચન કોઈ દી સળે નહીં રે
તે તો અહોકાળ ગાળે ભલે વનમાં,
સતગુરુ સાનમાં પરિપૂરણ સમજ્યા,
તેને અહંભાવ આવે નહીં મનમાં –

ભાઈ રે! શરીર પડે વચન ચૂકે નહીં
ગુરુજીના વેચ્યા તે તો વેચાય;
બ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા
પણ બીજો બોધ નો ઠેરાય.          – અસલ૦

ભાઈ રે! મરજીવા થૈને કાયમ રમવું, પાનબાઈ!
વચન પાળવું સાંગોપાંગ,
ત્રિવિધના તાપમાં જગત બળે છે
તેનો નૈ લાગે તમને ડાગ.          – અસલ૦

ભાઈ રે! જીવનમુક્તની દશા પ્રગટશે,
હાણ ને લાભ મટી જોને જાય,
આશા ને તૃષ્ણા એકે નહીં ઉરમાં
પરમ ભક્ત તે કહેવાય.          – અસલ૦

ભાઈ રે! દૃઢતા રાખો તો તમે એવી રીતે રાખજો
જેથી રીઝે નકળંક રાય,
ગંગાસતી એમ બોલિયાં
તેને નહીં માયા કેરી છાંય.          – અસલ૦