મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગોપાળદાસ પદ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧

ગોપાળદાસ

૧.બુદ્ધિ વહુને શિખામણ.
રાગ ધોળ
"આછો ઘુંઘટ વહુને વહાલેરો લાગે."-એ રાગ.
સાચી સમજણ બુદ્ધિને ખોટીરે લાગે.
સંત મનાવે તો મનાવું હો લોલણી;
સાચી સમજણ બુધ્ધિને ખોટી લાગે. ટેક.
શીલ સંતોષ કહોતો કલ્લાં ઘડાવું;
કરૂણાની કાંબિયો પેરાવું; હો લોલણી– સાચી સમજણ.
વિવેક વિચાર કહોતો વિછુવા ઘડાવું,
હર્ષના ઘૂઘરા બંધાવું; હો લોલણી– સાચી સમજણ.          ૧
સાધન સંપતિ કહોતો ચુડલો પેરાવું,
ક્ષમાની ચીપો મઢાવું; હો લોલણી– સાચી સમજણ.
જ્ઞાન વૈરાગ્ય બાજાુબંધ સોવરાવું,
શાંતીનું રતન જડાવું; હો લોલણી– સાચી સમજણ.          ૨
પ્રેમનાં પુષ્પો ગળામાં નંખાવું,
લક્ષનો દોરડો પ્રોવરાવું; હો લોલણી– સાચી સમજણ.
ટેક રૂપી કહો તો તુશિયો ઘડાવું,
દયાની દામણી બંધાવું; હો લોલણી– સાચી સમજણ.          ૩
સતસંગત રૂપી ઘુલર ઘડાવું,
લગ્નનું લોળિયું પેરાવું; હો લોલણી– સાચી સમજણ.
ભક્તિ રૂપી કહો તો વાળી ઘડાવું,
મુક્તિની ચૂનિયો મેલાવું; હો લોલણી– સાચી સમજણ.          ૪
નેહનું નયણે કહો તો કાજળ સરાવું,
હેતની આડો કરાવું; હો લોલણી– સાચી સમજણ.
સીધી સમજણ કહો તો સેંથો પુરાવું,
જોગનો ચાંદલો ચોઢાવું; હો લોલણી– સાચી સમજણ.         ૫
ધીરજ રૂપી કહો તો વેણો ગુંથાવું,
ગુરુગમ ગોફણો લટકાવું; હો લોલણી– સાચી સમજણ.
ચોખી ચાલની તમને ચોળી શિવડાવું,
ચૈતનની ચુંદડી પેહેરાવું; હો લોલણી– સાચી સમજણ.          ૬
સાચી કરણીનો કહો તો કંચુવો શિવડાવું,
ભાવનું ભરત ભરાવું; હો લોલણી– સાચી સમજણ.
દાસ ગોપાળ કહે એ સમજણ સાચી,
દક્ષનો લક્ષ બતાવું; હો લોલણી– સાચી સમજણ.          ૭