મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દાસીજીવણ પદ ૩


પદ ૩

દાસીજીવણ

લોચને લોભાણી રે...
લોચને લોભાણી રે,
માવા તારી મીટડિયે...
જે નો આવ્યા આજો જાણી,
સરોવર ગઈ’તી પાણી,
બોલડે બંધાણી રે... માવા તારી

જેણે રસ પીધા જાણી,
પિયુજીની છે પટરાણી,
ઠીક તો ઠેરાણી રે... માવા તારી

સાંભળો સૈયર સમાણી,
મેરમજીને લીધા માણી,
વા’લી લાગે વાણી રે... માવા તારી

ભીમ ભેટ્યા ઈ એંધાણી,
દાસી જીવણ જંપે જાણી,
ગરીબી ગણાવી રે... માવા તારી