મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /જિનહર્ષ ઢાલ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઢાલ ૪

જિનહર્ષ

હોં લખલહણા બારટ રાજીજીનઈ રીઝવિનઇ ધરિ
અજ્યો, એહની, રાગ કાલહરઉ.

પાછી આવી કન્યકા રે કાંઈ, ફિરિ આવ્યઉ આરામ રે,
ગાઈ વાલી લ્યાવ્યા સહુ રે કાંઈ, અસવારે જઈ તામ રે.
મનમોહણગારી રાજજીનઇ લાગી અતિપ્યારી
મન હરી લીધઉ રે વિપ્રની સુતા.          ૧

રૂપ અધિક રલીયામણઉ રે કાંઈ,
લાવન્ય અંગ અપાર રે,
અતિસય દેખી તેહનઉ રે કાંઈ,
રાજા કરઇ વિચાર રે. મ૦          ૨
‘રાજકન્યા માહરઇ ધરે રે કાંઈ,
અંગ ધરઇ અલંકાર રે,
પિણિ તે નહી ઇણિ સારખી રે કાંઈ,
રૂપકલાગુણધાર રે. મ૦          ૩
ગોચારઇ વનમઇ રે કાંઈ,
નહી ભોજનનઉ સ્વાદ રે,
પહિરણ વસ્ર જિસા તિસા રે કાંઈ,
ઉપજાવઇ આહ્લાદ રે.’ ૦          ૪
મધુકર મોહ્યઉ કેતકી રે કાંઈ,
જિમ રેવા ગજરાજ રે,
તે કન્યાના રૂપ સ્યું રે કાંઈ,
તિમ મોહ્યઉ નરરાજ રે. મ૦          ૫
તુરત રાજાનઉ મન લખ્યઉ રે કાંઈ,
મંત્રી બુદ્ધિનિધાન રે,
‘છઈ તું અજી કુમારિકા રે કાંઈ,
કઈ પરણી ગુણવાન રે. મ૦          ૬
વર કરિ વરવર્ણિની રે,
એ જિતશત્રુ ભૂપાલ રે,’
લજજાનન નીચઉ કરી રે કાંઈ,
કહઇ કુમારી બાલ રે. મ૦          ૭
તે કહઇ ‘ઇણિ ગામઇ’ વસઇ રે કાંઈ,
બ્રાહ્મણ માહરઉ તાત રે,
અગ્નિસર્મા જાણઇ સહુ રે કાંઈ,
હું જાણું નહી વાત રે. મ૦          ૮
છોરુ પરણાવઇ પિતા રે કાંઈ,
સુંદર વરઘર જોઈ રે,
ભાગ્ય પ્રમાણઇ તે પછઇ રે કાંઈ,
સુખીયા દુખીયા હોઇ રે. મ૦          ૯
વયણ સુણાવ્યા એહવા રે કાંઈ,
કન્યા કોકિલવાણિ રે,
રાજા રીજયઉ સાંભલી રે કાંઈ,
એતઉ ગુણની ખાણિ રે. મ૦          ૧૦
વય નાંન્હી પિણિ ગુણ વડા રે કાંઈ,
ગુણ લહઇ આદરમાન રે,
ગુણવંતાનઇ જિહાં તિહાં રે કાંઈ,
થાયઇ સહુ આસાન રે. મ૦          ૧૧


નૃપ આજ્ઞા લેઈ કરી રે કાંઈ, સચિવ ગયઉ દ્વિજગેહ રે,
આવી બ્રહ્મસુતા ઘરે રે કાંઈ, ગોધન સાથ કરેહ રે. મ૦          ૧૨

ઉત્તમ નર દેખી કરી રે કાંઈ,
બ્રાહ્મણ દીધ આસીસ રે,
આસણબઇસણ આપીઅઉ રે કાંઈ,
બઇઠઉ ધરીય જગીસ રે. મ૦          ૧૩

‘દેવ સુણઉ’ મુંહુંતઉ કહઇ રે કાંઈ,
‘વયણ એક મુઝ રે,
જિતસુત્ર નૃપનઇ તાહરી રે કાંઈ,
દે કન્યા કહું તુઝ રે.’ મ૦ ૧૪

કહઇ બ્રાહ્મણ ‘એ માહરા રે કાંઈ,
નૃપાધીન છઇ પ્રાણ રે,
કન્યાનઉ કહિવઉ કિસ્યું રે કાંઈ,
પ્રભુ આગલિ ધરૂં આંણી રે. મ૦ ૧૫

ભાગ્ય ફલ્યઉ પુત્રી તણઉ રે કાંઈ,
માહરઉ જાગ્યઉ ભાગ રે.’
કહઇ જિનહરખ ચઉથી થઈ રે કાંઈ,
ઢાલ સુણઉ ધરિ રાગ રે. મ૦ ૧૬