મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચંદ્રાહાસાખ્યાન કડવું ૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૧૪

પ્રેમાનંદ

રાગ ગોડી
નારદ કહે: સાંભળ, રે અર્જુન! વાડી તણો વિસ્તા જી.
તે વાડીમાં ભૂલ્યા સેવક જોતાં પેલા ચાર જી.          ૧

શયન કીધું છે ચંદ્રહાસે, નિદ્રા અતિશે આવી જી;
દૈવ તણી ગત કોય ન જાણે, વાત થાય જે ભાવી જી.          ૨

તે ધૃષ્ટબુદ્ધિ પ્રધાનની પુત્રી, વિષયા જેહનું નામ જી;
યૌવનમાતી રંગે રાતી, પીડે પાપી કામ જી.          ૩

ચંપકમાલિની-રાજાની પુત્રી, વિષયાની સહિયારી જી;
અન્યોઅન્યે પ્રીત ઘણી, પણ બંને બાળકુમારી જી.          ૪

બેને અનંગ અંતર અતિ પીડે, તાપ તે ન વ ખમાય જી;
બેહુ સકી સંગાથે સરોવર નિત્યે નહાવા જાય જી.          ૫

તે દિવસે તો તારુણી આવી, નિત્યનું સ્થાન જ્યાંય જી,
ચંદ્રહાસે શયન કીધું છે વિશ્રામ કારણ ત્યાંય જી.          ૬

સામું ત્રટ સરોવરનું ત્યાંહાં દાસી આવી ઊભી જી;
‘જળ ભરો ને નૃત્ય કરો,’ સર્વ વિષયાને કહેતી જી.          ૭

કો કુસુમ વીણે, કો કંઠ ઝીણે ગુણવતી લાગી ગાવા જી;
કો શરીર સમારે, ઉત્તમ ઓવારે કોઈ ઊતરે નહાવા જી.          ૮

કો ત્રટ બેસે, કો જળમાં પેસે, તારુણી જાય તરવા જી;
કો ડૂબકી ખાય સંતાડી કાય, વળી બહાર નીસરે વઢવા જી.          ૯

કો કેશ ઝાલે તાણી કાઢે, લાગી હાસ્ય-વિનોદ કરવા બાળી જી;
કો આલિંઘન દેતી, ‘મૂકો મૂકો’ કહેતી, કો કર દેતી તાળી જી.          ૧૦

એહવે વાડી દીઠી નવપલ્લવ, જે પૂર્વે હુતી સૂકી જી,
શ્યામા સર્વ ધસી જોવાને સંગ વિષયાનો મૂકી જી.          ૧૧

ચંપકામાલિની ચાલી જાવા, જાતી વાડી મધ્ય જી;
સર્વેને જાવા દેઈ રહી એકલી, વિષયાએ વિચારી બુદ્ધ જી:          ૧૨

‘પૂર્વે પિતા મુનિ એમ કહેતા તે પાસેથી હું સાંભળતી જી;
અને આજે નિશાએ સમપનું આવ્યું, વાત દીસે છે મળતી જી.          ૧૩

સૂકું વન થાશે અતિ લીલું, જ્યારે આવશે વિષયાનો નાથ જી;
આજ સ્વપ્ન વિષે ચંદ્રહાસે પરણીને ઝાલ્યો હાથ જી.’          ૧૪

એહવું વિચારી વિષયા નારી ચઢી સરોવર-પાળે જી,
એહવે અતિ ઉજ્જવળ અશ્વ દીઠો બાંધ્યો આંબા-ડાળે જી.          ૧૫

તુરીનું તેજ દેખી મનમાં હરખી, જોવા જીવ ત્યાં ખૂત્યો જી,
એહવે દક્ષિણ પાસ ચંદ્રહાસ સેવકહિત દીઠો સૂતો જી.          ૧૬

હરિભક્તને દેખી, હયને પેખી, હરિવદની હરખને પામી જી,
‘શું સ્વપ્ન નિશાનું થાશે સાચું? શકે સૂતા મુજના સ્વામી જી!’          ૧૭

વિમાસે વાત: ‘જો હોય નાથ તો જોયા વિના કેમ ચાલે જી?
ઘેર કેમ જવાય? શી રીતે રહેવાય? મળ્યા વિના હૃદયા સાલે જી.          ૧૮
વલણ

સાલે ક્દયા મળ્યા પાખે, તે માટે જોતી જાઉં રે,
એને જોઉં, ઓળખી, હું નીરખી નિરભે થાઉં રે.          ૧૯