મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચંદ્રાહાસાખ્યાન કડવું ૨૮


કડવું ૨૮

પ્રેમાનંદ

ચંદ્રહાસ કહે: ‘કરો જીવતા, બે સુભટ પામ્યા મર્ણ,
હે વિષ્ણુજી! મુને વૈકુંઠ તેડો, હં સેવું તમારાં ચર્ણ.’           ૮

શિર હાથ મૂકી સેવક પ્રત્યે ઊચરે અવિનાશ:
‘જા, દાસ મારા! હું સદા લગી રહીશ તારી પાસ.’           ૯
એમ સર્વ દેખતાં આદ્યશક્તિએ ઉઠાડ્યા બે જોધ;
કરે ગ્રહી કેતા ગયા પ્રગટ થઈ પ્રતિબોધ.           ૧૦

પછે દેવ-દેવી દેખતાં હવા તે અંતર્ધાન;
ચંદ્રહાસને ચરણે લાગી પિતા-પુત્ર માગે માન.          ૧૧

પ્રધાન કહે: ‘મેં કપટ કીધું, ત્રણ વરાં હં ચૂક્યો;
પણ સાધુ પુરુષે મન ન આણ્યું, સ્વભાવ પોતાનોે ન મૂક્યો.’          ૧૨

પછે વાજતે-ગાજતે આવ્યા નગરમાં, તેડાવ્યો કુલિંદ બાપ;
મેધાવિની મા મોહને પામી દેખી પુત્રનો પ્રતાપ.          ૧૩

કેટલેક કાળે બે વહેવાઈ ગયા ઊઠીને વંન;
મદન સાથે ચંદ્રહાસે ચલાવ્યું રાજ્યાસંન.          ૧૪

ચંદ્રહાસથી વિષયાને પદ્માક્ષ નામે કુમાર;
ચંપકમાલિનીનો મકરધ્વજ, જે લેઈ ગયા તોખાર.          ૧૫

અર્જુન પ્રત્યે કહે નારદ: તું સાંભળ સાચું, રાય!
અમે તુંને માંડી કહ્યો સાધુ તણો મહિમાય.          ૧૬

શાલિગ્રામનો મોટો મહિમા, સાંભળે, પૂજે ને ગાય,
પૂર્વજ તેહના ઊદ્ધરે, કોટિક હત્યા જાય.          ૧૭

કાંઈ ઓછું હશે તે કૃષ્ણ કહેશે, નારદ હવા અંતર્ધાન,
અર્જુન આહ્લાદ પામિયો, પછે વીનવ્યા ભગવાન:          ૧૮
‘સ્વામી! સાધુ સાથે જુદ્ધ કરતાં આપણને લાગે ખોડ.’
હરિ કહે: ‘હવડાં આવશે કુંવર લઈ તુરી-જોડ.          ૧૯

વાત કરતાં વેગળેથી આવતો દીઠો ચંદ્રહાસ;
સભા માંહેથી સામા ચાલ્યા અર્જુન ને અવિનાશ.          ૨૦

પરમેશ્વરને પાય પડતો, હરિએ હાથ ગ્રહી બેઠો કીધો;
‘આવો વહાલા’ કહી કૃષ્ણે ક્દયા સાતે લીધો.          ૨૧

ખભે હાથ મૂકી હરિ કહે છે: ‘સાંભળો મુજ વચન;
હું સવ્યસાચી સાથે આવ્યો કરવા તારું દર્શન.’          ૨૨

સુણી વાક્ય ભગવાનજીનું ભક્ત વળતો રોય;
આંખનાં આંસુ અવિનાશી પટકૂળ પોતાને લોહ્ય.          ૨૩

અર્જુન સાથે સેન સહુએ તેડ્યું, સાથ ચંદ્રહાસ;
પ્રાહુણા પધાર્યા પુર વિષે, કૃપા કીધી અવિનાશ.          ૨૪

ત્રણ દિવસ પ્રાહુણા રહ્યા હરિને અર્જુંન;
બીજાં વસ્ર-અશ્વ આપ્યાં, આપ્યો અશ્વમેઘ-વાજિંન.          ૨૫

ચંદ્રહાસ રાજા સાથે તેડ્યો, ત્યાંથી સાંચર્યો પારથ;
કુલિદકુંવર ને કિરીટી બેઠા, કૃષ્ણે હાંક્યો રથ.          ૨૬

હવે જૈમિનિ એમ ઊચતે: સુણ, અતલિબલ રાજન!
આંહાં થકી પૂરણ થયું ચંદ્રહાસનું આખ્યાન.          ૨૭

સત્તાવીશ કડવાં એનાં, પદ છસેં ને પાંત્રીશ;
રાગ આઠ એના જૂજવા, કૃપા કીધી શ્રીજુગદીશ.          ૨૮

સંવત સત્તર સત્તાવીશ વર્ષ, સિંહસ્થ વર્ષની સંધ્ય,
જ્યેષ્ઠ સુદિ સાતમ સોમવારે, પૂરણ કીધો પદબંધ.          ૨૯

વટપદ્રવાસી ચાતુર્વેદી ભટ પ્રેમાનંદ નામ,
કથા કહી ચંદ્રહાસની, કૃપા કીધી શાલિગ્રામ.          ૩૦

વલણ

કીધી કૃપા શાલિગ્રામે, રૂડી પેરે રક્ષા કરી રે,
એમાં કાંઈ સંદેહ નહિ, શ્રોતા! બોલો શ્રી હરિ રે.          ૩૧