મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દેવાયત પંડિત પદ ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૧

ગુરુ! તારો પાર ન પાયો

ગુરુ! તારો પાર ન પાયો
એ જી! તારો પાર ન પાયો
પૃથ્વીના માલિક! તારો જી-હો-જી.
હાં રે હાં! ગવરીનો નંદ ગણશે સમરીએ જી-હો-જી.
એ જી! સમરું શારદા માત
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.
હાં રે હાં! જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યાં જી-હો-જી.
એ જી, થંભ વિણ આભ ઠેરાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.
હાં રે હાં! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી-હો-જી.
જી! માખણ વિરલે પાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.
હાં રે હાં! સુન રે શિખર પર અલખ અખેડા જી-હો-જી.
એ જી વરસે નૂર સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

ગગન-મંડળમાં બે બાળક ખેલે જી-હો-જી.
એ જી બાળકનો રૂપ સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.

શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી-હો-જી.
એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી-હો-જી.