મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૮

ગંગાસતી

ગુપત રસ આ તો જાણી લેજો પાનબાઈ!
જેથી જાણવું રહે નહિ કાંચ;
ઓધ રે આનંદના કાયમ રહે ને,
સેજે સેજે સંશય બધા મટી જાય..          . ગુપત. ૧

ભાઈ રે! શૂરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ!
માંયલું મન ફરી ઊભું ન થાય;
કૈવલ ભગતિને તમે એમ પામો પાનબાઈ!
જેથી જનમ મરણ સેજે મટી જાય...          ગુપત. ૨

પરપંચના તોડી નાખો પડળ પાનબાઈ!
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ!
ભાવ કુભાવ મનમાં નહિ થાય...          ગુપત. ૩

ભાઈ રે! મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ!
ભજન કરો ભરપુર;
ગંગાસતી એમ બોલિયાં રે,
વસાવો નિરમળ નૂર...          ગુપત. ૪