મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૯

ગંગાસતી

મન મરિયું તેને ત્યાગી કહીએ ને,
મરને વરતે વહેવાર માંય રે;
ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ને,
તેને નડે નહિ માયાની છાંય રે          ...મન. ૧

ભાઈ રે! આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલ્પના,
આનંદ ઉપજ્યો અપાર રે;
વ્રતમાન બદલે પાનબાઈ તેને રે;
જેને લાગ્યો વચનુમાં તાર રે..          .મન. ૨

ભાઈ રે! આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને,
વરતી થઈ ગઈ સમાન રે;
ગુરુને શિષ્યની થઈ ગઈ એકતા ને,
મટી ગયું જાતિનું માન રે.          ..મન. ૩

ભાઈ રે! પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે,
વાસના મટી ટળી તાણાવાણ રે;
ગંગાસતી એમ બોલિયાં ને,
જેને થઈ ગઈ સદ્ગુરુની ઓળખાણ રે          ...મન.૪