મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દાણલીલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દાણલીલા

પ્રેમસખી

મારગડે રોકો માં મોહન, મારગડે રોકો માં,
મારગડે રોકી શાને કાજે ગોવાળીયા?
લાજતો નથી ક્હાના, લાજતો નથી,
જરા લાજતો નથી લોકલાજે, ગોવાળિયા?          ૧

ગોરસ પાને, અલી, ગોરસ પાને,
ગોરસડાવાળી, ગોરસ પાને ગોવાલણી;
દાણ અમારું અલી, દાણ અમારું,
દાણ દઈને ચાલી જાને, ગોવાલણી.          ૨


કાંકરડી માર માં ક્હાના, કાંકરડી માર માં,
મહીની મટુકી નંદાશે, ગોવાળિયા;
પાલવડો મેલને મોહન, પાલવડો મેલને,
વાંહે તો મનમાની ગાળ્યું ખાશે, ગોવાળિયા.          ૩

અદકું શું બોલે અલી, અદકું શું બોલે,
અદકું બોલ્યામાં શું આવે ગોવાલણી,
આંખ્યું અણિયાળી, તારી આંખ્યું અણિયાળી,
આંખ્યું કાઢીને બીવરાવે ગોવાલણી.          ૪

ગાવડલી ચારને ઘેલા, ગાવડલી ચારને,
ગાયું ચારી જાને ટાંણે ગોવાળિયા.
વનનો રહેનાર ક્હાના, વનનો રહેનાર તું,
વનચર તે દાણમાં શું જાણે, ગોવાળિયા.          ૫

ગોરસવાળી અલી, ગોરસવાળી,
ગુજરી તું જાત ગમાર ગોવલણી,
માન મેલીને અલી, માન મેલીને,
ગોરસ પાને ગોળી ઉતારી, ગોવાલણી.          ૬

મીટડલી માર મા મોહન, મીટલડી માર મા,
માર મા મીટલડીની ચોંટ ગોવાળિયા,
ગોરસ પીશો કુંવર, ગોરસ પીશો,
પીશો કરીને લાંબો હોઠ, ગોવાળિયા.          ૭

મહીની મટુકી અલી, મહીની મટુકી,
ફૂટશે ને હાર તારો તૂટશે ગોવાલણી,
ગોરસ પાઈશ અલી, ગોરસ પાઈશ,
ત્યારે પાલવડો છૂટશે ગોવાલણી.          ૮

આવડા અકળાઓ મા કુંવર, આવડા અકળાઓ મા,
આકળા થઈને ઘર ખોશો, ગોવાળિયા;
પછે પછતાશો કુંવર, પછે પછતાશો.
પછતાઈને આંસુડાં લોેશો, ગોવાળિયા.          ૯

મરમાળી બહુ છે અલી, મરમાળી બહુ છે,
મરમ તણાં વેંણ મારે, ગોવાલણી,
જેનું બળ હોયે તારે, જેનું બળ હોયે,
તેને ચઢાવી લાવ આ ઠારે ગોવાલણી.          ૧૦

શીદને ફૂલો છો કુંવર, શીદને ફૂલો છો,
નાસી છૂટ્યા છો અડધી રાતે ગોવાળિયા.
છોને માર્યા છે બંધવ છોને માર્યા છે,
બંદીખાને પડ્યાં માત તાત, ગોવાળિયા.          ૧૧

મેણલાં તું માર મા અલી, મેણલાં તું માર મા,
ખબર પડશે થોડે કાળ, ગોવાલણી,
ખેધ ન મેલે અલી, ખેધ ન મેલે,
સિંહ ને ક્ષત્રિતણા બાળ, ગોવાલણી.          ૧૨


શિખવ્યા ન બોલિયે, કોઈના શિખવ્યા ન બોલિયે,
સાંભળશે કંસ તણા દૂત, ગોવાળિયા;
બાંધી લઈ જાશે કુંવર, બાંધી લઈ જશે,
પછે જણાશો ક્ષત્રિપૂત, ગોવાળિયા.          ૧૩

દાણ અમારું અલી, દાણ અમારું,
આપીને જા તું કરવા જાણ, ગોવાલણી;
મહીડું વિખાશે તારું મહીડું વિખાશે,
હાંસી કરતાં થાશે હાણ, ગોવાલણી.          ૧૪

બોલિયે વિચારી ક્હાના, બોલિયે વિચારી,
આવ્યું નથી ઘેર રાજ, ગોવાળિયા;
પારકે ઘેર રે ક્હાના, પારકે ઘેર રે,
પેટ ભરો છો તજી લાજ, ગોવાળિયા.          ૧૫

જોબનનું જોર અલી, જોબનનું જોર તારે,
જોબનનું જોર નથી માતું, ગોવાલણી,
દાણ અમારું અલી, દાણ અમારલું,
દેવાનું મન નથી થાતું, ગોવાલણી.          ૧૬

કે દી લીધું છે ક્હાના, કે દી લીધું છે,
દાણ તેં ને તારે બાપે, ગોવાળિયા?

ફેલ ન કરીએ ઝાઝા, ફેલ ન કરીએ,
રહીએ પોતાને માપે, ગોવાળિયા.          ૧૭

ગોરસ પાને અલી, ગોરસ પાને,
મેલીને વાદ વિવાદ, ગોવાલણી;
ભાવના ભૂખ્યા તારા, ભાવના ભૂખ્યા અમે,
જોઈએ મેલવણીનો સ્વાદ, ગોવાલણી.          ૧૮

હેતે ને પ્રીતે ક્હાના, હેતે ને પ્રીતે,
પ્રીતે તો પ્રાણ લઈ આપું, ગોવાળિયા;
જોર-જોરાઈયે ક્હાના. જોર-જોરાઈયે,
જોરાઈયે નાપું એક ચાંપું, ગોવાળિયા.          ૧૯

રીસ તે ઉતરી હરિની રીસ તે ઉતરી,
રીસ ઉતરી ને રંગ જામ્યો, ગોવાળિયા;
પ્રીતડલી વાધી ચરણે, પ્રીતડલી વાધી,
પ્રીતડી વાધી ને ક્લેશ વામ્યો, ગોવાળિયા.          ૨૦

પૂરણ પ્રીતે ગોપી પૂરણ પ્રીતે,
પૂરણ પ્રીતે ગોરસ પાયે ગોવાલણી;
દાણલીલા હરિની દાણલીલા એ,
પ્રીતે પ્રેમાનંદ ગાયે, ગોવાલણી.          ૨૧

ગાશે સાંભળશે જે કોઈ ગાશે સાંભળશે,
તેના પર હરિ રાજી થાશે, ગોવાલણી;

વાંછિત વર પામશે જન, વાંછિત વર પામશે,
જનમ-મરણ દુ:ખ જાશે ગોવાલણી.          ૨૨